ઍક્વિનો, કોરાઝોન (જ. 25 જાન્યુઆરી 1933 તારલેક ફિલિપાઇન્સ આઇલેન્ડઝ, યુ. એસ.; અ. 1 ઑગસ્ટ 2009 મકાતી, મેટ્રો મનિલા, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સ પ્રજાસત્તાકનાં પ્રમુખ તથા આધુનિક જમાનાનાં એક અગ્રણી મહિલા રાષ્ટ્રનેતા. પિતા જોસ કૉજુઆંગકો – સિનિયર તથા માતા ડિમિટ્રિયા સુમુલૉગનાં 6 સંતાનોમાં તેઓ ચોથું સંતાન. શરૂઆતનું શિક્ષણ સેન્ટ સ્કોલૅસ્ટિકા કૉલેજમાં (1938-45). 1945માં મનિલા ખાતેના એઝમ્પ્શન કૉન્વેન્ટમાં પ્રવેશ મેળવ્યો તથા તરત જ વધુ અભ્યાસાર્થે કુટુંબ સાથે અમેરિકા ગયાં, જ્યાં ફિલાડેલ્ફિયાની રાવેન્હિલ અકાદમીમાં અને તે પછી ન્યૂયૉર્કની નૉત્રદૅમ કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો (1945-49). ન્યૂયૉર્ક ખાતેની માઉન્ટ સેન્ટ વિન્સેન્ટ કૉલેજમાંથી મુખ્ય વિષય ફ્રેન્ચ તથા ગૌણ વિષય ગણિત સાથે વિનયન વિદ્યાશાખાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી (1949-53). તે દરમિયાન અમેરિકન કૅથલિક કૉલેજોની નૅશનલ ઑનર સોસાયટી ઑવ્ વિમેન(Kappa Gamma Pi)માં જોડાયાં. 11 ઑક્ટોબર 1954ના રોજ યુવા પત્રકાર તથા કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી બેનિગ્નો નિનૉય એસ. ઍક્વિનો (અકીનો) સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ માકૉર્સે વિરોધીઓને કચડી નાંખવા લશ્કરી શાસન દાખલ કર્યું અને બેનિગ્નો ઍક્વિનોની ધરપકડ કરી ત્યારે પતિના કારાવાસ દરમિયાન (1972-80) કોરાઝોને વિરોધ પક્ષો સાથે સતત સંપર્ક રાખવાનું કપરું કામ કર્યું. 1978માં યોજાયેલ ચૂંટણીઓમાં પતિની તરફેણમાં પ્રચારકાર્યની જવાબદારી ઉપાડીને કોરાઝોન પહેલી વાર રાજકીય તખ્તા પર દેખાયાં.

હૃદયરોગથી પીડાતા બેનિગ્નો ઍક્વિનોને શસ્ત્રક્રિયા માટે અમેરિકા જવા માટે મુક્તિ આપવામાં આવતાં 1980-83 દરમિયાન કોરાઝોન કુટુંબ સાથે અમેરિકામાં રહ્યાં હતાં. તે અરસામાં ફિલિપાઇન્સના રાજકીય બનાવો ધ્યાનમાં લઈ બેનિગ્નો ઍક્વિનોએ સ્વદેશ પાછા ફરવાનો નિર્ણય લીધો. 21 ઑગસ્ટ, 1983ના રોજ મનિલા હવાઈ મથક પર સ્વદેશ પાછા ફરેલા બેનિગ્નો વિમાનમાંથી ઊતરતાં હતાં ત્યારે રાજકીય કાવતરાના ભાગ રૂપે તેમની હત્યા કરવામાં આવી હતી. પતિની હત્યા પછી કોરાઝોન રાજકીય તખ્તા પર વધુ સક્રિય બન્યાં હતાં અને 198385 દરમિયાન માકૉર્સના વિરોધીઓ દ્વારા દેશમાં યોજવામાં આવેલાં જનઆંદોલનોમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

1984માં તેમની માતૃસંસ્થા માઉન્ટ સેન્ટ વિન્સેન્ટ કૉલેજ દ્વારા કોરાઝોનને ડૉક્ટરેટની માનાર્હ ઉપાધિ આપવામાં આવી હતી. ત્યારપછી અમેરિકાના ઈસ્ટન (મૅસેચૂસેટ્સ) ખાતેની સ્ટોનહિલ કૉલેજે પણ માનવવિદ્યાઓમાં ડૉક્ટરેટની પદવી એનાયત કરીને તેમનું બહુમાન કર્યું હતું. દેશમાં પણ ઘણી નાગરિક, ધાર્મિક તથા વ્યાવસાયિક સંસ્થાઓએ માનપત્રો દ્વારા તેમનું સન્માન કર્યું હતું.

સંભવિત સંસદીય ચૂંટણીમાં વિરોધપક્ષોના ઉમેદવારોને કોરાઝોને ટેકો જાહેર કરી દેશના રાજકીય મંચ પર મે, 1984માં પોતે નેતૃત્વ લીધું હતું. ડિસેમ્બર, 1984માં તેઓ સેનેટર લૉરેન્ઝો તનાડા તથા અગ્રણી વ્યાપારી જિમી ઑગપિનના કન્વીનર જૂથમાં જોડાયાં હતાં. રાષ્ટ્રપ્રમુખના પદ માટે આકસ્મિક ચૂંટણી (snap election) યોજવામાં આવે તો વિરોધપક્ષના ઉમેદવારની પસંદગી કરવા માટેની એક યોજના આ જૂથે ઘડી કાઢી હતી.

ફર્દિનાન્દ માકૉર્સ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની આકસ્મિક જાહેરાત કરે અને કોરાઝોનની ઉમેદવારીના પક્ષમાં ઓછામાં ઓછા દસ લાખ નાગરિકોની સહીવાળું આવેદનપત્ર તેમની સમક્ષ રજૂ કરવામાં આવે તો રાષ્ટ્રપ્રમુખના પદ માટે ઉમેદવારી કરવા માટે કોરાઝોને ઑક્ટોબર, 1985માં પોતાની સંમતિ જાહેર કરી હતી.

1985ના ડિસેમ્બરની ત્રીજી તારીખે તેમણે રાષ્ટ્રપ્રમુખના પદ માટેનું પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. ઉપરાષ્ટ્રપ્રમુખના પદ માટે સાલ્વેડૉર લૉરેલ તેમના ઉમેદવાર હતા. તે દિવસથી 1986ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખ દરમિયાન તેમણે વ્યાપક ચૂંટણીઝુંબેશનું આયોજન કર્યું હતું. 4 ફેબ્રુઆરી, 1986ના રોજ લ્યૂનેટા પાર્ક ખાતે યોજવામાં આવેલી ચૂંટણીસભામાં વિશાળ માનવ-મહેરામણ એકત્રિત થયો હતો. ફિલિપાઇન્સના ઇતિહાસમાં આવડી જંગી સભા તે પહેલાં આયોજિત થઈ ન હતી. ચૂંટણીનાં પરિણામોનાં પ્રાથમિક વલણોને આધારે પોતાનો વિજય સુનિશ્ર્ચિત લાગતાં 9 ફેબ્રુઆરી, 1986ના રોજ કોરાઝોને માકૉર્સને પરાજય સ્વીકારવાની હાકલ કરી હતી. તેમ કરવાને બદલે માકૉર્સે પોતાનો ચાલાકીભર્યો ‘વિજય’ જાહેર કર્યો હતો, જેના જવાબમાં કોરાઝોને 16 ફેબ્રુઆરી, 1986ના રોજ સાત મુદ્દાવાળા અસહકાર આંદોલનની જાહેરાત કરી હતી. 22 ફેબ્રુઆરી, 1986ના રોજ સમગ્ર દેશમાં માકૉર્સના શાસન સામે જાહેર બળવો શરૂ થયો હતો. પ્રચંડ લોકમત સામે માકૉર્સનું શાસન નમી પડતાં 25 ફેબ્રુઆરી 1986ના રોજ કોરાઝોન ઍક્વિનોએ ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખના સોગંદ લીધા. 26 ફેબ્રુઆરી, 1986ના રોજ તેમણે પોતાના મંત્રીમંડળની જાહેરાત કરી હતી.

પૂર્વ રાષ્ટ્રપ્રમુખ માકૉર્સના સમર્થકો તથા સામ્યવાદી પક્ષના ટેકેદારોને બાદ કરતાં કોરાઝોન ઍક્વિનોને ફિલિપાઇન્સની પ્રજાનું વિશાળ સમર્થન પ્રાપ્ત થયું હતું, જેને પરિણામે દેશમાં ઘણા લાંબા સમય બાદ રાજકીય સ્થિરતાનાં એંધાણ દેખાયાં હતાં, જોકે તેમને સત્તાસ્થાનેથી હઠાવવાના સતત પ્રયાસ થતા રહ્યા હતા. ડિસેમ્બર 1989માં લશ્કરે બળવો કરી તેમને હઠાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

તેમના 1986થી 92 સુધીના કાર્યકાળ દરમિયાન દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચો રહ્યો હતો. તેમના પર ભ્રષ્ટાચારના આરોપો થયા હતા. 1992માં થયેલ સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ન કરવાનો નિર્ણય લઈ તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે