ઍક્ટર્સ સ્ટુડિયો

January, 2004

ઍક્ટર્સ સ્ટુડિયો : ગ્રૂપ થિયેટર દ્વારા સ્થાપિત અભિનય-તાલીમશાળા. અમેરિકામાં ન્યૂયૉર્ક ખાતે 1947માં ઇલિયા કઝાન અને ચેરિલ ક્રૉફર્ડ દ્વારા ઍક્ટર્સ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં પાછળથી લી સ્ટ્રાસબર્ગ પણ જોડાયા હતા.

સ્તાનિસ્લાવસ્કીની પ્રેરણાથી સામાજિક સભાનતા દર્શાવતાં નાટકો સર્જવાના વિચારથી લી સ્ટ્રાસબર્ગ, ચેરિલ ક્રૉફર્ડ અને હૅરોલ્ડ કલુરમેને પોતાની ત્રીસીમાં ‘ગ્રૂપ થિયેટર’ નામની સંસ્થા સ્થાપી હતી. આ ગ્રૂપ થિયેટર સંસ્થાનું તે જ દિશામાં એક આગેકદમ તે ઍક્ટર્સ સ્ટુડિયો.

સામાન્ય રીતે પ્રસ્થાપિત થઈ ચૂકેલા અભિનેતાઓની મર્યાદિત સંખ્યામાં સભ્યપદ ધરાવતી આ સંસ્થામાં અભિનેતાઓ વાસ્તવદર્શી અભિનયનો સ્તર સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. અહીં પ્રત્યુત્પન્ન નાટ્યાભિનય (improvisation) અને જૂથચર્ચા જેવી પ્રવૃત્તિ મહત્વનો ભાગ ભજવે છે. અભિનય વિષેના આ પ્રકારના વલણની ફલશ્રુતિ રૂપે નીપજતી અભિનયશૈલી ‘મેથડ’ અથવા ‘મેથડ ઍક્ટિંગ’ જેવા નામે ઓળખાવા લાગી. આ શૈલી રૂપેરી પરદા પર એલી વલ્લાહ, શેલી વિન્ટર, રૉડ સ્ટાઇગર, ઍન્થની ક્વીન, મૉન્ટગોમરી ક્લિફટ અને વિશેષ પ્રમાણમાં લાક્ષણિક સ્વરૂપે માર્લૉન બ્રાન્ડો અને જેમ્સ ડીનના અભિનયમાં જોવા મળે છે. ‘ઍક્ટર્સ સ્ટુડિયો’ના મર્યાદિત સભ્યોનું ‘ઑબ્ઝર્વર્સ’ નામનું એક પેટાજૂથ પણ છે, જેની અસર આર્થર મિલર જેવા નાટ્યકાર અને પટકથાલેખકો પર મુખ્યત્વે જોવા મળે છે. મેરિલિન મનરો, પૉલ ન્યૂમન, જેન ફૉન્ડાં જેવાએ પણ અહીં પ્રશિક્ષણ લીધું.

અમેરિકા ખાતે ‘મેથડ ઍક્ટિંગ’નું પૂર્ણ વિકસિત સ્વરૂપ સ્તાનિસ્લાવસ્કીના અભિનયના ખ્યાલથી થોડું દૂર નીકળી ગયું હોવાનું માનવામાં આવે છે; કેટલાક વિવેચકોની માન્યતા મુજબ તે વાસ્તવદર્શી અભિનયના ખ્યાલથી થોડું વિસંગત થઈ જાય છે અને તે પદ્ધતિ ક્યારેક પાત્રચિત્રણમાં મદદરૂપ થવાને બદલે અડચણરૂપ બની જાય છે.

‘ઍક્ટર્સ સ્ટુડિયો’ના આદર્શ અને વિચારને લક્ષમાં રાખીને દિલ્હી ખાતે ‘નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા’માં તેના નિયામક અલકાઝીના સમયથી અભિનયની અપાતી તાલીમમાં ‘મેથડ ઍક્ટિંગ’ શૈલી અપનાવવાનો પ્રયાસ થયો છે. કંઈક અંશે તેવું જ વલણ રાષ્ટ્રીય ચલચિત્ર શિક્ષણ સંસ્થાન, પૂણે ખાતે અભિનયના અભ્યાસક્રમમાં પણ જોવા મળે છે. આ પ્રયાસનું પરિણામ નસીરુદ્દીન શાહ, ઓમ્ પુરી, અનુપમ ખેર, મનમોહનસિંઘ જેવા અભિનેતાઓ અને શબાના આઝમી તેમ જ દીપા સાહી જેવી અભિનેત્રીઓના અભિનયમાં જોવા મળે છે.

ઉષાકાન્ત મહેતા