ઋતાદેવી : ભરતનાટ્યમ્, કથકલી, કુચિપુડી, મોહિનીઅટ્ટમ્, ઉડીસી અને મણિપુરી – એ પરંપરાગત નૃત્યશૈલીઓનું અધ્યયન કરનાર ભારતની પ્રથમ નૃત્યાંગના. આસામના પ્રાચીન સત્રિયા નૃત્યને ઋતાદેવી પહેલાં કોઈએ તે પ્રદેશ બહાર રજૂ કર્યું નહોતું. એમના કાર્યક્રમમાં નવીનતા હોય છે. નૃત્ય સાથે પ્રવચન પણ કરે છે. માહરી નૃત્યની રજૂઆતમાં એમની આગલી વિશેષતા જોવા મળે છે.

સમગ્ર ભારત ઉપરાંત યુરોપના દેશોમાં અનેક વખત તેમના કાર્યક્રમો પ્રશંસા પામ્યા છે. ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રિયા, ફ્રાંસ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ડેન્માર્ક, રશિયા અને અમેરિકામાં નૃત્ય અને વ્યાખ્યાનના કાર્યક્રમો આપેલા છે. ફ્રાંસમાં તેમણે આ કાર્યક્રમની ટેલિવિઝન ફિલ્મ પણ બનાવી છે.

ગીતા મહેતા