ઊડતી રકાબી (flying saucer) : આકાશમાં દેખાતા ઊડતા અપરિચિત પદાર્થો અથવા વિલક્ષણ પ્રકાશપુંજની ઘટના. ક્યારેક એની સાથે ધડાકા કે સિસોટી જેવો સુસવાટ પણ ભળે છે. આ પૈકીના કેટલાક પદાર્થોના આકાર બદલાતા હોવાનું નોંધાયું છે. વળી આ દેદીપ્યમાન પદાર્થોના રંગ પણ બદલાતા હોવાનું જોવામાં આવ્યું છે. વ્યાવહારિક જ્ઞાન અને સમજથી જેનો ખુલાસો સાંપડતો ન હોય અથવા જેને વિશે ખુલાસો કે સ્પષ્ટીકરણ તાત્કાલિક શક્ય ન હોય તેવા સઘળા પદાર્થો કે સઘળી ઘટનાઓને વિજ્ઞાનીઓ વણઓળખાયેલ ઊડતા પદાર્થો (Unidentified Flying Objects : UFO) કહેવાનું વધુ પસંદ કરે છે. આ અંગેની વિજ્ઞાનશાખાને ‘યુફોલૉજી’ (ufology) કહે છે. 22 જૂન, 1947ના રોજ કેનેથ આનૉર્લ્ડ નામના અમેરિકન વિમાનચાલકે એક તૂટેલા વિમાનના ભંગારને શોધી કાઢવાના પ્રયત્નમાં નવ જેટલા અજાણ્યા પદાર્થોને આકાશમાં ઊડતા જોયા. પાણીની સપાટી ઉપર ફેંકેલી ‘રકાબી’ જેમ છરકો કરીને ઠેકીને આગળ નીકળી જાય અને પાછી નીચે આવી છરકો કરીને કૂદીને આગળ જાય તેવી આ પદાર્થોની વર્તણૂક છે. તેને લીધે તેને ‘ઊડતી રકાબી’ નામ મળ્યું છે.

માનવીની નજરે ‘યુફો’ સૌપ્રથમ ક્યારે ચઢ્યો હશે તે કહેવું મુશ્કેલ છે; પણ આ બાબત ઘણી પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. આ બાબતની સાક્ષી પૂરતી ઊડતા પદાર્થોની આકૃતિઓ પ્રાચીન ગુફાઓમાં જોવા મળે છે. ઇતિહાસને પાને નોંધાયેલો આવો પ્રથમ ‘યુફો’ 1 જાન્યુઆરી, 1254ના રોજ જોવા મળેલો. એ ઘટના હાર્ટફર્ડશાયરના સેન્ટ અબ્બાન્સ ખાતે ઘટેલી. એ દિવસે ત્યાંના મઠના સાધુઓએ આવા પદાર્થો આકાશમાં જોયાની નોંધ કરી છે. ઓગણીસમી અને વીસમી સદીમાં અને ખાસ કરીને વિમાની ઉડ્ડયન સામાન્ય બનતાં આ અંગેના સંખ્યાબંધ હેવાલો ઉપલબ્ધ થયા છે. 1947 પછી તો ‘યુફો’ અંગેના ઢગલાબંધ કિસ્સાઓ વિવિધ દેશોમાં બનવા લાગ્યા છે. ભારત અને ગુજરાત પણ આવી ઘટનાઓમાંથી બાકાત નથી. 1978માં માર્ચ-એપ્રિલ મહિનાઓમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓના ઉપરાઉપરી કિસ્સાઓ નોંધાયા હતા. એ જ વર્ષે એપ્રિલની 3, 4, 6, 11 અને 17મી તારીખોએ આશરે 100 કિમી. જેટલી ઊંચાઈએ પ્રતિ સેકંડે અંદાજે 11થી 15 કિમી.ના વેગથી ઉત્તરથી દક્ષિણ તરફ ધસી જતો સુસવાટા કરતો એક અગનગોળો ઉદયપુર, અજમેર, ઇન્દોર, ખંડવા, અમદાવાદ, વડોદરા, મુંબઈ, પુણે, ઔરંગાબાદ, અહમદનગર, પરભણી અને સતારા તથા વચ્ચેનાં ઘણાં સ્થળોએ દેખાયો અને અમદાવાદના વ્યવસાયી ફોટોગ્રાફ ધુન કરકરિયાએ એપ્રિલની 3જી તારીખે આશરે 30 સેકંડની અંદર તેની ત્રણેક છબીઓ પણ પાડી હતી. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરીના વિજ્ઞાનીઓએ ઊંડી તપાસ કરીને જણાવ્યું કે આ ઘટના ઉલ્કાપિંડને કારણે હતી !

ક્યારેક ‘યુફો’ને જોવા ઉપરાંત ‘યુફો’ યાનમાંથી ઊતરેલા પરગ્રહપ્રવાસીઓએ પૃથ્વીના માનવી સાથે વાત કરી હોય કે એમને સહેલગાહે લઈ ગયા હોય એવા દાખલાઓ પણ નોંધાયા છે. આવા કિસ્સાઓ ને ભેટા(encounter)ના પ્રકાર મુજબ ત્રણેક ભાગમાં વહેંચવામાં આવે છે; જેમ કે પ્રથમ પ્રકારના ભેટામાં ‘યુફો’ને દૂરથી જોયાના તમામ દાવાઓ આવી જાય છે. બીજા પ્રકારમાં ‘યુફો’ની સારી-માઠી અસર સજીવ-નિર્જીવ વસ્તુઓ પર પડી હોવાના દાવાઓ આવે છે; જ્યારે ત્રીજા પ્રકારમાં ‘યુફો’નો પ્રત્યક્ષ અનુભવ થયો હોય, ‘યુફો’ યાત્રીઓ સાથે વાતચીત થઈ હોય વગેરે જેવા દાવાઓ આવી જાય છે. અલબત્ત, ત્રીજા પ્રકારના દાવાઓ બહુ અલ્પ સંખ્યામાં છે.

અત્યાર સુધી કમસે કમ આઠેક જેટલા ખગોળશાસ્ત્રીઓએ ‘યુફો’ જોયાની નોંધ કરી છે, જેમાં એડમંડ હેલી જેવા ખ્યાતનામ ખગોળશાસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જીમી કાર્ટરે પણ ‘યુફો’ જોયાનો દાવો કરેલો અને કદાચ એટલે જ, પાછળથી બે કરોડ ડૉલર જેટલી રકમ તેના અભ્યાસ માટે મંજૂર કરેલી. ઐતિહાસિક ર્દષ્ટિએ જોઈએ તો 12 ઑગસ્ટ, 1883ના રોજ ‘યુફો’નો સૌપ્રથમ ફોટોગ્રાફ પાડનાર પ્રો. બોનિલા પણ ખુદ એક ખગોળશાસ્ત્રી જ હતા. આમ સામાન્ય માનવીથી માંડીને અનેક નામાંકિત વ્યક્તિઓ, વિમાનચાલકો, અંતરીક્ષયાત્રીઓ તથા વિજ્ઞાનીઓએ ‘યુફો’માં રસ દાખવ્યો હોઈ, આ અંગે વૈજ્ઞાનિક તપાસ માટે અનેક સમિતિઓ નીમવામાં આવી હતી. 1948-49થી 1969 સુધી ચાલેલી આવી એક જાણીતી તપાસનો હેવાલ ‘પ્રૉજેક્ટ બ્લૂ બુક’ તરીકે ઓળખાય છે. આવી એક બીજી જાણીતી સમિતિ, તેમાં કાર્ય કરનાર મુખ્ય વૈજ્ઞાનિકનાં નામ ઉપરથી ‘કોન્ડોન કમિટી’ છે; તેનો હેવાલ 1969માં પ્રસિદ્ધ થયો હતો. આ સમય સુધીમાં 12,618 ‘યુફો’નાં ર્દશ્યોની નોંધ થઈ હતી. એક કૅનેડિયન હેવાલમાં 750 ર્દશ્યોની નોંધ છે. આવાં અનેક તપાસપંચોનો પ્રધાન સૂર એ રહ્યો છે કે ‘યુફો’ની કોઈ પણ ઘટનાને પરગ્રહવાસીઓના યાન સાથે કશી લેવાદેવા નથી. બીજું તારણ એ કે તમામ ઘટનાઓમાંથી માત્ર 10 ટકા જ એવી છે, જેનો ઉકેલ વૈજ્ઞાનિક રીતે આવી શકતો નથી. એની પાછળ નિરીક્ષકો દ્વારા મળેલી અપૂરતી માહિતી જ મુખ્યત્વે કારણભૂત હોય છે. બાકીના 90 %થી પણ વધારે બનાવો ખગોળીય તેમજ વાતાવરણસંબંધી ઘટનાઓ સાથે સંકળાયેલા હોય છે, જેમ કે શુક્રનો ગ્રહ ક્યારેક કોઈને દિવસે પણ નજરે ચડી જાય છે ત્યારે આ બાબતથી અજાણ વ્યક્તિ એને ‘યુફો’ માની લેવાની ભૂલ કરે છે.

વૈજ્ઞાનિકોએ ‘યુફો’નો આભાસ જગાવતા સંખ્યાબંધ પદાર્થો કે ઘટનાઓને અલગ તારવીને એ બધાની એક લાંબી યાદી બનાવી છે, જેમ કે વાયુમંડળના અભ્યાસ માટે છોડાતાં બલૂનો, રૉકેટોના બળીને ખરી પડતા ભાગો, નિર્ધારિત ભ્રમણકક્ષમાંથી હટી જઈને પૃથ્વી તરફ પટકાઈ પડતા માનવસર્જિત ઉપગ્રહો, પ્રાયોગિક ધોરણે ઉડ્ડયન કરતાં અપરિચિત આકારનાં વિમાનો, ઝડપી વિમાનો દ્વારા રચાતાં હવાઈવમળો, ઊડતાં પંખીઓ કે યાયાવર પંખીઓની કતાર, હવાઈ છત્રીઓ, ઊડતાં જીવજંતુઓનાં ઝુંડ, દીવાદાંડીઓના ઝબકારા, રસ્તાની બત્તીઓનું આભાસી પ્રતિબિંબ, ઘરની કાચની બારીઓ, બરફના તરતા કણો કે હિમશિલાઓ પરથી પરાવર્તિત થતાં પ્રકાશનાં કિરણો, મંગળ, શુક્ર, શનિ, બુધ જેવા ગ્રહો, ઉદય કે અસ્ત પામતા પ્રકાશિત તારાઓ, ઉલ્કાઓ, અગ્નિ-ઉલ્કાઓ, ધૂમકેતુઓ, કેટલાંક વાદળો  ખાસ કરીને નિશાદીપી (noctilucent) તથા મસૂરાકાર યા લેન્સ આકારના (lenticular) વાદળો વગેરે અમુક પરિસ્થિતિમાં હૂબહૂ ઊડતી રકાબીનો જ આકાર ધારણ કરે છે ! આભાસી સૂર્ય (Sundog; Mocksun or Parhelion), આભાસી ચંદ્ર (Moondog), ગોલક વીજળી (ball lighting), ધ્રુવીય પ્રકાશ (aurora) વગેરે જેવી કેટલીક મોસમી ઘટનાઓ પણ ઘણી વાર યુફોનો આભાસ સર્જે છે.

સામાન્ય રીતે રડાર જેવું ઉપકરણ વિશ્વસનીય ગણાય, પણ કેટલીક વિશિષ્ટ મોસમી પરિસ્થિતિમાં કેટલાક જાણીતા પદાર્થો પણ રડારના ચંદા ઉપર ચિત્રવિચિત્ર આકારો ઉપસાવે છે, જેમને અનુભવી રડાર-ઑપરેટરો પણ ‘યુફો’ માની લેવાની ભૂલ કરી નાંખે છે. આમ યંત્રો કે વૈજ્ઞાનિક ઉપકરણોની પોતાની જ ક્ષતિઓ ર્દશ્યસંબંધી વિકૃતિઓ તથા એકથી વધુ પ્રતિબિંબો ઉપસાવે એવું બને છે. નિરીક્ષકના પોતાના પૂર્વગ્રહો, અવલોકન-સમયની મન:સ્થિતિ, ર્દષ્ટિની ખામી વગેરે જેવી બાબતો પણ ‘યુફો’ની સચ્ચાઈ નક્કી કરવામાં અગત્યની બની રહે છે. આમ છતાંય, ‘યુફો’ના બધા જ અહેવાલો માત્ર ભૌતિક કારણોને લીધે જ છે, તેવું સો ટકા ખાતરીથી કહેવું મુશ્કેલ છે અને એટલે જ કદાચ, વૈજ્ઞાનિકો દ્વારા ગમે તેટલા ખુલાસા કરવામાં આવે તોપણ સમાજનો અમુક વર્ગ અને કેટલાક વૈજ્ઞાનિકો પોતે પણ ‘યુફો’ની ઘટનાના નિરાકરણ કરતા અહેવાલોને શંકાની નજરે જુએ છે અને પરિણામે બાટલીમાં પુરાયેલ ‘જિન’ની જેમ પ્રચાર-માધ્યમો દ્વારા ‘યુફોરૂપી જિન’ વિશે તર્કવિતર્ક થતા રહે છે. યુફોની જાણકારી માટે અમેરિકાએ આશરે દસ વર્ષ સુધી પ્રૉજેક્ટ ચલાવ્યો. નક્કર પરિણામો ન મળતાં આ પ્રૉજેક્ટ થોડાંક વર્ષ પહેલાં બંધ કરી દેવામાં આવ્યો છે.

સુશ્રુત પટેલ