ઉષ્મા-સંદીપ્તિ (thermoluminiscence) : સ્ફટિક કે કાચ જેવો પદાર્થ 450o સે. જેટલો ગરમ થતાં પ્રકાશનું થતું ઉત્સર્જન. આવા પદાર્થમાં રહેલી ખામી નજીક આવેલા કેટલાક પરમાણુઓના બાહ્ય ઇલેક્ટ્રૉન ઉત્તેજિત અવસ્થામાં હોવાથી હોય છે. તેથી પદાર્થને ગરમ કરતાં વધારાની ઊર્જા પ્રકાશરૂપે મુક્ત થતી હોય છે. ઉત્સર્જનની તીવ્રતા ખામીની સંખ્યા સાથે સાંકળી લઈ શકાય. ઉષ્માસંદીપ્તિ ઉદભવતી હોય તે સમયનું તાપમાન પદાર્થમાં રહેલ ખામીના પ્રકારનું સૂચન કરે છે. રેડિયો-ઍક્ટિવ ક્ષય(decay)ના કારણે આવી ખામીઓ ઉદભવતી હોય છે. આ કારણે ઉષ્મા-સંદીપ્તિનો ઉપયોગ ખનિજના કાલનિર્ધારણ (dating of minerals) અને પુરાતત્વવિદ્યાને લગતાં અશ્મોપકરણ(archaeological artifacts)માં કરવા માટે ઘણાબધા પ્રયાસો કરવામાં આવેલા છે.

અરુણ રમણલાલ વામદત્ત