ઉમરવાડિયા, બટુભાઈ લાલભાઈ (જ. 13 જુલાઈ 1899, વેડછી (જિ. સૂરત); અ. 18 જાન્યુઆરી 1950, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. મુંબઈમાંથી બી.એ. 1920, એલએલ.બી. 1927. વકીલાત તેમજ સરકારી અને અન્ય નોકરીઓ કરી, જેમાં અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી (1936-1949) તરીકેની સેવાઓ નોંધપાત્ર. સૂરતમાં વકીલાત વેળા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો અને ક. મા. મુનશીના અધ્યક્ષપણા નીચે રચાયેલી બિનસરકારી બારડોલી તપાસ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું (1928).

વીશીનાં થોડાં વર્ષોની ટૂંકી સાહિત્યિક કારકિર્દી ધરાવતા બટુભાઈ 1915 પછી ગુજરાતમાં ઇબ્સન, શૉ, ઑસ્કર વાઇલ્ડ આદિ યુરોપીય સાહિત્યકારોના પ્રભાવ નીચે જે પ્રણાલિકાભંજક રંગદર્શી સાહિત્યિક આબોહવા પ્રસરી તેના, મુનશી વગેરેની સાથે, એક વાહક બન્યા. કિશોરીલાલ શર્મા, સુન્દરરામ ત્રિપાઠી, હરરાય દ્વિવેદી, કમળ વગેરે છદ્મનામો ને ઉપનામોથી લખતા રહી એમણે ગદ્યકાવ્ય, ગરબા, નિબંધ (વિનોદાત્મક, અંગત, ચરિત્રાત્મક), વિવેચન, વાર્તા, નાટક, નવલકથા વગેરે પ્રકારો પર હાથ અજમાવ્યો અને એમાં અરૂઢ પ્રયોગો કર્યા. કેટલાંક રૂપાંતરો કર્યાં અને બીજાઓની સાથે ‘ચેતન’ (1920-1923), ‘વિનોદ’ (1921-1923) એ માસિકો તથા ‘સુદર્શન’ (1928-1929)એ સાપ્તાહિક ચલાવ્યાં. મુનશીની સાહિત્યસંસદની પ્રવૃત્તિઓના પણ એ સહભાગી બન્યા.

બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા

ગુજરાતી એકાંકીના અગ્રયાયી તરીકે એમણે મહત્વનું ને નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરી લીધું. ર્દશ્યબહુલતા તથા સમયનો પથરાટ ધરાવતાં એમનાં એકાંકીઓ સ્વરૂપર્દષ્ટિએ ઊણાં ઊતરે છે. પરંતુ એમાં નાટ્યક્ષમ પરિસ્થિતિની સંકલ્પના, દ્યોતક સજીવ પાત્રાલેખન અને વાકછટાયુક્ત સંવાદોથી એક આગવું નાટ્યરૂપ સર્જાયું છે. તેમાં ભાવકોને પ્રભાવિત કરે એવી આધુનિક સંદર્ભને અનુરૂપ નવાં મૂલ્યોની ખોજ છે, જે કેટલીકવાર પરંપરાગત માનસને આઘાત આપે એવા વિચારો પણ પ્રગટાવે છે.

બટુભાઈના પ્રકાશિત ગ્રંથો : યુવાન હૃદયની ઊર્મિઓના આવિષ્કારરૂપ ગદ્યકાવ્યોનો સંચય – ‘રસગીતો’ (1920), શેરિડનના સુપ્રસિદ્ધ નાટક ‘ધ સ્કૂલ ફૉર સ્કૅન્ડલ’નું રૂપાંતર ‘સંસાર એક જીવનનાટ્ય’ (1921), યોગ્ય કલારૂપ નહિ પામેલી ને વિવિધ રીતિઓનો આશ્રય લેતી વાર્તાઓનો સંગ્રહ ‘વાતોનું વન’ (1924), ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ (1927), ‘માલાદેવી અને બીજાં નાટકો’ (1927), ‘રાસઅંજલિ’ (1935), કાલિદાસના ‘શાકુન્તલ’નું અર્વાચીન સમયને છાજતું રૂપાંતર ‘શકુન્તલા રસદર્શન’ (1935), મુનશીના ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ની હળવી સમીક્ષા રૂપે ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહોનો મનોરમ પરિચય આપતી લેખમાળા ‘કીર્તિદાને કમળના પત્રો’ (1938) અને એમનાં ચૂંટેલાં નાટકોનો મરણોત્તર પ્રકાશિત સંચય ‘બટુભાઈનાં નાટકો’ (1951). બટુભાઈની જે કૃતિઓ ગ્રંથસ્થ થવી બાકી હતી એમાં ‘આપણા મહાજનો’ એ શીર્ષકથી પ્રગટ થયેલ અગ્રગણ્ય ગુજરાતીઓનાં નિજી ર્દષ્ટિનાં ને નિખાલસ રેખાચિત્રો, ‘મધુસૂદન’ નામે અધૂરી રહેલી નવલકથા અને પ્રકીર્ણ લેખોનો સંગ્રહ તેમનાં પુત્રી મધુરીબહેને ‘શેષ સાહિત્ય’ શીર્ષકથી 2003માં પ્રગટ કરેલ છે. તેમની સ્મૃતિમાં બટુભાઈ ઉમરવાડિયા ડ્રામૅટિક રિસર્ચ એજ્યુકેશન ઍન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બુડ્રેટી નામની રંગભૂમિવિષયક શિક્ષણ-સંશોધનની સંસ્થા પણ શરૂ થયેલી છે. ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી બટુભાઈનાં નાટકો તથા ઇતર સાહિત્ય પુન:પ્રકાશન પામ્યું છે.

જયંત કોઠારી