ઉન્માદ, વિપત્તિકારી

January, 2004

ઉન્માદ, વિપત્તિકારી (amok) : હિંસા કરવાના આવેગવાળો માનસિક વિકાર. ‘ઍમોક’નો અર્થ ‘ભીષણ યુદ્ધ કરવું’ એવો થાય છે. આ પ્રકારની તકલીફમાં વ્યક્તિ આક્રમણકારી વર્તન કરે છે. મોટાભાગે પુરુષમાં તે જોવા મળે છે. વ્યક્તિ છરી અથવા બંદૂક જેવા હથિયાર સાથે, ગુસ્સામાં આવીને ગાંડા માણસની માફક ચારેબાજુ દોડ્યા કરે છે. કોઈ પણ કારણ વગર આવી વ્યક્તિ લોકો ઉપર હુમલો કરે છે અથવા તેમને મારી નાખે છે. છેવટે આવી વ્યક્તિને પકડવામાં આવે છે અથવા વ્યક્તિ પોતે આત્મહત્યા કરે છે. મોટાભાગે શાંત પડ્યા પછી વ્યક્તિ આ ઘટનાને યાદ કરી શકતી નથી. આ ઘટના બને તે પહેલાં થોડા સમય માટે વ્યક્તિ પોતાની જાતમાં મગ્ન અથવા ખિન્ન રહે છે.

વિપતકારી ઉન્માદ અમુક સમાજોમાં જ જોવા મળે છે. તેને સંસ્કારલક્ષી સંલક્ષણ(culturebound syndrome)નો માનસિક વિકાર કહી શકાય. આ તકલીફ મલેશિયામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાં એને ‘માતા ગેલાવ’ કહે છે. ક્યારેક આ રોગ આફ્રિકા, પાપા ન્યૂગિની, ભારત તેમજ પશ્ચિમના દેશોમાં પણ જોવા મળે છે.

આ તકલીફનું મુખ્ય કારણ હજુ નક્કી થઈ શક્યું નથી. છતાં કેટલાંક શક્ય કારણો સમજી શકાયાં છે, જે નીચે મુજબ છે : (1) સાંસ્કૃતિક પરંપરા અનુસાર પુખ્ત વયની વ્યક્તિઓ ઉપર ગુસ્સો વ્યક્ત કરવા માટે સમાજમાં પ્રતિબંધ હોય, (2) ભૂત-પ્રેતે શરીરમાં પ્રવેશ કર્યાની પ્રચલિત માન્યતા હોય, (3) વ્યક્તિ ખૂબ જ શરમજનક સંજોગોમાં મુકાઈ હોય, (4) વ્યક્તિ ઉપર અસહ્ય વિપત્તિ આવી પડી હોય, (5) વ્યક્તિ પોતાના કુટુંબથી વિખૂટી પડી ગઈ હોય, (6) સહેલાઈથી હથિયાર ઉપલબ્ધ હોય, અથવા (7) તેણે નશાકારક પદાર્થનું વધારે પડતું સેવન કર્યું હોય.

ઉન્માદની સારવાર માટે વ્યક્તિને પકડી લઈ, પ્રશાંતક (tranquillizer) ઔષધો આપવામાં આવે છે. જ્યારે વ્યક્તિ શાંત પડે ત્યારે તેની શારીરિક અને માનસિક સંભાળ લેવી પડે છે. આ વિકાર થતો અટકાવવા માટે અમુક પ્રકારના સામાજિક પ્રતિબંધો કે અવરોધ ઊભા કરતા રિવાજમાં મૂળભૂત ફેરફાર કરવાનું આવશ્યક બને.

સોહન દેરાસરી