ઉદ્યાચા સંસાર (1936)

January, 2004

‘ઉદ્યાચા સંસાર’ (1936) : પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર પ્રહલાદ કેશવ અત્રેનું નાટક. કરુણ અને ગંભીર સ્વરૂપના આ નાટકમાં ડૉ. વિશ્રામ અને કરુણાના દુ:ખપૂર્ણ સંસારનું ચિત્રણ છે. કરુણાનો પતિ ડૉ. વિશ્રામ બુદ્ધિમાન પણ વ્યસની ને બેજવાબદાર હોવાને લીધે સાત્વિક તથા માયાળુ સ્વભાવની કરુણાનું સુખમય સંસાર વિશેનું સ્વપ્ન છિન્નભિન્ન થાય છે, એટલું જ નહિ પરંતુ તેમનાં સંતાન શેખર અને શૈલાના જીવનમાં પણ એક પછી એક ભયાનક સમસ્યાઓ ઊભી થતી જાય છે. આ પ્રકારનો માનસિક તનાવ સહન ન થવાથી કરુણા આપઘાત કરીને પોતાના જીવનનો અંત લાવે છે. અહીં લેખકે જૂજ પાત્રો દ્વારા વાસ્તવિક સમાજચિત્ર ખૂબ જ કુશળતાથી રજૂ કર્યું છે. તેમાંની ભાષા પ્રેક્ષકોની સંવેદના અને ભાવનાને મૃદુતાથી સ્પર્શે છે.

એક તરફ વિશ્રામ તથા કરુણા વચ્ચેનો સંઘર્ષ, તો બીજી તરફ તેમનાં સંતાનો શેખર તથા શૈલાના જીવનમાં પ્રેમની વિફલતાને લીધે નાટકમાં કરુણરસની ઉત્કટતા ઉત્તરોત્તર વધતી જાય છે અને તેમાં પણ ધીરોદાત્ત અને સહનશીલ એવી કરુણાના તેજસ્વી વ્યક્તિત્વનો નાટકના છેલ્લા પર્વમાં થતો આવિષ્કાર અને તેના જીવનનો કરુણ અંત કથનની ઉત્કટતાને પરિસીમા પર લાવી મૂકે છે. કરુણાના સંસારનો આવો દુ:ખપૂર્ણ રકાસ તાર્કિક ર્દષ્ટિએ અપરિહાર્ય સાબિત થતો હોવાથી તેની વિદારક અસર પ્રેક્ષકોના મન પર ચિરકાલ સુધી ટકી રહે છે.

આ નાટ્યકૃતિના સર્જન પૂર્વે આચાર્ય અત્રેએ ‘સાષ્ટાંગ નમસ્કાર’ અને ‘ભ્રમાચા ભોપળા’ જેવાં હાસ્યપૂર્ણ નાટકો રચ્યાં હતાં. પ્રેક્ષકોમાં હાસ્યરસનો ધોધ વહેવડાવનાર નાટ્યકારની કલમ દ્વારા ‘ઉદ્યાચા સંસાર’ જેવી અત્યંત ગંભીર અને કરુણરસથી ભરપૂર કલાકૃતિનું સર્જન થયું અને આ નાટકે પણ પ્રેક્ષકોનાં મન જીતી લીધાં, તે હકીકત નાટ્યકારના સામર્થ્યનું નિદર્શન કરે છે.

ઉષા ટાકળકર

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે