ઉદયશંકર

2004-01-05 00:50:00

ઉદયશંકર (જ. 8 ડિસેમ્બર 1900, ઉદયપુર; અ. 26 સપ્ટેમ્બર 1977, કોલકાતા) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકાર. જન્મ ડૉ. શ્યામાશંકર ચૌધરીને ત્યાં. જન્મસ્થળને કારણે નામ ઉદયશંકર રાખ્યું હતું. તેમને ચિત્રકલા અને સંગીતમાં બાળપણથી જ રસ હતો. 1917માં મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં તે દાખલ થયા અને ચિત્રકલાના અભ્યાસ સાથે ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીત પણ શીખવા લાગેલા. ચિત્રકલામાં રાવબહાદુર ધુરંધર તેમના પ્રેરક હતા અને સંગીતમાં વિનાયકબુવા પટવર્ધન. ચિત્રકલાનું અધ્યયન મુંબઈમાં પૂરું થતાં તે લંડનની રોયલ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં દાખલ થયા. ત્યાં તેમને સર વિલિયમ રોધેન્સ્ટાઇનનું માર્ગદર્શન મળ્યું અને ઉપાધિ સાથે ‘સ્પેન્સર’ અને ‘જ્યૉર્જ ક્લાઝેલ’ પદકો પણ પ્રાપ્ત થયેલાં. આ સમય દરમિયાન તે પ્રખ્યાત રશિયન નર્તકી અન્ના પાવલોવાના સંપર્કમાં આવ્યા. આ સંપર્કે ઉદયશંકરને ચિત્રકારમાંથી નૃત્યકાર બનાવ્યા.

ઉદયશંકર

1922માં સોવિયત સંઘનાં વિખ્યાત નર્તકી અન્ના પાવલોવા પ્રથમ વાર ભારતમાં આવ્યાં હતાં. તેમણે ભારતીય નૃત્યકલા પર આધારિત ‘હિંદુ-વિવાહ ઉત્સવ’ અને ‘કૃષ્ણ-રાધાનું યુગલનૃત્ય’ નામની બે નૃત્યનાટિકા પેશ કરી. આ રચનાઓમાં કામલતા બૅનર્જીની સંગીતરચના અને ઉદયશંકરનું સમૂહનૃત્ય-નિયોજન (choreo-graphy) હતું. ભારતીય સંસ્કૃતિને અનુપ્રાણિત કરનાર ઉદયશંકરના પ્રથમ નૃત્યે અન્ના પાવલોવા મુગ્ધ બન્યાં. ઉદયશંકરની નૃત્યશૈલી ભારતીય શાસ્ત્રને અનુસરવાને બદલે ઘણુંખરું મુક્ત શૈલી હતી. અન્ના પાવલોવાએ ‘ઑરિયેન્ટલ ડાન્સ’ નામે નૃત્યરચનાઓ રજૂ કરી તેમાં ઉદયશંકરે તાંડવનૃત્ય, શિવપાર્વતીનૃત્ય, લંકાદહન વગેરે 1930ના અરસામાં રજૂ કર્યાં હતાં. આ કાર્યક્રમો ખૂબ સફળ થયા. તેથી પ્રેરાઈને ઉદયશંકરે માનવસંવેદનાઓ વ્યક્ત કરવા ‘લેબર ઍન્ડ મશીનરી’ તથા ‘રિધમ ઑવ્ લાઇફ’, રામલીલા તથા ભગવાન બુદ્ધવિષયક છાયાનૃત્ય (shadow plays) રચીને રજૂ કર્યાં. આ નૃત્યોથી પ્રેરાઈને તેવી પરિપાટીમાં મેનકાદેવી, સાધના બોઝ, રામગોપાલ, જોહરા સહગલ અને તેના પતિ કામેશ્વરે 1936માં વિવિધ નૃત્યરચનાઓ રજૂ કરી.

હિમાલયમાં આલ્મોડામાં ઉદયશંકરે ભારતીય નૃત્યશિક્ષણ માટે 1938માં ‘ઇંડિયા કલ્ચર સેંટર’ની સ્થાપના કરી હતી. તેમાં તેમણે શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્યના સુભગ સમન્વયરૂપ કલાશૈલી પ્રયોજીને શીખવી. એમાં મુદ્રાભિનય તથા પદલાલિત્યની જુગલબંદી યોજી અને પશ્ચિમના દેશોને ભારતીય નૃત્યની મોહિની લગાડી. તેમને સંગીતશાસ્ત્રી તિમિર બરનનો સહયોગ સાંપડ્યો અને નૃત્યના પરંપરાગત સંગીતમાં પણ આમૂલ પરિવર્તન કર્યું. ભારતીય પરંપરાનાં નૃત્યોમાં મોટાં વાદ્યવૃંદોના ઉપયોગની પ્રણાલી એમણે શરૂ કરી.

ઉદયશંકરની આધુનિકતમ કૃતિ ‘શંકર-સ્કોપ’ છે. 1959માં સંગીત-નાટક અકાદમીએ ઉદયશંકરને પુરસ્કાર એનાયત કર્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરના ગીત-કાવ્ય પર આધારિત નૃત્યનાટિકા ‘સામાન્ય ક્ષતિ’માં ઉદયશંકરના ભાઈ રવિશંકરે સંગીતસાથ આપ્યો હતો. ઉદયશંકરે ‘કલ્પના’ (1948) નામનું નૃત્ય-ચિત્રપટ ઉતાર્યું હતું, જેમાં તેમણે અને તેમનાં પત્ની અમલાએ અભિનય પણ કર્યો હતો. આ ચિત્રપટ ભારત કરતાં વિદેશોમાં ખૂબ પ્રશંસા પામ્યું હતું. ઉદયશંકરને ફ્રેંચ યુવતી માદામ સિમ્કીએ સારો સાથ આપ્યો હતો. ઉદયશંકરનાં પત્ની અમલા પણ નૃત્યમાં અત્યંત કુશળ હતાં. ઉદયશંકરે ભારતીય નૃત્યનું સંસ્કરણ કર્યું અને તેને દુનિયાના દેશોમાં પ્રખ્યાત બનાવ્યું.

ચન્દ્રકાન્ત મહેતા

કૃષ્ણવદન જેટલી