ઉખાણું : લોકાનુભવમાંથી ચળાઈને આવેલી, વ્યાપક સમાજજીવનમાં રૂઢ થયેલી અને ચલણી સિક્કાની જેમ પ્રજામુખે વપરાતી ઉક્તિ. ‘ઉખાણું’ શબ્દ સં. उपाख्यानकम् ઉપરથી ગુજરાતીમાં ઊતર્યો છે. ઉખાણાંની ઉક્તિઓમાં પ્રજાકીય જીવનનું એટલે લોકોનાં સંસ્કૃતિ, સ્વભાવ, રહેણીકરણી આદિનું પ્રતિબિંબ પડતું હોય છે. આ ઉક્તિઓ લાઘવયુક્ત અને ચોટવાળી હોય છે. તે લાંબા સમય સુધી ‘કહેતી’ કે ‘કહેવત’રૂપે લોકભાષામાં સચવાઈ રહે છે. અંતરંગે આવી ઉક્તિઓમાં જનસમુદાયના ડહાપણનો નિષ્કર્ષ, શીખ, વ્યંગ-કટાક્ષ કે માર્મિકતા સચવાયેલાં જોઈ શકાશે. બહિરંગે આ ઉક્તિઓ અંત્યપ્રાસ કે વર્ણસગાઈના તત્ત્વવાળી કે કશીક લયાત્મકતા ધરાવનારી હોય છે. તેને લીધે તે સચોટતા ધારણ કરે છે. ઉખાણાં સર્વકાલીન સત્યને પ્રગટાવતાં નથી. ક્યારેક પરસ્પર વિરોધ-વચનોવાળાં પણ ઉખાણાં હોઈ શકે છે. દા.ત. ‘બોલે એનાં બોર વેચાય’ અને ‘ના બોલ્યામાં નવ ગુણ’.

એક લઘુ સાહિત્યપ્રકાર લેખે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં (જૈન-જૈનેતર બંને પ્રકારના) કવિઓએ વિપુલ પ્રમાણમાં ‘ઉખાણાં’ની રચના કરી છે. માંડણની ‘પ્રબોધબત્રીશી’, ભીમની ‘પ્રબોધપ્રકાશ’ કે દયારામની ‘પ્રબોધબાવની’ જેવી રચનાઓ ઉખાણાંના આશયથી જ થયેલી રચનાઓ લાગે છે. અખાના છપ્પામાં આવી લોકોક્તિઓનો અખાએ ભરપૂર ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં સમસ્યા કે હરિયાળીના પર્યાય તરીકે પણ ‘ઉખાણું’ શબ્દ પ્રયોજાય છે.

કેટલીક મધ્યકાલીન વાર્તાઓમાં પોતાનું ઉખાણું જે ઉકેલી શકે તેને પરણવાનો સંકલ્પ નાયિકાઓ કરતી હોય છે, એ હકીકત ઉખાણાની લોકપ્રિયતા દર્શાવે છે.

કાન્તિલાલ શાહ