ઉકાઈ બંધ : સૂરત જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ ગામ નજીક તાપી નદી પર આવેલો ગુજરાતના મોટા બંધો પૈકીનો બહુહેતુક બંધ. ભૌગોલિક સ્થાન : 21o 15′ ઉ. અ. અને 73o 36′ પૂ. રે.. તે તાપી નદી પરના કાકરાપાર આડબંધના સ્થળેથી  પૂર્વ તરફ ઉપરવાસમાં 110 કિમી. અંતરે આવેલો છે.

ભૂસ્તરીય રચનાઓ અને લક્ષણો : ઉકાઈ બંધસ્થળ હેઠળની અધોભૂમિમાં ડોલેરાઇટ ડાઇકજૂથથી ભેદાતી ડેક્કન-ટ્રૅપ રચનાના બેસાલ્ટ ખડકો આવેલા છે. અધોભૂમિમાંનાં ભૂસ્તરીય લક્ષણો તેમજ ખડક-આકારિકી જાણવા ઉપરીતળમાં રહેલા જાડાઈવાળા અધિભાર-(overburden)ને વીંધતાં 290 જેટલાં 11.7 કિમી.ની કુલ ઊંડાઈનાં શારકામ કરવામાં આવેલાં. અધિભાર જળ-ભેદ્ય હોવાથી, તળખડકોને અભેદ્ય બનાવવાના હેતુથી માટીના બંધની લંબાઈ જેટલી ખાઈ (cut-off trench) ખોદીને, તેમાં નીચે તરફ ગ્રાઉટિંગ કરીને અવરોધ-પૂરણી કરવામાં આવેલી છે. એ જ રીતે પાયામાં ફાટવિભાગ(shear zone)નાં નબળાં લક્ષણોને સોડિયમ સિલિકેટ-મૉનોસોડિક ફૉસ્ફેટ તથા સોડિયમ સિલિકેટ-સોડિયમ ઍલ્યુમિનેટ જેવા મિશ્ર રાસાયણિક ગ્રાઉટિંગથી પૂરી દેવામાં આવ્યાં છે. એ જ રીતે ભારાશ્રિત બંધ(gravity dam)ના પાયામાં મળી આવેલાં પટ-સાંધા, ડેક્કન-ટ્રૅપ સાથેનો ડોલેરાઇટ ડાઇક સંપર્ક તેમજ અસ્થાયી રેડ બૉલ જેવાં લક્ષણોને પણ ગ્રાઉટિંગ કરી પૂરી દેવાયાં છે.

તાપી નદીથાળાના હેઠવાસનો આશરે 110 કિમી. લંબાઈનો દક્ષિણ ગુજરાતનો અહીંનો ભૂમિભાગ સ્થાનભેદે 2થી 20 મીટર જાડાઈના કાંપ આચ્છાદનવાળાં મેદાનોથી તથા કાંપની નીચે ગૅબ્બ્રો અને ડોલેરાઇટનાં ડાઇક-સ્વરૂપી અંતર્ભેદનોવાળા, ડેક્કન-ટ્રૅપ રચનાના બેસાલ્ટ ખડકોથી બનેલો છે. અર્ધસ્ફટિકમય, બદામાકાર-કોટરયુક્ત સંરચનાધારક બેસાલ્ટના થરો 6થી 15 મીટર જાડા છે. આ ખડકોમાં ઊભા તેમજ 80o નમેલા સાંધા (joints) તથા એક કે બે મીટરના અંતરના તફાવતે ગોઠવાયેલા પટ-સાંધા રહેલા છે. આ બધાં નબળાં લક્ષણોવાળા ભાગોને સિમેન્ટના રગડાથી પૂરી દેવાયા છે.

ઉકાઈ જળાશય : જળાશયના વિસ્તારમાં ભૂગર્ભજળસ્થિતિની તપાસ કરવામાં આવેલી, ત્યાં 3થી 16 મીટરની ઊંડાઈએ જળસંચયસ્તર હતા. લાભની બાબત એ હતી કે અહીંની જમીન કાંપ-પંકથી બનેલી હોઈ અભેદ્ય હતી, ડોલેરાઇટ ડાઇકનાં જૂથ અવરોધ રચતાં હતાં, તેને કારણે કૃત્રિમ જળાશયનું જળ શોષાઈ જવાની શક્યતા ઓછી હતી.

સ્તરભંગ : તાપી નદી તેના સમગ્ર પ્રવાહપથમાં શ્રેણીબંધ સ્તરભંગોવાળા ડેક્કન-ટ્રૅપ ખડકપ્રદેશમાં થઈને વહે છે. સ્તરભંગરચિત નર્મદા-સોન-દામોદર ગ્રેબનની દક્ષિણ ધાર અહીંથી જ પસાર થાય છે. બંધના સ્થળ ખાતેનો પ્રવાહપથ સ્તરભંગ પર જ રહેલો છે. જમણો કાંઠો સ્તરભંગની અધ:પાત બાજુ રચે છે, જ્યારે ડાબો કાંઠો ર્દઢ સ્થિતિમાં જેમનો તેમ રહેલો છે, અર્થાત્ તે ઓછો વિક્ષેપ પામેલો છે. વળી બંધના સ્થાને નદીપ્રવાહની સમાંતર પૂર્વી-ઈશાન-પશ્ચિમી-નૈર્ઋત્ય દિશાકીય વલણવાળો 15થી 90 મીટર જેટલો પહોળો અન્યોન્ય સમાંતર સ્તરભંગશ્રેણી રચતો ફાટવિભાગ – En-echelon shear zone – પણ આવેલો છે. આ પ્રકારનો નબળો અધોભૂમિવિભાગ અહીં રચાયેલો હોવાથી જળાશય-વિસ્તારમાં ઊંડાઈ સુધી પહોંચતા સ્તરભંગો સાથે સંકળાયેલા પાણીના ઝરા (springs) ઉદભવેલા છે, તે સાયલા-રૂમકી વચ્ચે પૂર્વ-પશ્ચિમ દિશામાં તથા સાયલા-બેકુરવાલી વચ્ચે ઉત્તરી-ઈશાન-દક્ષિણી-નૈર્ઋત્ય દિશામાં વહેંચાયેલા જોવા મળે છે. આમ સમગ્ર રીતે જોતાં, ડાઇક જેવાં અંતર્ભેદનો તેમજ ઝરાઓને કારણે એકસરખા પ્રકારની ભૂસંચલનજન્ય રેખીય દિશા નિર્માણ થયેલી છે. ટૂંકમાં કહી શકાય કે અહીં તાપી નદી સ્તરભંગ સંકુલની ફાટમાં થઈને પસાર થાય છે.

ઉકાઇ બંધ

ભૂકંપની શક્યતાઓ : નર્મદા-તાપી ભગિની નદીઓનો આ વિસ્તાર 3 નંબરના ભૂકંપને પાત્ર વિભાગમાં આવે છે. ભૂતકાળમાં અહીં કેટલાક મધ્યમ તીવ્રતાવાળા ભૂકંપ થયેલા છે. 5.4 તીવ્રતાવાળો ભરૂચ ખાતે થયેલો છેલ્લો ભૂકંપ અહીં 1970ની 23મી માર્ચના રોજ થયેલો, તેનું ભૂકંપ-નિર્ગમનકેન્દ્ર (epicentre) ઉકાઈથી ઈશાનમાં આશરે 100 કિમી. અંતરના સ્થળે હતું. ભૂકંપને પાત્ર આ વિસ્તારને લક્ષમાં રાખીને ઉકાઈ બંધ નિર્માણ કરતી વખતે ભારાશ્રિત બંધ માટે તમામ પ્રકારની જરૂરી સલામતીનાં પગલાં લેવાયેલાં છે. ભવિષ્યમાં ભૂકંપ થાય અને અહીંની ભૂમિમાં ગતિમોજાં પ્રસરે ત્યારે ભૂમિદ્રવ્ય પ્રવાહી-સ્વરૂપ ન પામે તે માટે નદીની રેતીના નમૂના લઈ તેના પર ગતિવિદ્યાત્મક કસોટી કરી નુકસાન ન થાય તેની ખાતરી કરવામાં આવેલી છે. ભારત સરકારે નીમેલી ભૂકંપશાસ્ત્રીઓ, ભૂસ્તરવિદો અને સિવિલ ઇજનેરોની ટુકડીએ સૂચવેલી ભલામણોને ધ્યાનમાં રાખીને પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે.

બંધસ્થાનનો સમગ્ર વિસ્તાર ઘણી જાડાઈવાળા માટીના અધિભારથી આચ્છાદિત છે. પાયાના ખોદકામ વખતે ઊંડાઈવાળાં શાર કરીને અધોભૂમિનાં ભૂસ્તરોની પૂરતી તપાસ કરવામાં આવેલી છે, તે સાથે વિદ્યુત-ઊર્જામથકની સલામતીની પણ કાળજી લીધેલી છે, આ માટે પ્રતિકાર-સર્વેક્ષણ, ભૂકંપીય સર્વેક્ષણ તેમજ ચુંબકીય અસાધારણતાઓનાં સર્વેક્ષણ પણ કરવામાં આવેલાં છે. બંધના ચણતરમાં દળદાર બેસાલ્ટનો ઉપયોગ કરેલો છે.

ઉકાઈ બંધની મુખ્ય ખાસિયતો

 

તાપી નદી પરનો ભારાશ્રિત બંધ
સ્થાન : ઉકાઈ નજીક તાપી નદીનો હેઠવાસ
પ્રકાર : વિભાગીય પૂરણીયુક્ત માટીના પાળા સહિતનો ભારાશ્રિત બંધ
લંબાઈ :
નૉન ઓવરફ્લો સેક્શન : 4,640 મીટર
છલતી/ક્ષમતા : 425 મીટર / 35,960 ઘનમીટર / સેકંડ
પાયાનો પથ્થર : બેસાલ્ટ
મહત્તમ ઊંચાઈ : 81 મીટર
સ્રાવક્ષેત્ર : 62,225 ચોકિમી.
સરેરાશ વરસાદ : 790 મિમી.
ડિઝાઇન પૂરપ્રવાહ : 49,490 ઘનમીટર / સેકંડ
મહત્તમ જલસંગ્રહ : 8,511 મિલિયન ઘનમીટર
ઉપયોગી જલસંગ્રહ : 7,092 મિલિયન ઘનમીટર
સિંચાઈ-ક્ષમતા : 15,24,000 હેક્ટર
ઊર્જા એકમ :
ટાઇપ : ભૂગર્ભીય નદીતળ પાવરહાઉસ
હાઇડ્રૉલિક હેડ : મહત્તમ 57 મીટર, ન્યૂનતમ 34 મીટર
કુલ સ્થાપિત શક્તિ : 300 મૅગાવૉટ
વર્ટિકલ શાફ્ટ કપ્લાન ટર્બાઇન : 4
શક્તિ : 75 મેગાવૉટ
ઑગિવ આકાર દરવાજા સાથે :
દરવાજા : 22
પ્રકાર : વિકેન્દ્રિત (radial)
કદ : 15.545 મીટર ઊંચાઈ
10.78 મીટર પહોળાઈ
જળવિખેરણ-વ્યવસ્થા (energy, dissipation arrangements) :
અપટર્ન્ડ સ્કી-જંપ બકેટ
માલસામાન : માટીકામ : 24.10 મિલિયન ઘનમીટર
કૉંક્રીટ : 0.18  મિલિયન ઘનમીટર
ચણતર : 1.30 મિલિયન ઘનમીટર
લાભ : સિંચાઈ-ઉપલબ્ધિ; પેયજળ-ઉપલબ્ધિ, ઊર્જા-ઉપલબ્ધિ, મત્સ્યસંપત્તિ, પૂરનિયંત્રણ; સૂરત શહેરને રક્ષણ તથા વનીકરણ અને પ્રવાસન-મથક.

ગિરીશભાઈ પંડ્યા