ઈસ્કિલસ (જ. ઈ. પૂ. 525, ઍથેન્સ; અ. ઈ. પૂ. 456) : પ્રસિદ્ધ ગ્રીક નાટ્યકાર. જન્મ એથેન્સની નજીક આવેલ ઇલ્યુસિઝમાં. તેમણે સ્વયં પોતાના કબરલેખમાં પોતાનો ઉલ્લેખ યોદ્ધા તરીકે કર્યો છે. તેમના પિતાનું નામ યુફોરિયન. ઈસ્કિલસ કીર્તિવંત યોદ્ધા હતા અને તેમણે મૅરથનની યુદ્ધભૂમિ ઉપર તેમજ સલામિસની યુદ્ધભૂમિ ઉપર પર્શિયનો સામેનાં યુદ્ધોમાં અપાર વીરત્વ દાખવ્યું હતું. ઈસ્કિલસે પોતાના જીવનકાળ દરમિયાન પોતાનાથી નાનેરા સમર્થ નાટ્યકારો – સૉફોક્લીઝ અને યુરિપિડીઝ – ના હાથે નાટ્યસ્પર્ધાઓમાં પરાજય પણ મેળવેલો અને આ બંને જુવાન નાટ્યકારોને તેમણે પરાજિત પણ કરેલા.

ઍરિસ્ટૉટલે ‘પોએટિક્સ’માં ઈસ્કિલસથી પૂર્વેના કોઈ પણ ટ્રૅજેડી લખનારનો ઉલ્લેખ કર્યો નથી. તેમની સામે ઈસ્કિલસ, સૉફોક્લીઝ, યુરિપિડીઝ અને ઍરિસ્ટૉફનીઝની નાટ્યકૃતિઓ હતી. ઍરિસ્ટૉટલે બાંધેલા ટ્રૅજેડીના સિદ્ધાંતોની પીઠિકા આ ચારેય સર્જકોના સર્જને પૂરી પાડેલી. ઈસ્કિલસે નાટ્યસર્જન નાની વયે કરેલું. નાટ્યસ્પર્ધામાં એમણે પ્રથમ વિજય પ્રાપ્ત કર્યો ઈ. પૂર્વે 484માં. સાઈરેક્યૂઝના શાસક હાઈરોનના આમંત્રણથી ઈસ્કિલસ ઈ. પૂર્વે 476માં સિસિલી ગયેલા. ઈસ્કિલસ ઍથેન્સ છોડી કેમ ગયા ? આ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો છે. મૅરથનના મૃતાત્માઓ પરથી રચાયેલી શોકપ્રશસ્તિઓમાં મહાન ઊર્મિકવિ સાઇમૉનિડીઝની કૃતિ ઈસ્કિલસની કૃતિ કરતાં ચડિયાતી નીવડી. પરાજિત ઈસ્કિલસે આથી ઍથેન્સ છોડ્યું. અન્ય કારણ એ જણાવવામાં આવે છે કે નાટ્યસ્પર્ધામાં તેમનો પરાજય સૉફોક્લીઝ દ્વારા થયો અને આથી એ ઍથેન્સ તજી ગયા. ત્રીજો મત એ છે કે ઈસ્કિલસ ઍથેન્સના રાજકારણથી ત્રાસીને સિસિલી ચાલ્યા ગયા. પણ હકીકત આ છે કે તે ઍથેન્સ તરત પાછા ફરે છે અને પોતાનો સુદીર્ઘ જીવનકાળ ઍથેન્સમાં જ વ્યતીત કરે છે. સિસિલીનિવાસ દરમિયાન ‘ધ વિમેન ઑવ્ એટના’ રચી તે સાઇમૉનિડીઝને પ્રસન્ન કરે છે. ઍથેન્સના મહાન રાજવી પેરિક્લીઝ ઈસ્કિલસના આશ્રયદાતા હતા અને મિત્ર પણ હતા. ઈસ્કિલસનાં નાટકોની ભજવણીમાં પેરિક્લીઝ ઊંડો રસ લેતા.

ઈસ્કિલસે પોતાની નાટ્યકારકિર્દી ઈ. પૂર્વે 499માં શરૂ કરેલી. તેમણે કુલ 90 નાટકો લખ્યાનું કહેવાય છે, પણ આજે તેમાંથી માત્ર 7 નાટકો પૂરેપૂરાં જળવાયાં છે. 70 નાટકોના કેટલાક છૂટક ભાગો મળી આવે છે. પણ અખંડ નાટ્યકૃતિઓ તો આ સાત જ છે. ‘ધ સપ્લાયન્ટ્સ’, ‘ધ પર્શિયન્સ’, ‘ધ સેવન અગેઇન્સ્ટ થીબીસ’, ‘પ્રોમીથિયસ બાઉન્ડ’, ‘ઍગમેમ્નન’, ‘ધ લાઇબેશન બેરર્સ’ અને ‘ધ યૂમેનાઇડીઝ’. એમણે કુલ તેર વાર નાટ્યસ્પર્ધાઓમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.

ઈસ્કિલસે ગ્રીક ટ્રૅજેડીના આંતરસ્વરૂપનું નિર્માણ કર્યું. નાટ્યવસ્તુનું બીજારોપણ (prologue), નાટ્યવસ્તુનું વૃંદગાયકો (chorus) દ્વારા થતું વિકસન અને નાટ્યાંતે સધાતા સંવાદ (agon), સ્વગતોક્તિઓ, સંવાદો, નાટ્યવ્યંગ અને કાવ્યાત્મક સૂચનક્ષમતાઓ ઈસ્કિલસની નાટ્યકૃતિઓનું અંતરંગ ઘડે છે. ઐતિહાસિક કથાનકો, પુરાકલ્પનો, દંતકથાઓ અને ‘ઇલિયડ’ના કથાપ્રસંગો પરથી ઈસ્કિલસે નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. ઈસ્કિલસની નાટ્યત્રયી ‘ઑરિસ્ટૅઈઆ’ દ્વારા ઈસ્કિલસનો મહાન ગ્રીક ટ્રૅજેડિયન તરીકે ઉત્તમ પરિચય મળે છે. જીવનના કારુણ્યનું, જીવનની શ્રદ્ધા અને જીવનના પરમ ધર્મનું નિદર્શન આ નાટ્યત્રયીમાં મળે છે.

એટ્રિયસના શાપિત ગૃહની લોકકથા નાટ્યત્રયી ‘ઍગમેમ્નન’, ‘કોએફરાઈ’, ‘યૂમેનાઇડીઝ’નું કથાવસ્તુ છે. એટ્રિયસનો ભાઈ થિયેસ્ટસ પોતાની ભાભીને શીલભંગ કરે છે. એટ્રિયસ દ્વારા દેશવટો પામેલ થિયેસ્ટસ ઘણાં વર્ષે પુત્રો સહિત આર્ગૉસ પાછો ફરે છે. એટ્રિયસ કપટથી થિયેસ્ટસના પુત્રોનું માંસ થિયેસ્ટસને ખવરાવે છે. થિયેસ્ટસને આની જાણ થતાં ઍટ્રિયસના કુળને શાપ આપી પુત્ર ઍગિસ્થસ સાથે આર્ગૉસ છોડી ચાલ્યો જાય છે. ઍગમેમ્નન ટ્રૉયના યુદ્ધમાં વ્યસ્ત છે તે દરમિયાન ઍગિસ્થસ પાછો ફરે છે. ક્લાઈટેમ્નેસ્ટ્રા સાથે મળી જઈ ઍગિસ્થસ યુદ્ધમાંથી પાછા ફરેલા ઍગમેમ્નનને સપડાવે છે. ક્લાઇટેમ્નેસ્ટ્રા પતિ ઍગમેમ્નન અને તેની રખાત કાસાન્ટ્રાની હત્યા કરે છે. એરિસ્ટિયસ પોતાની બહેન ઇલેક્ટ્રાની સહાયથી માતા ક્લાઈટેમ્નેસ્ટ્રા અને તેના પ્રેમી ઍગિસ્થસની હત્યા કરે છે. કોપની દેવીઓ એરિસ્ટિયસનો ઠેર ઠેર પીછો કરે છે. અંતે એથીની, એપૉલો અને ઍથેન્સના પંચ દ્વારા એરિસ્ટિયસને ક્ષમા બક્ષવામાં આવે છે. ઈસ્કિલસ શુદ્ધ ન્યાયની તેમજ આત્મપરિતાપ દ્વારા પવિત્ર થયેલા પાત્રની કેવી ખેવના રાખે છે તેનું ઉદાહરણ આ નાટ્યત્રયી છે.

નલિન રાવળ