ઈડિપસ રેક્સ (Oedipus Rex); બીજું જાણીતું લૅટિન નામ ઈડિપસ ટાયરેનસ  Tyrannus) : ગ્રીક ટ્રેજેડી. નાટ્યકાર સોફોક્લિસ(ઈ. સ. પૂ. 495-406)ની વિશ્વસાહિત્યમાં ઉચ્ચ સ્થાન મેળવનાર આ કૃતિને ટ્રૅજેડીનું સર્વોત્તમ ઉદાહરણ ગણીને ઍરિસ્ટોટલે તેના વિખ્યાત ગ્રંથ ‘પોએટિક્સ’માં ટ્રૅજેડીની વ્યાખ્યા બાંધી છે.

પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન સોફોક્લિસે 100થી વધુ નાટકોની રચના કરી હતી. તેમાંથી આજે ફક્ત 7 ઉપલબ્ધ છે. ઈસ્કિલસનાં નાટકોમાં કાવ્યતત્વ ઉચ્ચ કોટિનું છે, જ્યારે સોફોક્લિસનાં નાટકો અપૂર્વ નાટ્યક્ષમતાને કારણે જગપ્રસિદ્ધ છે. સ્વગતોક્તિ, વક્રોક્તિ, સંવાદ વગેરે નાટકના આંતરસંવિધાનને ઘડતાં લક્ષણોનો સોફોક્લિસે સૌપ્રથમ વિનિયોગ કરીને ગ્રીસના બલકે વિશ્વના એક ઉત્તમ નાટ્યકાર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી.

ઈડિપસ રેક્સ (ઈ. પૂ. 429-420) દ્વારા સોફોક્લિસે મનુષ્ય-આત્માને પ્રજાળી નાખતા કરુણતમ વાસ્તવનું અનન્ય નાટ્યક્ષમતા સાથે અદભુત આલેખન કર્યું છે. મનોવિજ્ઞાન-ક્ષેત્રે ફ્રૉઇડે માતૃરાગને લક્ષ્ય કરતી ઈડિપસ ગ્રંથિનો સિદ્ધાંત રજૂ કર્યો છે તે આ નાટકના અભ્યાસનું પરિણામ છે.

આ નાટકમાં થીબ્ઝ નામના ગ્રીક નગરના કમભાગી રાજા ઈડિપસની કથા છે. રાજા લેઈયસ અને રાણી જોકસ્તાએ પોતાનો પુત્ર પિતૃહત્યા કરનારો અને માતા સાથે લગ્ન કરનારો થશે એવી ભવિષ્યવાણીથી ડરીને તુરતના જન્મેલા પુત્રને બે પગે સોયા ખોસીને દોરી બાંધી એક ભરવાડ દ્વારા જંગલમાં મૂકી આવવા ગોઠવણ કરેલી. પરંતુ કોરિન્થના નિ:સંતાન રાજાને તે બાળક સોંપાય છે. ઈડિપસ એટલે જેના પગ સૂઝેલા છે એવો. મોટો થતાં પોતે પિતાને મારશે અને માતાને પરણશે એવી ભવિષ્યવાણી તે સાંભળે છે અને પોતાનું ભવિષ્ય બદલવા કોરિન્થથી નાસી જાય છે. થીબ્ઝ નગરના દ્વારે તે પહોંચે છે. સ્ફિન્ક્સ નામની રાક્ષસી નગરજનોને હેરાન કરે છે. તેને સર્વ સવાલોના જવાબ આપીને નગરને ભયમુક્ત કરે છે. આ પરાક્રમથી નગરજનો તેની રાજા તરીકે વરણી કરે છે. પછી તે વિધવા રાણી જોકસ્તાનો પતિ બને છે. જોકસ્તાથી તેને ચાર સંતાન થાય છે. બે પુત્રો પોલિનિસેસ અને એટિયોક્લિઝ તથા બે પુત્રીઓ તે ઈસ્મેન અને ઍન્ટિગોની.

નાટકમાં ઉપરની કથા પૂર્વવૃત્તાંત તરીકે રજૂ થાય છે. પ્રતાપી રાજા આગળ નગરનાં બાળકો અને ઝ્યૂસ દેવના પૂજારીની પ્રાર્થનાથી નાટક શરૂ થાય છે. થીબ્ઝ નગરમાં મહામારી ફેલાઈ છે તે કયા દેવનો કોપ છે એ જાણવા રાજા ઈડિપસ જોકસ્તાના ભાઈ અને તેના પ્રધાન જેવા ક્રેયોનને ડેલ્ફીના દેવાલયમાં મોકલે છે. ભવિષ્યવાણી જણાવે છે કે નગરશુદ્ધિની જરૂર છે અને લેઈયસના હત્યારાને નગરની બહાર કાઢી મૂકવો જોઈએ. આ વ્યક્તિ કોણ હશે તે જાણવા ટાયરીસિયસ નામના અંધ ભવિષ્યવેત્તાને પૂછવામાં આવે છે. સત્ય કહેવાનું ટાળનાર ટાયરીસિયસ ઉપર રાજા ક્રોધિત થાય છે અને તેના પર રાજદ્રોહનો આક્ષેપ મૂકે છે. અંતે ટાયરીસિયસ ઈડિપસ જ હત્યારો છે એમ જાહેર કરે છે. બાળકને જંગલમાં મૂકી આવનાર ભરવાડ તેની સાક્ષી પૂરે છે. એટલામાં કોરિન્થથી રાજા પોલબસના મૃત્યુના સમાચાર દૂત લાવે છે અને ત્યાંના નગરજનોએ ઈડિપસની રાજા તરીકે વરણી કરી છે તેમ જણાવે છે. તે દૂત પણ ઈડિપસના બાળપણનો સાક્ષી છે. ત્યાં નેપથ્યે રાણી જોકસ્તા ગળે ફાંસો ખાઈને આપઘાત કરે છે. અંધ ટાયરીસિયસના મહેણાથી દુ:ખી થઈ ઈડિપસ પોતાની આંખો ફોડી નાખે છે અને પોતાનાં પુત્ર-પુત્રી સાથે નગરમાંથી બહાર ચાલ્યો જાય છે. ક્રેયોન થીબ્ઝ નગરનો રાજા બને છે.

રાજા ઈડિપસની સત્યના મૂળમાં જવાની વૃત્તિ પોતા માટે તેમજ કુટુંબ માટે તીવ્ર આત્મપરિતાપનું કારણ બની રહે છે. આ નાટકના અનુસંધાનમાં સોફોક્લિસે બીજાં બે નાટકો પણ લખ્યાં છે. તે છે ‘ઈડિપસ ઍટ કૉલોનસ’ અને ‘ઍન્ટિગોની’.

‘ઈડિપસ રેક્સ’માં સોફોક્લિસની નાટ્યકલાનું એક અતિખ્યાતનામ અંગ ‘સોફોક્લિયન આયરની’ વારે વારે જોવા મળે છે. પાત્રની ઉક્તિ અને તેના જીવનમાં ત્યારપછી બનતી ઘટનાઓ તદ્દન વિપરીત હોય તેવી તેમાં ગૂંથણી છે. ગ્રીક નાટકની આ સર્વોત્તમ કૃતિમાં ઍરિસ્ટોટલે નિર્દેશેલી સ્થળ, સમય અને કાર્યની (ત્રિવિધ) એકતા જળવાયેલી છે.

નલિન રાવળ

રજનીકાન્ત પંચોલી