ઇળંગોવડિગળ (ઈ. સ.ની બીજી શતાબ્દી) : પ્રાચીન તમિળ કવિ. તે ચેર સમ્રાટ શેંગુટ્ટુવનના નાના ભાઈ હતા, પણ મોટા ભાઈ વૈષ્ણવ અને પોતે જૈન હતા. તેમs છતાં તેમણે અન્ય ધર્મનાં દેવ-દેવીઓનું ભાવપૂર્વક મહિમાગાન કર્યું છે. એમની અત્યંત પ્રસિદ્ધ કૃતિ છે ‘શિલ્પદ્દીકારમ્’. તમિળનું એ પ્રથમ મહાકાવ્ય ત્રણ કાંડોમાં વહેંચાયેલું છે : ‘પુહારવકાંડમ્’, ‘મદુરૈવકાંડમ્’ તથા ‘વંચિક્કાંડમ્’. એમાં ચોલ, પાંડ્ય તથા ચેર રાજ્યોનું વિસ્તારથી વર્ણન કરેલું છે. એ મહાકાવ્યનાં નાયક-નાયિકા કોવલન તથા કણ્ણકિ છે. એમાં સમકાલીન તમિળ સમાજનું જીવંત ચિત્રણ છે. કાવ્યમાં મુખ્યત્વે શૃંગાર, કરુણ તથા વીર રસ છે. તમિળ વિદ્વાનોએ માન્ય કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યનાં ત્રણે અંગોઇયલ (કાવ્ય), ઇશૈ (સંગીત), તથા નાડહમ્(નાટક, નૃત્ય)-નો એમાં સમન્વય થયો છે. વર્ણનકાવ્ય હોવા છતાં એમાં ઊર્મિકાવ્યના અનેક અંશો સમાવિષ્ટ થયેલા છે. એની ભાષા સરળ તથા પ્રવાહી છે. એમણે લોકગીતની શૈલીનો પણ વચ્ચે-વચ્ચે પ્રયોગ કરેલો છે. આ કાવ્ય પર અનેક ટીકાઓ રચાયેલી છે અને એનો અંગ્રેજી, ફ્રેંચ તથા બંગાળીમાં અનુવાદ થયો છે. પશ્ર્ચિમના વિદ્વાનોએ પણ એની પ્રશંસા કરી છે. હિન્દીના પ્રસિદ્ધ નવલકથાકાર અમૃતલાલ નાગરે આ મહાકાવ્યના કથાવસ્તુનો આધાર લઈ ‘સુહાગ કે નુપૂર’ નવલકથા લખી છે. આ કાવ્ય દ્વારા પ્રાચીન તમિળ સંસ્કૃતિનો સર્વાંગીણ પરિચય થાય છે. સંસ્કૃત કાવ્યસાહિત્યમાં જે સ્થાન કાલિદાસનું છે તેવું જ સ્થાન તમિળ સાહિત્યમાં ઇળંગોવડિગળનું છે.

કે. એ. જમના

અનુ. ચન્દ્રકાન્ત મહેતા