ઇમ્ફાલ : ભારતના ઈશાને મણિપુર નદીની ખીણમાં દરિયાની સપાટીથી 798 મીટરની ઊંચાઈ પર આવેલું મણિપુર રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 24o 49´ ઉ. અ. અને 93o 57´ પૂ. રે.. મણિપુર પઠારના મધ્યમાં આવેલું જિલ્લાનું આ મથક કૉલકાતાથી 604 કિ. મીટરના અંતરે ઉત્તર-પૂર્વ દિશામાં છે. તે 1,500 મીટર જેટલી નાગા પર્વતમાળાથી ઘેરાયેલું છે. તેની વસ્તી 2,64,986 (2011) તથા મહાનગરની વસ્તી 4,14,288 (2011) છે. ત્યાં સરેરાશ 1,000-2,000 મિલીમીટર વરસાદ પડે છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે મણિપુરના રાજાઓની રાજધાની હતી.

મણિપુર રાજ્યનું તે મહત્વનું વેપારી કેન્દ્ર છે. ત્યાં હાથવણાટ, તાંબા અને પિત્તળનાં વાસણો તથા ગૃહઉદ્યોગોની વસ્તુઓના ઉત્પાદન-એકમો છે. તેની આજુબાજુના વિસ્તારમાં ડાંગર, શેરડી, તમાકુ, રાયડો તથા ફળોનું ઉત્પાદન થાય છે. દિમાપુર તથા આસામ રાજ્ય સાથે તે રેલમાર્ગથી જોડાયેલું છે. કૉલકાતા અને ગુવાહાટી માટે ત્યાં નિયમિત વિમાનસેવાઓ ઉપલબ્ધ છે. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ ત્યાં ઊભી કરવામાં આવી છે. પર્યટકો માટે રાજપ્રાસાદ તથા નજીકમાં આવેલ લોગટાક સરોવર આકર્ષણનાં મુખ્ય કેન્દ્રો છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1944માં મિત્રરાષ્ટ્રોની સેનાએ જાપાનનો આ જ સ્થળે પરાજય કર્યો હતો, જે લશ્કરી વ્યૂહરચનાની ર્દષ્ટિએ આજે પણ મોટી સિદ્ધિ ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે