ઇમ્પોર્ટન્સ ઓવ્ બીઇંગ અર્નેસ્ટ, ધ (1895) : આઇરિશ કવિ, નવલકથાકાર, નાટ્યકાર ઑસ્કર વાઇલ્ડ(1856–1900)નું પ્રખ્યાત સુખાંત નાટક. બ્રિટિશ ભદ્રવર્ગના દંભી જીવન પ્રત્યે કટાક્ષ કરતા આ નાટકમાં અનેક ચતુરાઈભર્યા પ્રસંગો છે. વિલિયમ કૉન્ગ્રિવની નાટ્યફૉર્મ્યુલા મુજબનું આ નાટક પેઢીએ પેઢીએ તખ્તા ઉપર પુનર્જીવન પામતું રહ્યું છે. પ્રેક્ષકોએ એને હાસ્યની છોળોથી આવકાર્યું છે.

વર્થિંગ અને અલ્ગટનોન મૉન્ક્રિફના અનુક્રમે ગ્વેન્ડેલોન ફૅરફેક્સ (અલ્જીની પિતરાઈ બહેન) અને જૅકની આશ્રિત સેસિલી કાર્ડ્યુ નામની યુવતીઓ સાથેનાં સંવનન અને વિવાહ નાટકનું મુખ્ય વસ્તુ છે. આ બંને યુવાનો બેવડું જીવન જીવે છે. જૅક નગરમાં અર્નેસ્ટ તરીકે ઓળખાય છે, પરંતુ તે સેસિલીને અર્નેસ્ટ તેનો દુષ્ટ ભાઈ છે એવું ઠસાવે છે. અલ્જીએ પોતાના આનંદવિહારો છુપાવવા માંદા બનબરીનું કાલ્પનિક પાત્ર સર્જ્યું છે. જ્યારે અલ્જી લેડી બ્રેકનેલ સાથેના સંબંધો છુપાવવા અને તેની ગેરહાજરી વાજબી ઠરાવવા આ કાલ્પનિક માંદા પાત્રની મુલાકાતે જવાનું બહાનું બતાવે છે. અલ્જી જૅકના કહેવાતા દુષ્ટ ભાઈ અર્નેસ્ટ તરીકે જૅકના વતનમાં જઈ સેસિલીના પ્રેમમાં પડે છે.

અંતે આયા મિસ પ્રિસમના ખુલાસાથી જૅકનું સાચું નામ અર્નેસ્ટ છે અને તે અલ્જીનો જ ભાઈ છે એમ સાબિત થાય છે. આમ બંને યુવકો અને યુવતીઓનાં લગ્ન વિશે જાગેલા વાંધાઓ દૂર થાય છે; અને ગ્વેનડેલોનને પ્રિય ‘અર્નેસ્ટ’ નામવાળો જૅક મળે છે.

વાઇલ્ડના આ નાટ્યઢાંચાનાં યુરોપમાં અનેક અનુકરણો થયાં છે.

હસમુખ બારાડી