ઇમ્પીરિયલ ફિલ્મ કંપની : સવાક ભારતીય કથાચિત્ર તથા સવાક રંગીન કથાચિત્રનું નિર્માણ કરનાર સર્વપ્રથમ ભારતીય ફિલ્મકંપની. સ્થાપના : 1925. સ્થાપકો : અરદેશર ઈરાની, અબ્દુલઅલી યૂસુફઅલી અને મહમદઅલી રંગવાલા.

1917માં દાદાસાહેબ ફાળકેના ‘લંકાદહન’ની અભૂતપૂર્વ સફળતા અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેજીનાં બજારોને કારણે થયેલ વિશેષ કમાણીને લઈને ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ચલચિત્ર-નિર્માણક્ષેત્રે પ્રવેશ્યા અને 1918થી 1932 સુધી ગુજરાતીભાષી સમાજનું મુંબઈના ચલચિત્ર-ઉદ્યોગ પર પૂર્ણ વર્ચસ્ રહ્યું. તે સમયે મુખ્યત્વે ગુજરાતીઓ દ્વારા સંચાલિત 20 સિનેનિર્માણની સક્રિય કંપનીઓ હતી. ભારતીય ચલચિત્ર ઉદ્યોગને ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીનાં બે મહત્વનાં પ્રદાન એટલે પૂર્ણ લંબાઈનું સર્વપ્રથમ સવાક ભારતીય કથાચિત્ર ‘આલમઆરા’ અને પૂર્ણ લંબાઈનું સર્વપ્રથમ ભારતીય સવાક રંગીન કથાચિત્ર ‘કિસાનકન્યા’નું નિર્માણ.

કંપનીના એક સ્થાપક અરદેશર ઈરાનીએ ઇમ્પીરિયલની સ્થાપના પૂર્વે 1922–24 દરમિયાન મોહનલાલ ગોપાળજી દવે સાથે ‘સ્ટાર ફિલ્મ કંપની’ અને 1924–25 દરમિયાન ‘મૅજેસ્ટિક ફિલ્મ કંપની’ તેમજ ‘રૉયલ આર્ટ સ્ટુડિયો કંપની’ સાથે સંકળાઈને અનેક ફિલ્મોનું નિર્માણ કરેલું. અન્ય બે ભાગીદારો અબ્દુલઅલી અને મહંમદઅલી ત્યારપહેલાં સિનેવિતરણ સાથે સંકળાયેલા હતા.

ઇમ્પીરિયલની સ્થાપના બાદ ઈરાનીના જૂના સંપર્કો અને પ્રતિષ્ઠાને કારણે સુલોચના (રૂબી માયર્સ) અને ઝુબેદા જેવી તારિકાઓ તેમજ જાલ મર્ચન્ટ, બીલીમોરિયા બંધુઓ, પૃથ્વીરાજ કપૂર જેવા અભિનેતાઓ તથા મહેબૂબ, એલ. વી. પ્રસાદ અને એ. આર. કારદાર જેવા નવોદિત દિગ્દર્શકો આ કંપનીમાં જોડાયા. કંપનીએ ટૂંકા ગાળા દરમિયાન સુંદર સફળ ફિલ્મો ‘અનારકલી’, ‘માધુરી’ (1928), ‘ફલાઇંગ પ્રિન્સ’, ‘પંજાબ મેઇલ’ અને ‘રેડ સિગ્નલ’ (1929), ‘સિનેમા ગર્લ’ અને ‘સિંદબાદ સેઇલર’ (1930), ‘વસંત બંગાલી’ અને ‘રેથ’ (1931) મળીને કુલ 31 અવાક કૃતિઓનું નિર્માણ કર્યું.

તે દિવસોમાં યુનિવર્સલ પિકચર કંપની તરફથી થયેલી 40 % સવાક સિનેકૃતિ ‘શો બોટ’ની ભારત ખાતે રજૂઆત થતાં ભારતીય નિર્માતાઓમાં ભારે ઉત્તેજના પેદા થઈ. ‘શો બોટ’થી પ્રેરાઈને ઈરાનીએ ઇમ્પીરિયલ કંપની માટે ‘ટેનાર સિંગલ સાઉન્ડ રેકૉર્ડિંગ સિસ્ટીમ’નાં રેકૉર્ડિંગનાં સાધનો તાત્કાલિક મંગાવી પૂર્ણ લંબાઈના કથાચિત્ર (full-length feature film) ‘આલમઆરા’ના નિર્માણનો તાત્કાલિક આરંભ કરી દીધો. કંપનીનો સ્ટુડિયો તે સમયે ચર્ની રોડ રેલવે-સ્ટેશનથી નજીક હતો. તેથી તત્કાલીન પ્રાથમિક કક્ષાનાં સાઉન્ડ-રેકૉર્ડિંગ સાધનોની મર્યાદાઓને લઈને લોકલ ટ્રેનોની અવરજવરના અવાજને નિવારવા માત્ર રાતના બારથી સવારના ચારના ગાળામાં જ રેકૉર્ડિંગ કરાતું. વળી ભારતની સર્વપ્રથમ સવાક ફિલ્મના નિર્માણની સ્પર્ધામાં ઇમ્પીરિયલની સાથે જે. એફ. માદનની ઍલ્ફિન્સ્ટન ફિલ્મ કંપની અને માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપની પણ ઊતરેલી હોવાથી ઇમ્પીરિયલને પોતાની કૃતિ ઝડપભેર પૂરી કરવાની જરૂર હતી. આખરે આ સ્પર્ધામાં તે વિજયી નીવડી. તેનું પૂર્ણ સવાક હિંદુસ્તાની કથાચિત્ર ‘આલમઆરા’ 14 માર્ચ, 1931ના રોજ મુંબઈ ખાતે મૅજેસ્ટિક સિનેમામાં રજૂઆત પામ્યું. પ્રેક્ષકોએ તેને હર્ષભેર વધાવી લીધું અને ભારત સવાક ચલચિત્રોના એક નવા યુગમાં પ્રવેશ્યું. આમ એક પારસી ગુજરાતી દિગ્દર્શક પોતાની ઇમ્પીરિયલ કંપની દ્વારા આ નવા યુગના પુરસ્કર્તા બન્યા. તેમના મુખ્ય સહાયકોમાં વડોદરાના રમાકાન્ત ઘારેખાન સહિત અનેક ગુજરાતીઓ સક્રિય હતા (જુઓ ‘આલમઆરા’.). ત્યારપછીના 8 વર્ષના ગાળામાં બંગાળી, મરાઠી, ગુજરાતી, તેલુગુ, બ્રહ્મી અને હિંદી મળીને આ કંપનીએ કુલ 40 સવાક ફિલ્મોનું નિર્માણ કર્યું.

1936–37ના અરસામાં અમેરિકા ખાતે રંગીન ચલચિત્રોનું નિર્માણ થવા લાગ્યું હતું. ઈરાનીએ આ પડકાર પણ ઝીલ્યો અને તેમણે એક સિનેકલર કંપનીની એજન્સી મેળવી મુંબઈ ખાતે કલર પ્રોસેસિંગ લૅબોરેટરી સ્થાપી. ભારતની સર્વપ્રથમ રંગીન ચલચિત્રકૃતિ ‘કિસાનકન્યા’નું 1937માં નિર્માણ કર્યું. ત્યારબાદ આ કંપનીએ ‘મધર ઇન્ડિયા’ નામની અન્ય રંગીન ફિલ્મ સર્જી, પણ તે અત્યંત ખર્ચાળ નીવડી અને વ્યાવસાયિક રીતે સફળ થવા છતાં થયેલું ખર્ચ પણ મેળવી શકી નહિ. કંપનીનો વહીવટ 1939માં સમેટી લેવામાં આવ્યો.

ઉષાકાન્ત મહેતા