ઇન્દુ કાળે, સરલા ભોળે (1935) : વિખ્યાત મરાઠી નવલકથાકાર વામન મલ્હાર જોશીની છેલ્લી નવલકથા. સંસ્કારી મરાઠી વાચકવર્ગની સુરુચિને લક્ષમાં લઈને લેખકે આ નવલકથાને કાવ્યશાસ્ત્ર-વિનોદયુક્ત ઓપ આપ્યો છે. વામન મલ્હારની નવલકથાઓનાં મુખ્ય પાત્રો બુદ્ધિજીવી વર્ગનાં હોય છે. તેમની આ ચર્ચા ઘણુંખરું નવલકથાના અંતરંગનો અભેદ્ય ભાગ બની જાય છે. ‘ઇન્દુ કાળે, સરલા ભોળે’માં લેખકની આ વિશિષ્ટતાનો સહજ આવિષ્કાર થયેલો દેખાય છે. મરાઠી સાહિત્યમાં આ લેખક આ કારણે ‘તાત્વિક નવલકથાના જનક’ તરીકે માનભેર સ્થાન ધરાવે છે.

‘ઇન્દુ કાળે, સરલા ભોળે’ નવલકથામાં લેખકે અભિનવ ગણાય તેવી પત્રાત્મક ગૂંથણીનો પ્રયોગ કર્યો છે. જ્ઞાનયોગ વિરુદ્ધ પ્રેમ, દેશદાઝ વિરુદ્ધ સંસાર તથા કલા વિરુદ્ધ નીતિ – આ ત્રણ દ્વંદ્વો અને તેમાં સંકળાયેલી નારાયણ પાઠક – કાશી ઢવળે, ઇન્દુ કાળે – ભાઊ કાળે અને બિંદુમાધવ મ્હસકર, સરલા ભોળે – વિનાયક ભોળે : આ જોડીઓ લેખકે વાચકવર્ગ સમક્ષ રજૂ કરી છે. તેમાંના નારાયણ પાઠક, ઇન્દુ કાળે અને વિનાયકરાવ પોતાનાં ધ્યેય પાછળ પાગલ છે. આ ત્રણ તથા તેમની સાથેનાં અન્ય પાત્રોનાં રેખાંકન મારફત જીવન અંગેના લેખકના તત્વચિંતનનો સાર વ્યક્ત થાય છે.

પ્રસ્તુત નવલકથાનાં મુખ્ય સ્ત્રીપાત્રો – ઇન્દુ કાળે, સરલા ભોળે તથા કાશી ઢવળે પર 1920-40ના અરસાના મધ્યમવર્ગના સંસ્કારી જીવનની છાપ પડેલી છે. તત્કાલીન વિચાર, લાક્ષણિકતાઓ, આકાંક્ષાઓ તથા આંદોલનોએ તેમના જીવનમાં અનેક નવી સમસ્યાઓ ઊભી કરી છે. સરલા દેશભક્ત તથા સ્વાર્થત્યાગી વિનાયકરાવ ભોળેની ત્યાગપ્રિય પત્ની છે તો ઇન્દુ કાળે લલિતકલાઓ, સંગીત અને સૌંદર્યની ઉપાસક છે, છતાં તે વ્યક્તિસ્વાતંત્ર્ય અંગેની કેટલીક ભ્રામક કલ્પનાઓથી પીડાતી હોય છે. લેખકે નવા વિચારો ધરાવતી ઇન્દુ કાળેના પાત્ર મારફત કલા અને નીતિ વચ્ચેના સંબંધની છણાવટ કરી છે.

આ નવલકથામાં લેખકે આત્મનિવેદનાત્મક કથનપદ્ધતિનો ઉપયોગ કર્યો છે; તેમની શૈલીનો તે સહજ ધર્મ હોવાથી તેમની આ કૃતિમાં કલાની ર્દષ્ટિએ અપ્રસ્તુત ગણાય એવી બાબતો ટાળવામાં આવી છે.

હરિ નારાયણ આપ્ટે પછી મરાઠી નવલકથાના ક્ષેત્રમાં વામન મલ્હાર જોશીનું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે, કારણ કે તેમની કૃતિઓમાં સંસ્કારી અને વિચારશીલ રસિકોને આકર્ષવાની શક્તિ છે.

ઉષા ટાકળકર