ઇન્દુલેખા (1889) : મલયાળમ ભાષાની જાણીતી સામાજિક નવલકથા. તેના લેખક ઓય્યાસ્તુ ચંતુમેનન (1847-1899) છે. તેઓ સાધારણ શિક્ષણ પામેલા હોવા છતાં પોતાની અભ્યાસવૃત્તિ અને કૌશલ્યને કારણે કાલિકટમાં સબ-જજના હોદ્દા સુધી પહોંચ્યા હતા. અંગ્રેજી નવલકથાઓના વાચનના શોખે તેમને મલયાળમમાં એક ઉત્કૃષ્ટ નવલકથા લખવાની અભિલાષા જગાડી. પરિણામે ‘ઇન્દુલેખા’ની રચના થઈ. આ કૃતિ લેખકે પત્નીની વિનંતિથી બે માસમાં લખી કાઢી હતી. માતૃસત્તાવાદી પ્રાચીન અભિજાત નાયર પરિવારમાં વડીલ વૃદ્ધ પંચુમેનન ભોળા હૃદયના પરંતુ ક્રોધી સ્વભાવના અને કટુભાષાવાળા ઉગ્ર માનવી હતા. તેમના ક્રોધથી તેમની ભાણી કેવળ વાત્સલ્યને કારણે જ બચી હતી. ઇન્દુલેખા સુંદર, પ્રતિભાશાળી, બોલચાલમાં ચાલાક અને સારા ચારિત્ર્યવાળી કન્યા હતી. તેને ઊંચી ઉપાધિ, રૂપ, પુરુષાર્થ અને આદર્શ ચારિત્ર્ય ધરાવતા માધવન્ સાથે પ્રેમ થયો હતો. કોઈ નાની વાત પર ગુસ્સે ભરાઈ પંચુમેનને ઇન્દુલેખાને માધવન્ સાથે નહિ પરણાવવા પ્રતિજ્ઞા કરી અને આધેડ વયના બહુપત્નીવાળા ધનિક સુરિનંપૂતિપ્પાડને ઇન્દુલેખા સાથે લગ્ન કરવા આમંત્ર્યા. ઇન્દુલેખાના જડબાતોડ જવાબથી શરમાઈ જઈને આમંત્રિત ધનિક, નોકરાણીની બેટી સાથે પરણીને ચાલ્યા ગયા. મદ્રાસથી પોતાને વતન પાછા ફરતાં માધવન્ ગેરસમજૂતી થાય તેવી વાતો સાંભળીને નિરાશ થયા. અંતમાં ઇન્દુલેખા સાથે જ માધવનનાં લગ્ન થયાં. આ નવલકથા પાત્રાલેખન પરત્વે લેખકની અત્યંત કુશળતા દર્શાવે છે. તેનાં પાત્રો મલયાળમ સાહિત્યમાં ચિરંજીવ બન્યાં છે.

અક્કવુર નારાયણન્