ઇન્ડિયન મેથમેટિકલ સોસાયટી

January, 2002

ઇન્ડિયન મેથમેટિકલ સોસાયટી : વી. રામસ્વામી ઐયરની પ્રેરણાથી મૂળ ઇન્ડિયન મૅથમૅટિક ક્લબના નામે 1907માં અસ્તિત્વમાં આવેલું ભારતના ગણિતજ્ઞોનું મંડળ. 1921માં તેનું ઉપર પ્રમાણે નામ બદલવામાં આવ્યું હતું. વિજ્ઞાનની કોઈ પણ શાખામાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શરૂ થયેલી ભારતની આ પહેલી સંસ્થા હતી. આ સંસ્થાના પ્રથમ અધ્યક્ષ બી. હનુમંતરાવ હતા. 1909થી આ સંસ્થાએ એક સંશોધન સામયિક ‘જર્નલ ઑવ્ ઇન્ડિયન મૅથમૅટિકલ સોસાયટી’ શરૂ કર્યું હતું. ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનું પહેલું સંશોધનપત્ર આ જ સામયિકમાં 1911માં પ્રસિદ્ધ થયું હતું. રામાનુજનનાં 9 સંશોધનપત્રો આ જર્નલમાં પ્રસિદ્ધ થયાં હતાં.

1916માં સોસાયટીનું પ્રથમ અધિવેશન ચેન્નાઈ ખાતે મળ્યું હતું. 1919થી દર બે વર્ષે અને 1951થી દર વર્ષે સોસાયટીનાં અધિવેશનો જુદે જુદે સ્થળે મળે છે. અધિવેશનમાં લગભગ 400 ગણિતજ્ઞો સાથે મળીને પોતપોતાના સંશોધનની ચર્ચા કરે છે. શ્રેષ્ઠ સંશોધનપત્રને પારિતોષિક આપવામાં આવે છે.

1932માં સોસાયટીએ પોતાની રજતજયંતી પ્રસંગે ‘મૅથમૅટિક્સ સ્ટુડન્ટ’ નામનું નવું સામયિક શરૂ કર્યું હતું. જર્નલમાં ઉચ્ચ કક્ષાનાં સંશોધનપત્રો અને ‘સ્ટુડન્ટ’માં અભ્યાસક્રમ સાથે સંકળાયેલા વિષયોનાં સંશોધનપત્રો, અધિવેશનમાં અપાયેલાં વ્યાખ્યાનો, પુસ્તકોનાં અવલોકનો વગેરે પ્રસિદ્ધ કરાય છે. ‘સ્ટુડન્ટ’ના પહેલા તંત્રી બી. નરસિંગરાવની સ્મૃતિમાં દર વર્ષે જર્નલ તેમજ ‘સ્ટુડન્ટ’માં 40 વર્ષથી નાની ઉંમરના લેખકને શ્રેષ્ઠ સંશોધનપત્ર બદલ ચંદ્રક અપાય છે. સોસાયટીને અન્ય દેશોની આ જ પ્રકારની સોસાયટી સાથે સભ્યો માટેની સુવિધાઓ પરત્વે પરસ્પર ગોઠવણ છે. આ સોસાયટીના સભ્યો અન્ય સોસાયટીનું સભ્યપદ અડધા લવાજમથી મેળવી શકે છે. આ સોસાયટીનું પુસ્તકાલય રામાનુજન ઇન્સ્ટિટ્યૂટમાં છે, ત્યાંથી ટપાલ દ્વારા પુસ્તક કે સામયિક મેળવી શકાય છે.

શરૂઆતથી જ ગુજરાતના ગણિતના અધ્યાપકો આ સોસાયટીમાં સક્રિય રહ્યા છે. સોસાયટીના પ્રથમ કોષાધ્યક્ષ ભાવનગરની કૉલેજના આચાર્ય કે. જે. સંજાણા હતા. આ ઉપરાંત સોસાયટીના અધ્યક્ષપદે 1975 તથા 1976માં પ્રા. ડૉ. પ્ર. ચુ. વૈદ્ય તથા 1990માં પ્રા. વી. એમ. શાહ રહ્યા હતા. ડૉ. વૈદ્ય સોસાયટીના મંત્રી તેમજ કોષાધ્યક્ષપદે પણ રહી ચૂક્યા હતા. 1958-59માં પ્રા. એસ. એમ. શાહ ‘જર્નલ’ તેમજ ‘સ્ટુડન્ટ’ના તંત્રી હતા. પ્રા. અ. મ. વૈદ્ય 1972-78 દરમિયાન સોસાયટીના કોષાધ્યક્ષ હતા. 1986થી પ્રા. વી. એમ. શાહ કોષાધ્યક્ષપદે તથા ‘પ્રા. અ. મ. વૈદ્ય ‘સ્ટુડન્ટ’ના તંત્રીપદે હતા. સોસાયટીનું બાવીસમું અધિવેશન 1956માં વડોદરા, સત્તાવીસમું 1961માં અમદાવાદ, પચાસમું 1985માં વલ્લભવિદ્યાનગર અને છપ્પનમું 1990માં તથા છોતેરમું 2010માં સૂરત ખાતે મળ્યું હતું.

ભારતનો ગણિતક્ષેત્રે ભવ્ય ભૂતકાળ છે. આ પરંપરા જાળવવામાં આ સોસાયટીનો ફાળો અમૂલ્ય ગણાય.

અરુણ  વૈદ્ય