ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર

January, 2002

ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર (1907) : પરદેશી હકૂમતનું ભારતના ઉદ્યોગધંધા પરનું પ્રભુત્વ તોડવાના મૂળભૂત ઉદ્દેશથી સ્થાપવામાં આવેલી વેપાર-ઉદ્યોગની સંસ્થા. ચેમ્બરના સ્થાપક પ્રમુખ સર મનમોહનદાસ રાયજી હતા. ચેમ્બરનું પ્રમુખપદ શોભાવનાર અન્ય અગ્રણીઓમાં સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, સર લલ્લુભાઈ શામળદાસ, લાલજી નારણજી, વાલચંદ હીરાચંદ, સર હોમી મોદી, મથુરાદાસ વિસનજી, મનુ સૂબેદાર, જે. સી. સેતલવાડ, એમ. એ. માસ્તર, રામદાસ કીલાચંદ, બાબુભાઈ ચીનાઈ, નવલ તાતા, દેવકરણ નાનજી, રામનાથ પોદ્દાર, એસ. પી. ગોદરેજ, હરીશ મહિન્દ્ર, વીરેન શાહ, રામકૃષ્ણ બજાજ, શ્રીમતી સરયૂ દફતરી વગેરેનો સમાવેશ થાય છે.

ચેમ્બરની વ્યવસ્થાપક કમિટીના કાર્યમાં દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ તથા વ્યાવસાયિકો મહત્ત્વનો ફાળો આપે છે. વળી વિવિધ વિષયો પર આધારિત 25 નિષ્ણાત સમિતિઓ આંતરરાષ્ટ્રીય અને આંતરદેશીય વ્યાપાર, વીજળી, ટૅક્સ, કાયદો, વહાણવટું, પરિવહન, પર્યટન, આર્થિક સુધારા, મૂડી-બજાર, માનવીય વિકાસ, સમાજકલ્યાણ, કળાકૌશલ્ય વગેરેને પ્રોત્સાહન પૂરું પાડે છે.

ચેમ્બરના લાંબા અસ્તિત્વકાળ દરમિયાન તેણે વેપારવાણિજ્યના પ્રશ્નો હલ કરવામાં, સરકારને આર્થિક નીતિ-વિષયક નિર્ણયોમાં માર્ગદર્શન પૂરું પાડવામાં અને માત્ર આર્થિક નહિ, પણ સામાજિક ક્ષેત્રના પ્રશ્નોના ઉકેલ માટે પણ, ખાસ કરીને પચરંગી મુંબઈ શહેરની અનેકવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રજામત ઊભો કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે. એની સ્થાપનાની સાથે જ દેશમાં સ્વદેશીની અને આઝાદીની ચળવળ શરૂ થઈ હતી. એ એવો સંક્રાંતિકાળ હતો કે ચેમ્બર સમય સાથે તાલ મિલાવવામાં ઊણી ઊતરે તો એનું અસ્તિત્વ જ કદાચ જોખમાઈ જાય. બીજી મુશ્કેલી એ હતી કે અંગ્રેજો દ્વારા દેશનું શોષણ થાય એવી નીતિ ઘડવા માટે સરકાર પ્રજામત કેળવતી હોય ત્યારે દેશનું હિત કેમ જળવાય અને સ્થાનિક પ્રજાના લાભમાં આર્થિક નિર્ણયો કેમ લેવાય એ માટે આ ચેમ્બરે સામા પ્રવાહે તરવાનું હતું.

વ્યાપારમાં નીતિમત્તાના ધોરણનું પ્રતિપાદન કરવા તેણે fair trade business practices association જે પાછળથી council for fair business practices તરીકે પ્રચલિત થઈ, તેની શરૂઆત કરી હતી.

ચેમ્બર વસ્તુની ગુણવત્તાને પ્રમાણિત કરવા માટે ISO 2000 અને ISO 2002 નીચે પ્રમાણપત્રો આપે છે.

તદ્દન સામાન્ય શરૂઆતથી ચેમ્બરે તેની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મોટું ગજું કાઢ્યું છે. સાંપ્રત આર્થિક સમસ્યાઓ પરના મૉનોગ્રાફ પ્રસિદ્ધ કરવા, અઠવાડિક બુલેટિન અને દ્વિમાસિક જર્નલ દ્વારા વેપારવાણિજ્યને ઉપયોગી માહિતી પૂરી પાડવી, કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકારો અને સ્થાનિક સત્તાઓના વિવિધ સ્તરે વેપારઉદ્યોગના આર્થિક પ્રશ્નો અને પ્રજાના સામાજિક પ્રશ્નોની તેના શક્ય ઉકેલ સૂચવતી રજૂઆત કરવી, જે તે ખાતાકીય પ્રધાનો, સચિવો સાથે ચેમ્બરના સભ્યોનાં મિલન, ચર્ચા, પરિસંવાદ ઇત્યાદિ ગોઠવવાં વગેરે એની પ્રવૃત્તિઓ ગણાવી શકાય.

ઉપરાંત ચેમ્બર નિકાસકારોને સર્ટિફિકેટ્સ ઑવ્ ઓરિજિન આપવાં, કૉર્ટ ઑવ્ આર્બિટ્રેશન દ્વારા વાણિજ્ય અંગેના ઝઘડાના ત્વરિત નિરાકરણ માટે બે પક્ષકારો વચ્ચે લવાદી કરવી, બીજા દેશની ચેમ્બર ઑવ્ કૉમર્સ સાથે વ્યાપાર-કરાર (trade protocol) કરીને તેની દ્વારા બે દેશો વચ્ચેના વેપારને વધારવામાં સહાય કરવી, વિદેશના ઉદ્યોગપતિઓ સાથે વેપાર-વાટાઘાટો માટે ધંધાકીય પ્રતિનિધિઓ મોકલવા વગેરે અનેક સેવાઓ પૂરી પાડે છે.

ભારત અને વિયેટનામ વચ્ચે વ્યાપારી સંબંધો વિકસાવવા ચેમ્બરે ઇન્ડો-વિયેટનામ ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ અને ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.

1927માં ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ન્યૂ દિલ્હીની વિશાળ ભારતના વિવિધ વ્યાપારી તથા ઔદ્યોગિક મંડળોને સાંકળતી સંસ્થાની સ્થાપનામાં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરે અગ્ર ભાગ ભજવ્યો હતો. આરંભનાં વર્ષોમાં તો ફેડરેશનની કાર્યવહી મુંબઈની ચેમ્બરની ઑફિસમાંથી જ કરવામાં આવતી હતી.

પશ્ચિમ ભારતના ઉદ્યોગોને ‘યુનિડો’(UNIDO)ની સેવાનો લાભ મળી શકે તે આશયથી તેના ભારત ખાતેના કેન્દ્ર તરીકે ચેમ્બરની નિમણૂક કરવામાં આવી છે.

પશ્ચિમ ભારતના વ્યાપાર-ઉદ્યોગના પ્રશ્નો હલ કરવા માટે તે રાજ્યોની સરકારોનો સહકાર સાધીને એક માર્ગદર્શક જૂથનો આરંભ કરવામાં આવ્યો છે, જે સમયાંતરે વિવિધ પ્રશ્નો પર ચર્ચાવિચારણા કરે છે.

સરકારી કે ખાનગી ક્ષેત્રની 50થી વધુ જાહેર સંસ્થાઓ (જેવી કે બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટ, કાઉન્સિલ ફૉર ફેર બિઝનેસ પ્રૅક્ટિસિસ, મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ વગેરે) પર ચૂંટાયેલા ચેમ્બરના પ્રતિનિધિઓ સમાજના પ્રશ્ર્નો ઉપાડીને તેમના સંતોષકારક ઉકેલમાં મદદ કરે છે.

શૈક્ષણિક ક્ષેત્રે પણ ચેમ્બર એટલી જ સક્રિય છે. 1927માં ચેમ્બરના કૉમર્શિયલ એક્ઝામિનેશન બોર્ડની સ્થાપના થઈ. મુંબઈ, દિલ્હી, કૉલકાતા અને દેશભરમાં 30 કેન્દ્રોમાં લેવાતી આ પરીક્ષાઓ દ્વારા સ્ટેનૉગ્રાફી, બકિંગ, કૉસ્ટિંગ, એકાઉન્ટંસી અને આવકવેરો, કંપની સેક્રેટરી, આયાત-નિકાસ, વાણિજ્યસંચાલન અને મૅનેજમેન્ટના ક્ષેત્રે ચેમ્બર ડિપ્લોમા એનાયત કરે છે. દર વર્ષે 2500થી 3000 વિદ્યાર્થીઓ આનો લાભ મેળવે છે. આ ઉપરાંત ચેમ્બરના વાલચંદ સેન્ટર ફૉર બિઝનેસ ટ્રેનિંગના ઉપક્રમે લઘુઉદ્યોગો, આયાત-નિકાસ, આબકારી જકાત અને કસ્ટમ તથા મૅનેજમેન્ટ ડેવલપમેન્ટ જેવા અગત્યના વિષયો પર દર વર્ષે 30થી વધુ તાલીમવર્ગોનું આયોજન કરે છે. ચેમ્બરના ઉપક્રમે ઇકૉનૉમિક રિસર્ચ અને ટ્રેનિંગ ફાઉન્ડેશન પણ મહત્વના તલસ્પર્શી પ્રશ્નોને લગતા સેમિનારો યોજવા ઉપરાંત સાંપ્રત આર્થિક ને ધંધાકીય સમસ્યાઓ ઉપર ગ્રંથો, મૉનોગ્રાફ અને બુલેટિન નિયમિત રીતે પ્રસિદ્ધ કરે છે.

સામાજિક જવાબદારીના પાલન વિશેની સભાનતાથી પ્રેરાઈને ચેમ્બરે અનેક ટ્રસ્ટો સ્થાપ્યાં છે, જે આપત્કાળમાં ભારતના કોઈ પણ ખૂણે સહાય પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવે છે – પછી તે આસામ-બિહાર હોય કે બંગાળ-કચ્છ હોય કે કાશ્મીર-કેરળ હોય. જુદાં જુદાં ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓને બિરદાવવાના હેતુથી ચેમ્બરનું ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ કુટુંબનિયોજન, સમાજસેવા, ગ્રામવિકાસ, સંશોધન, નિકાસ, માલિક-કામદાર-સંબંધ અને ખેતપેદાશમાં નોંધપાત્ર સિદ્ધિ અંગે તેમજ ઉત્પાદન-ક્ષમતામાં વૃદ્ધિ, અંગત સેવા વડે સમાજને વિશિષ્ટ પ્રદાન વગેરેને અનુલક્ષીને, ખાસ સમારંભ યોજીને, ઍવૉર્ડ તેમજ પ્રશસ્તિપત્ર આપે છે. તેનું પ્લેટિનમ જ્યુબિલી ટ્રસ્ટ રૂપિયા એક લાખનો પુરસ્કાર આપે છે. કુટુંબકલ્યાણ, ગ્રામવિકાસ, વિકલાંગ વ્યક્તિઓને મદદ કરતી સંસ્થાઓ અને અનેક વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓને લગતા 20 જેટલા ઍવૉર્ડના પ્રદાન દ્વારા આવી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવામાં ચેમ્બર પ્રોત્સાહન આપે છે. ચેમ્બરની મહિલા-પાંખ 700થી વધુ સભ્યો ધરાવે છે અને માત્ર સામાજિક પ્રશ્નો પૂરતી જ તેની પ્રવૃત્તિ મર્યાદિત ન રહેતાં મહિલા સાહસિકોના ઉદ્યોગધંધાના પ્રશ્નો પરત્વે પણ તે સજાગ છે. એમને ઉપયોગી નીવડે એવા તાલીમવર્ગો, ઔદ્યોગિક પ્રદર્શનો અને કારખાનાંની મુલાકાતો પણ એ ગોઠવે છે.

એફ. ઇ. દિનશા કૉમર્શિયલ ઍન્ડ ફાઇનાન્શિયલ રેફરન્સ લાઇબ્રેરી એટલે માતબર ગણી શકાય એવું ધંધાકીય/આર્થિક સંદર્ભગ્રંથોનું ચેમ્બરનું વિશિષ્ટ ગ્રંથાલય છે. જુદા જુદા દેશો વિશેની આર્થિક માહિતી અને 600 જેટલા ધંધાકીય વિષયો ઉપરની અખબારી કાપલીઓની તાજી ફાઇલો આ ગ્રંથાલયમાં રાખવામાં આવે છે. અદ્યતન આર્થિક માહિતી મેળવવામાં ઉદ્યોગગૃહો, અર્થકારણના વિદ્યાર્થીઓ અને આયાત-નિકાસકારોને તે ખૂબ સહાયરૂપ નીવડે છે. દેશભરમાં આ સંદર્ભ-ગ્રંથાલયનું મૂલ્ય ઘણું ઊંચું અંકાય છે.

ચેમ્બરે તેની દીર્ઘકાલીન કારકિર્દીમાં અનેક ચડતી-પડતી જોઈ છે. બદલાતી રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ વચ્ચેથી માર્ગ કાઢીને મૂળભૂત ઉદ્દેશોની પૂર્તિ માટે અવિરત પ્રયાસો જારી રાખવામાં ચેમ્બર મહદ્અંશે સફળ રહી છે. તેની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર દિનપ્રતિદિન વિસ્તરતું રહ્યું છે.

આજે ચેમ્બરનું સેક્રેટરિયેટ તેના 2,000થી વધુ સભ્યો(જેમાં 80 જેટલા પૅટ્રન સભ્ય અને 190 જેટલાં ઍસોસિયેશનો તથા ચેમ્બર્સ ઑવ્ કૉમર્સના સભ્યોનો સમાવેશ થાય છે)ના રોજબરોજના પ્રશ્નો ઉકેલવામાં સતત પ્રવૃત્ત રહે છે. ઉદ્યોગધંધા, સરકાર અને સમાજ વચ્ચેની એક મહત્વની કડી બની રહેતી આ સંસ્થા હંમેશાં અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી રહી છે.

ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરનું એ અહોભાગ્ય ગણાય કે મહાત્મા ગાંધીજીએ 1931માં આ સંસ્થાનું માનાર્હ સભ્યપદ સ્વીકારી ચેમ્બરના વેપારવાણિજ્ય દ્વારા પ્રજાના વિશાળ વર્ગનું હિત સાધવાનાં ઉદ્દેશ અને પ્રવૃત્તિઓ પર પ્રમાણભૂતતાની મહોર મારી. જવાહરલાલ નેહરુએ પણ રાષ્ટ્રીય આંદોલન આગળ ધપાવવાના ચેમ્બરના ઉલ્લેખનીય પ્રયાસની જાહેરમાં પ્રશંસા કરી હતી. ચેમ્બરે રાજકીય આઝાદી માટેનો પ્રજામત ઊભો કરવામાં જેટલો ફાળો આપ્યો તેટલો જ, બલકે એથી વિશેષ, દેશની આર્થિક ઉન્નતિ માટેનું પરિબળ પૂરું પાડવામાં પણ આપ્યો છે.

આશરે સો વર્ષના તેના આયુષ્યમાં ચેમ્બરની રખેવાળી માત્ર ત્રણ મંત્રીઓ અને બે મહામંત્રીઓ દ્વારા કરવામાં આવી છે. તેમાં જયસુખલાલ મહેતા, સી. રાયલિંગમ્, સી. એલ. ઘીવાળા, રામુ પંડિત અને હાલના પી. એમ. મોગરેનો સમાવેશ થાય છે.

આમ વેપારવાણિજ્યને તેની સામાજિક જવાબદારીઓ પ્રત્યે સજાગ રાખી સમાજમાં તેનાં વિશ્વસનીયતા અને માનમરતબો જાળવવામાં ચેમ્બરનો ફાળો નોંધપાત્ર છે. એ રીતે ચેમ્બર દેશના પશ્ચિમ વિભાગની બધી ચેમ્બર ઑવ્ કૉમર્સનું સંકલન સાધતી સર્વોચ્ચ સંસ્થા છે.

રામુ પંડિત

જિગીશ દેરાસરી