ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA)

January, 2002

ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી (INSA) : વિજ્ઞાનના ક્ષેત્રે ભારતના સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ થવા યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળે, ઉત્તમ વૈજ્ઞાનિકોનું સન્માન થાય અને વૈજ્ઞાનિકો વચ્ચે વિચારોની આપલે થાય તેવા ઉદ્દેશથી સ્થપાયેલી ભારતની અગ્રિમ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા. જાન્યુઆરી, 1935માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીઝ ઑવ્ ઇન્ડિયા તરીકે તેની સ્થાપના થઈ હતી. ફેબ્રુઆરી, 1970માં તે ઇન્સ્ટિટ્યૂટમાંથી એકૅડેમી બની અને તેનું નામ ‘ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી’ રાખવામાં આવ્યું.

વિજ્ઞાનના વિકાસ તથા સમાજની સુખાકારી માટે વિજ્ઞાનના ઉપયોગને ઉત્તેજન આપવું, અન્ય સરકારી તથા બિનસરકારી વૈજ્ઞાનિક સંસ્થાઓ વચ્ચે કડીરૂપ બનવું, ભારતના સર્વોત્તમ વૈજ્ઞાનિકોની એક સંસ્થા બની રહીને ભારતીય વિજ્ઞાનનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરવું, જુદી જુદી રાષ્ટ્રીય સમિતિઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વવાળી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ ચલાવવી, વિજ્ઞાનને લગતાં પ્રકાશનો કરવાં, વિજ્ઞાન અને સાહિત્ય વચ્ચે સેતુ બની તેમના આંતરસંબંધો વિકસાવવા – એમ વિવિધ હેતુઓની સિદ્ધિ અર્થે ‘ઇન્સા’ કાર્ય કરે છે.

ભારતના ઉત્તમ વૈજ્ઞાનિકો(તથા વિદેશના કેટલાક શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો)ને ઇન્સા પોતાના ફેલો તરીકે ચૂંટે છે. 2001માં લગભગ સવા સાતસો ભારતીય વૈજ્ઞાનિકો ઇન્સાના ફેલો હતા. ગુજરાતમાં વસનારા પૈકી ડૉ. પી. કે. કૉ (અમદાવાદ), ડૉ. સુકુમાર મેઢ (વડોદરા), ડૉ. સુધીર પી. પંડ્યા (અમદાવાદ), ડૉ. જે. જે. શાહ (વડોદરા), ડૉ. આર. વી. શાહ (વડોદરા), ડૉ. વી. સી. શાહ (અમદાવાદ), ડૉ. જિતેન્દ્રનાથ ગોસ્વામી (અમદાવાદ), ડૉ. વિનોદ મોદી (વડોદરા), ડૉ. રમેશ રંગાસ્વામી (અમદાવાદ) તથા ડૉ. એ. કે. સિંઘવી (અમદાવાદ) ઇન્સાના ફેલો છે. સ્વ. ડૉ. જે. જે. ચિનોય, સ્વ. ડૉ. આર. ડી. દેસાઈ, ડૉ. પી. સી. વૈદ્ય અને સ્વ. ડૉ. સી. જી. ખત્રી પણ ઇન્સાના ફેલો હતા.

ઇન્સાનું પોતાનું મકાન નવી દિલ્હીમાં બહાદુરશાહ ઝફર માર્ગ પર આવેલું છે. તેમાં પુસ્તકાલય, ઑફિસ, અતિથિગૃહ વગેરે સુવિધાઓ છે. ઇન્સા દર વર્ષે યુવા વૈજ્ઞાનિકોનું ચંદ્રકપ્રદાન વડે તથા વરિષ્ઠ વૈજ્ઞાનિકોને ચંદ્રકો અને પારિતોષિકો અર્પણ કરીને સન્માન કરે છે. ઇન્સા અનેક વ્યાખ્યાનશ્રેણીઓનું પણ આયોજન કરે છે. ઇન્સા વૈજ્ઞાનિક વિષયો પર કાર્યશાળા, પરિસંવાદ, પરિષદો વગેરેનું આયોજન કરે છે, અથવા એવા આયોજનમાં સહકાર આપે છે. ઇન્સા સંશોધન માટે આર્થિક સહાય પણ આપે છે.

ઇન્સા અન્ય રાષ્ટ્રોની વૈજ્ઞાનિક એકૅડેમીઓ સાથે વૈજ્ઞાનિક જ્ઞાનના આદાનપ્રદાનની તથા વૈજ્ઞાનિકોના વિનિમયની યોજના પણ ચલાવે છે.

ઇન્સા ત્રણ સંશોધન-સામયિકો (‘ઇન્ડિયન જર્નલ ઑવ્ પ્યૉર ઍન્ડ ઍપ્લાઇડ મૅથમૅટિક્સ’, ‘પ્રોસીડિંગ્ઝ’-પાર્ટ એ’ તથા ‘પ્રોસીડિંગ્ઝ’પાર્ટ બી) દર વર્ષે નિયમિત પ્રકાશિત કરે છે.

અરુણ વૈદ્ય