ઇન્ડિયન ઍરલાઇન્સ : ભારતમાં ઉડ્ડયનક્ષેત્રનો હવાલો સંભાળતી સરકારી વિમાની સેવા. બીજા વિશ્વયુદ્ધ પછી હવાઈ દળનાં ઘણાં માલવાહક વિમાનો ફાજલ પડ્યાં. આ વિમાનો સસ્તા દરે વેચી નાખવામાં આવતાં. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં વિમાની કંપની ખોલવા પર કોઈ પ્રતિબંધ નહોતો. આથી અનેક વિમાની કંપનીઓ અસ્તિત્વમાં આવી. ગળાકાપ હરીફાઈ પણ થઈ. 1946થી 1953 સુધીમાં અનેક વિમાની કંપનીઓ આવી અને ગઈ. 1લી ઑગસ્ટ, 1953ના દિવસે સઘળી વિમાની કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને ભારત સરકારે બે સ્વતંત્ર કંપનીઓની સ્થાપના કરી. આમાંની એક ઍર ઇન્ડિયા ઇન્ટરનેશનલ (ભારતને વિશ્વના બીજા દેશો સાથે સાંકળતી સેવા) અને બીજી ઇન્ડિયન ઍરલાઇન્સ.

ઇન્ડિયન ઍરલાઇન્સ : ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશનની સ્થાપના 1953માં થઈ હતી જે મહદ્અંશે ભારતમાં અને અમુક અંશે એશિયાનાં કેટલાંક નગરોને સાંકળી લઈ નાગરિક હવાઈ સેવાઓ પૂરી પાડતી હતી. 1953-93 દરમિયાન તે ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન નામ ધરાવતી હતી અને તે ભારત સરકારના નાગરિક એવિએશન મંત્રાલયના હસ્તક કાર્ય કરતી હતી. 27 ફેબ્રુઆરી 2011ના રોજ ઍર ઇન્ડિયા સાથે તેનું વિલીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેને નૅશનલ એવિએશન કંપની ઑવ્ ઇન્ડિયા લિમિટેડ નામ આપવામાં આવ્યું હતું. જે હવે (2013) ઍર ઇન્ડિયા લિમિટેડ નામ ધરાવે છે અને તેનું મુખ્યમથક મુંબઈ ખાતે રાખવામાં આવ્યું છે. તેની પાસે કુલ 130 વિમાનોનો કાફલો છે.

જ્યારે તેની સ્થાપના ઍર કૉર્પોરેશન ઍક્ટ, 1953 હસ્તક કરવામાં આવી હતી ત્યારે તેમાં શરૂઆતની મૂડી 320 લાખ (32 મિલિયન) હતી તથા 01 ઑગસ્ટ 1953ના રોજ તેની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. તેની જે શાખા ભારતની અંદર વિમાન સેવાઓ પૂરી પાડતી હતી તે ‘ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન’ નામથી તથા જે શાખા વિદેશની સેવાઓ પૂરી પાડતી હતી તે શાખા ‘ઍર ઇન્ડિયા ઇન્ટરનેશનલ’ નામથી સેવા પૂરી પાડતી હતી. ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન (IAC) પાસે 99 વિમાનોનો કાફલો હતો. તેણે વર્ષ 2004-05માં રૂ. 65161 કરોડનો વિક્રમી નફો કમાવ્યો હતો.

ઇન્ડિયન ઍરલાઇન્સ પાસે શરૂઆતમાં માત્ર ડાકોટા અને સ્કાયમાસ્ટર વિમાનો હતાં. 1953માં રોજનાં 1,200 પૅસેન્જરો વિમાની મુસાફરી કરતાં હતાં. 1997માં આ વિમાની સેવા પાસે 25 બોઇંગ 777, 11 ઍરબસ એ-300, 4 એવ્રો અને 4 ફોકર ઇ-27 વિમાનો થયાં અને 64,28,300 યાત્રીઓએ પ્રવાસ કર્યો. વળી આશરે 22,000 કર્મચારીઓ આ સંસ્થામાં કામ કરતા. દેશમાં બધી મુખ્ય જગ્યાઓને તે હવાઈ સેવાથી જોડે છે. એ ઉપરાંત પરદેશોનાં પણ બધાં મહાનગરોને તે વાયુસેવાથી ભારત સાથે જોડે છે. તેની સેવાઓ દિલ્હી, મુંબઈ, કૉલકાતા અને હૈદરાબાદ – એમ ચાર મુખ્ય મથકોમાં વહેંચી નાખવામાં આવી છે.

પ્રકાશ રામચંદ્ર