ઇન્ટુક (Indian National Trade Union Congress – INTUC) : કૉંગ્રેસની શ્રમિક પાંખ. ભારતના ઔદ્યોગિક કામદારોનું પ્રતિનિધિત્વ કરતું અખિલ ભારતીય મજૂરમંડળ. સભ્ય-સંખ્યાની ર્દષ્ટિએ તે મોટામાં મોટું મજૂરમંડળ છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રોત્સાહનથી તેની સ્થાપના 3 મે 1947માં થઈ ત્યારે દેશના 200 જેટલા કામદાર સંઘો (યુનિયનો) આ સંસ્થા સાથે જોડાયેલા. સ્થાપના પછી તેની સભ્યસંખ્યા 5,75,000 હતી. ગાંધીવાદી વિચારસરણી તેના પાયામાં છે. કામદારોની સમસ્યાઓનું નિરાકરણ સીધાં પગલાં કે હિંસક કૃત્યો દ્વારા નહિ પરંતુ લોકશાહી માર્ગ દ્વારા માલિકો સાથે વાટાઘાટો કરીને થાય તે હેતુથી આ મજૂરમંડળની સ્થાપના થઈ છે. કામદારના જીવનના આર્થિક પાસા કરતાં માનવીય પાસા પર તે વધુ ભાર મૂકે છે. એટલું જ નહિ પરંતુ કામદારોની માગણીઓ પ્રત્યે સંકુચિત ર્દષ્ટિકોણ લેવાને બદલે રાષ્ટ્રીય હિતના બહોળા પરિપ્રેક્ષ્યમાં આ સંસ્થા તેના પર વિચાર કરે છે.

તેના ઉદ્દેશો આ મુજબના છે. (1) દેશમાં એવી સમાજવ્યવસ્થા ઊભી કરવી જેમાં કામદારોના સર્વાંગી વિકાસમાં આડે આવતા અવરોધો દૂર થયા હોય. (2) દેશમાંથી સામાજિક, રાજકીય અને આર્થિક શોષણવ્યવસ્થા નાબૂદ કરવી, (3) ઉદ્યોગો પર રાષ્ટ્રની માલિકી દાખલ થાય તેવા પ્રયાસ કરવા. (4) પૂર્ણ રોજગારી હાંસલ કરવી અને દેશનાં માનવ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય તેવા પ્રયાસ કરવા. (5) ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારોની ભાગીદારીને, પ્રોત્સાહન આપવું, અને (6) કામદારોના નાગરિક, રાજકીય અને સામાજિક અધિકારોનું રક્ષણ અને સંવર્ધન કરવું. સંસ્થાની સભ્ય-સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો હતો. ડિસેંબર 1966માં તે 14,05,465; ડિસેંબર 1978માં 28,09,739 તથા 1984માં 22,36,128 હતી (સંલગ્ન મજૂરસંઘોની સંખ્યા : 2916). દેશના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં રચવામાં આવેલા મજૂરસંઘો તથા ઉદ્યોગદીઠ સ્થપાયેલા મજૂરસંઘો રાષ્ટ્રીય સ્તરના મજૂરમંડળ સાથે સંલગ્ન થાય અને તે દ્વારા શ્રમિક વર્ગની સામૂહિક સોદાશક્તિ વધે તે માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે. ભારતીય સ્તરનાં અન્ય મજૂરમંડળો જેમ એક યા બીજા રાજકીય પક્ષ સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલાં છે તેમ ‘ઇન્ટુક’ રાષ્ટ્રીય કૉંગ્રેસ (આઇ) સાથે સંકળાયેલું છે તેવી એક માન્યતા છે, પરંતુ આ સંસ્થાના માજી પ્રમુખ જી. રામાનુજમે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ 1918-19ના અરસામાં સ્થાપેલ ટેક્સટાઇલ લેબર એસોસિયેશન (TLA) એ જ ‘ઇન્ટુક’નું પ્રેરણાસ્થાન છે. રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથેનો તેનો સંબંધ માત્ર વિચારસરણીના સામ્યને આભારી છે.

ભારતના ઔદ્યોગિક શ્રમિકોને સંગઠિત કરી તેમની સામૂહિક સંઘશક્તિ દ્વારા પ્રવર્તમાન આર્થિક, સામાજિક તથા રાજકીય શોષણવ્યવસ્થા અને અસમાનતાઓ નાબૂદ કરવી, ઉત્પાદન-વ્યવસ્થામાંથી નફાખોરી તથા આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ઘટાડવું, શ્રમિકોના સર્વાંગી વિકાસને આડે આવતાં પરિબળો દૂર કરી દરેકના વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસમાં મદદરૂપ થાય તેવી સમાજવ્યવસ્થા ઊભી કરવી. આવા બહોળા ધ્યેયોને આ સંસ્થા વરેલી છે. ઉદ્યોગોના વહીવટમાં શ્રમિક વર્ગની સક્રિય ભાગીદારી દાખલ કરવા પર આ સંસ્થા વિશેષ ભાર મૂકે છે. આઝાદી પછી ભારતમાં કામદારોને લગતા જેટલા કાયદાઓ થયા છે તે કાયદાઓના ઘડતરની પ્રક્રિયાથી તે પસાર થાય ત્યાં સુધીની પ્રક્રિયામાં આ સંસ્થાએ વિધાયક ભૂમિકા ભજવી છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય બંને કક્ષાના કાયદાઓનો સમાવેશ થાય છે, સંસ્થાની સક્રિયતાને લીધે કામદારો પ્રત્યે સરકારોનું વલણ વધુ ને વધુ પ્રગતિશીલ બનતું ગયું છે. આ સંસ્થા ‘ઇન્ડિયન વર્કર’ નામનું સાપ્તાહિક પ્રકાશિત કરે છે. ઉપરાંત, તેના કેન્દ્રીય કાર્યાલયમાં એક અલાયદો ‘સંશોધન અને માહિતી’ વિભાગ છે. તેનું મુખ્ય કાર્ય કેન્દ્ર તથા રાજ્ય સરકારો સમક્ષ વખતોવખત રજૂ થતાં આવેદનપત્રો, જ્ઞાપન કે શ્રમિક વર્ગના હક્કોની માગણીઓની યાદી તૈયાર કરવાનું હોય છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (I. L. O.) સાથે આ સંસ્થા ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે તથા તે ઇન્ટરનૅશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ(ICFTU)ના સ્થાપક સભ્યોમાંની એક છે. ભારતના ઔદ્યોગિક શ્રમિકોની પ્રતિનિધિ સંસ્થા તરીકે 1948થી તે સરકારી માન્યતા ધરાવે છે.

હિમાંગી અરવિંદ શેવડે