ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ

January, 2002

ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ (ICFTU) : મુક્ત વિચારસરણીને વરેલું પ્રથમ આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠન. તે 1864થી 1876 સુધી, એટલે કે 12 વર્ષ અસ્તિત્વમાં રહ્યું હતું. કાર્લ માર્ક્સ તેની સાથે સંકળાયેલા હતા. આંતરિક વૈચારિક મતભેદોને પરિણામે આ સંગઠન 1876માં તૂટી પડ્યું.

1889થી 1914ના ગાળા માટે બીજું આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠન અસ્તિત્વમાં આવ્યું. 1900ના વર્ષમાં પૅરિસમાં મળેલી આંતરરાષ્ટ્રીય કામદાર પરિષદમાં, મુખ્યત્વે સમાજવાદી પક્ષો અને કામદાર સંગઠનોએ ભાગ લીધો હતો. ધારાસભાકીય અને સંસદીય પ્રથા દ્વારા રાજકીય કાર્યવહી કરવા માટે આ સંગઠનોનો ર્દઢ આગ્રહ હતો. આ સંગઠનમાં શરૂઆતમાં રાજકીય પક્ષોનું પ્રાધાન્ય હતું અને કામદાર મંડળો તેમને આધીન હતાં. ધીમે ધીમે જેમ ઔદ્યોગિકીકરણ થતું ગયું તેમ તેમ કામદાર-સંગઠનો પ્રબળ થતાં ગયાં અને રાજકીય પક્ષોનું બળ ઘટતું ગયું. કામદાર-સંગઠનોને સમાજવાદી સિદ્ધાંતો કરતાં, નોકરીનું સંરક્ષણ, પગારમાં વધારો, કામની વધારે સારી પરિસ્થિતિ, સામૂહિક સોદાગીરી વગેરેમાં વધારે રસ હતો. ધીરે ધીરે કામદાર મંડળોની મદદથી વ્યાપાર અને ઉદ્યોગ અંગે આંતરરાષ્ટ્રીય સચિવાલયો ઊભાં થયાં.

1919માં આંતરરાષ્ટ્રીય શ્રમ-સંગઠન (ILO) અસ્તિત્વમાં આવ્યું. જુલાઈ-ઑગસ્ટ, 1919માં ઍમસ્ટરડૅમમાં મળેલી આંતરરાષ્ટ્રીય કામદાર-મંડળની સભામાં યુરોપિયન અને અમેરિકન પ્રતિનિધિઓ વચ્ચે ભારે મતભેદો હતા. અમેરિકન કામદાર સમવાય સંઘ (A.F.L.) આંતરરાષ્ટ્રીય કામદાર સમવાય સંઘ(I.C.F.T.U.)ની રચના અંગે સંમત ન થયો અને તેમાંથી નીકળી ગયો.

ઑક્ટોબર, 1917માં રશિયામાં બૉલ્શેવિક ક્રાંતિ થઈ અને સમગ્ર જગતની રાજકીય વિચારસરણી તથા કામદાર-મંડળ અંગેના તત્વજ્ઞાનમાં જબરદસ્ત પલટો આવ્યો. 1919માં સોવિયેત સંઘના નેતૃત્વ નીચે, મુખ્યત્વે રાજકીય સ્વરૂપની સામ્યવાદી આંતરરાષ્ટ્રીય સંસ્થા – કૉમિનટર્ન(Comintern)ની સ્થાપના થઈ. ક્રાંતિની મશાલ બિનસામ્યવાદી છાવણીમાં લઈ જવા માટે તેની સ્થાપના થઈ હતી. કૉમિનટર્ન માનતું હતું કે બિન-સામ્યવાદી કામદાર-મંડળો સામાજિક લોકશાહીને નામે કામદારોના ક્રાંતિકારી વારસાને સંસદીય પદ્ધતિ અને વર્ગ-સુમેળ સંબંધો દ્વારા ખતમ કરે છે. કૉમિનટર્ન શરૂઆતમાં અલગ સામ્યવાદી આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠન રચવાના મતનું ન હતું; પરંતુ પાછળથી તેનો વિચાર બદલાયો અને 1921 સુધીમાં લાલ આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠન રચાઈ ગયું. શરૂઆતથી જ આ મંડળે આંતરરાષ્ટ્રીય કામદાર સમવાય સંગઠન(I.F.T.U.)ને તોડી નાખવા માટે સંઘર્ષમય વિચારસરણી અપનાવી. વળી જર્મનીમાં નાઝીવાદનો ઉદય થતાં રશિયાને માટે આંતરરાષ્ટ્રીય નીતિમાં ફેરફાર કરવાનું જરૂરી બનતાં 1935માં લાલ આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠને આંતરરાષ્ટ્રીય કામદાર સમવાય સંગઠન (I.F.T.U.) સાથે સંબંધો બાંધવાના પ્રયત્નો શરૂ કર્યા.

આંતરરાષ્ટ્રીય કામદાર સમવાય સંગઠન – ત્રીજું આંતરરાષ્ટ્રીય કામદાર મંડળ. તે 1919થી 1939 સુધી અસ્તિત્વમાં રહ્યું. શરૂઆતમાં તેની કામદાર-સભ્યસંખ્યા 2 કરોડ 30 લાખની હતી. તે ઘટીને 1939માં 1 કરોડ 40 લાખની થઈ ગઈ. 1920ના દસકામાં નબળી પડેલી કામદાર સંગઠન પ્રવૃત્તિ અને 1930ના દસકામાં થયેલા રાજકીય ભૂકંપોના પરિણામસ્વરૂપે આ ઘટાડો થયો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક સચિવાલયોનું પુનર્ગઠન કરવાનો પ્રશ્ન મુખ્ય હતો. 1921માં 29 આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક સચિવાલયો કાર્ય કરતાં હતાં. 1939માં પણ તેમની સંખ્યા 27ની હતી. તેમનો હેતુ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ મારફતે કામદારોની સ્થિતિ સુધારવાનો હતો. હડતાલ અને તાળાબંધી દરમિયાન કામદારને નાણાકીય મદદ કરવી, કામદાર એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે તો સરળતાથી સુયોગ્ય સંગઠનનો સભ્ય થઈ શકે, વેતન અને કામની પરિસ્થિતિ અંગેની માહિતીનું વિસ્તરણ કરવું વગેરે ઉદ્દેશોને આવરી લઈને, આ સંસ્થાઓ પ્રવૃત્તિઓ કરતી હતી. આંતરરાષ્ટ્રીય કામદાર સમવાય સંગઠન (I.F.T.U.) અને આ સચિવાલયો વચ્ચે નિકટના સંબંધો હતા. અલબત્ત, તેનો અર્થ એવો નથી થતો કે આ સંબંધો સદૈવ મીઠાશપૂર્ણ રહેતા. તેમની વચ્ચે પણ સંઘર્ષો થતા હતા.

1920થી 1939 વચ્ચે આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી કામદાર સમવાય સંગઠન અસ્તિત્વમાં હતું. કૅથલિક ચર્ચના સિદ્ધાંતો અને શિક્ષણ પર આ કામદાર-પ્રવૃત્તિ ચાલતી હતી. કેટલાક દેશોમાં પ્રૉટેસ્ટંટ ચર્ચ પણ આ ચળવળ સાથે સંકળાયેલું હતું. આ ચળવળ મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, અરાજકતાવાદ વગેરે રાજકીય વાદો અને મતોની વિરુદ્ધ હતી. તે ભૌતિક મૂલ્યો કરતાં આધ્યાત્મિક મૂલ્યોને વધુ મહત્વનાં ગણતી હતી. તેના મત પ્રમાણે ખાનગી મિલકત, રાષ્ટ્ર, ચર્ચ વગેરે વાજબી અને જરૂરી સંસ્થાઓ હતી. આ સંસ્થાઓના અસ્તિત્વ સાથે તે માણસની આધ્યાત્મિક સંપૂર્ણતાને જોડતી હતી. વ્યક્તિગત ઉન્નતિ અને વર્ગસંઘર્ષનો અભાવ આ પ્રવૃત્તિનાં મુખ્ય લક્ષ્ય હતાં. શરૂઆતમાં તેની સભ્યસંખ્યા 33 લાખ 66 હજારની હતી. જોકે પાછળથી તે ઘટી ગઈ હતી.

1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને આંતરરાષ્ટ્રીય કામદાર સમવાય સંગઠનના દફતરને પૅરિસથી લંડન લઈ જવું પડ્યું. બ્રિટિશ કામદાર કૉંગ્રેસે તેને ખૂબ મદદ કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય કામદાર-પ્રવૃત્તિમાં સંઘર્ષ કરતાં સમન્વયનું તત્વ અને વાતાવરણ વિશેષ રીતે પ્રગટ થયાં હતાં. વિશ્વયુદ્ધ ચાલતું હતું તે દરમિયાન, તે પૂરું થાય તે પછી અને ભવિષ્યમાં રચવાના આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠનના સ્વરૂપ વગેરે અંગે ચર્ચાઓ ચાલતી હતી. 1945માં બ્રિટિશ કામદાર કૉંગ્રેસના પ્રયત્નોને પરિણામે લંડનમાં એક પરિષદ મળી હતી. 40 દેશોના 5 કરોડ કામદારોના 135 પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો. પરિષદના ફલસ્વરૂપે વિશ્વ કામદાર સમવાય સંગઠન(WFTU)નો જન્મ થયો હતો.

આ વિશ્વ કામદાર સમવાય સંગઠનની સભ્યસંખ્યા શરૂઆતમાં 6.50 કરોડની હતી; પણ છેક શરૂઆતથી જ ભિન્ન વિચારસરણીને કારણે તેમાં બે જૂથો હતાં. બ્રિટિશ કામદાર કૉંગ્રેસ અને અમેરિકન ઔદ્યોગિક કૉંગ્રેસ(Congress of Industrial Organization – CIO)ની આગેવાની હેઠળના પશ્ચિમની વિચારસરણીવાળા જૂથમાં ઓછી સંખ્યા હતી. સામ્યવાદી સંસ્થાઓ તેમજ ફ્રાંસ, દક્ષિણ અમેરિકા, ઇટાલી વગેરે દેશોનાં બહુમતી કામદાર-મંડળોની વિચારધારા જુદા પ્રકારની હતી. રાજકીય વફાદારી, રૂઢિઓનું રક્ષણ, કામદાર-સંગઠન અંગેનું તત્વજ્ઞાન વગેરે અંગે આ બંને જૂથો વચ્ચે ન પુરાય તેવી ખાઈ હતી; પરંતુ 1945થી 1947 સુધી એકતા દર્શાવવાના તેમના ઉત્સાહને કારણે તેમના મતભેદો સપાટી પર આવ્યા ન હતા. આખરે અસ્પષ્ટ ભેદો માર્શલ પ્લાનના મુદ્દા પર ખુલ્લા થઈ ગયા. સોવિયત સંઘના મત પ્રમાણે માર્શલ પ્લાન યુરોપના દેશો પર પોતાનું રાજકીય અને આર્થિક પ્રભુત્વ અને આધિપત્ય ચાલુ રાખવાની અમેરિકાની તરકીબ હતી. એક વર્ષ સુધી વિશ્વ કામદાર સમવાય સંગઠનની પ્રવૃત્તિઓ સ્થગિત કરવાનો પ્રસ્તાવ ઊડી જતાં, લઘુમતી સંઘો તેમાંથી બહાર નીકળી ગયા અને તેમણે 1949માં આંતરરાષ્ટ્રીય મુક્ત કામદાર સંગઠન(ICFTU)ની સ્થાપના કરી.

આ સંઘની સ્થાપના થતાં અમેરિકન કામદાર સમવાય સંઘ અને અમેરિકન ઔદ્યોગિક સંગઠન કૉંગ્રેસ વચ્ચેનાં ઘર્ષણ અને વૈમનસ્ય ઘટ્યાં અને તેઓ એકબીજાંને સમાન દરજ્જાના ભાગીદારો તરીકે સ્વીકારવા સંમત થયાં. ખ્રિસ્તી કામદાર-મંડળોને આ સંઘ સાથે જોડાવાની તક આપવામાં આવી, પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો. વિચારોની મુક્ત આપ-લે અને વૈચારિક તેમજ કાર્યવાહક સંસ્થાઓમાં ભાગીદારીની શરતે આંતરરાષ્ટ્રીય સચિવાલયનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકાર્યું.

1950 પછીનો આંતરરાષ્ટ્રીય કામદાર ચળવળનો ઇતિહાસ, મોટે ભાગે, વિશ્વ કામદાર સમવાય સંગઠન અને આંતરરાષ્ટ્રીય મુક્ત કામદાર સંઘ વચ્ચે ટેકેદારો, વગ અને પ્રતિષ્ઠા વધારવાની સ્પર્ધાનો ઇતિહાસ છે. આ સ્પર્ધામાંથી ખ્રિસ્તી સમવાય સંઘ પોતાનું નાનું કદ, મર્યાદિત સાધનો વગેરેને કારણે અલિપ્ત રહ્યો હતો. મુક્ત કામદાર સંઘે પોતાના ચાર વિભાગીય ઘટકરૂપ સંઘો ઊભા કર્યા હતા. એક વિભાગીય સંઘ યુરોપને લગતો હતો, બીજો અમેરિકા, કૅનેડા વગેરે પ્રદેશોને આવરી લેતો હતો, ત્રીજો આફ્રિકામાં હતો અને ચોથો એશિયામાં હતો. યુરોપીય અને આફ્રિકન વિભાગો આજે અસ્તિત્વમાં નથી, પરંતુ એશિયા અને અમેરિકાને લગતા વિભાગો આજે પણ કાર્યરત છે. એશિયાને લગતા વિભાગમાં 19 દેશો સંકળાયેલા છે. 1961માં તેની સભ્યસંખ્યા 60 લાખ હતી. આંતરરાષ્ટ્રીય મુક્ત કામદાર સંઘ અને ઔદ્યોગિક સચિવાલયો વચ્ચે 1951માં મિલાન કરાર થયો હતો. સચિવાલયો સ્વયંસંચાલિત હોય, પરંતુ તેમની નીતિ મુક્ત કામદાર સંઘ ઘડે તેવું નક્કી થયું હતું. મુક્ત સંઘમાં પણ યુરોપિયન ઘટકો અને અમેરિકન પ્રતિનિધિઓ વચ્ચે કોઈક વાર ઘર્ષણો થાય છે. સામ્યવાદીઓ સામે કડક નીતિ અપનાવવા અને અર્ધવિકસિત દેશોમાં પ્રવૃત્તિઓ વિકસાવવાના મુદ્દાઓ પર અમેરિકન કામદાર સમવાય સંઘ (AFL) અને અમેરિકન ઔદ્યોગિક કૉંગ્રેસ (CIO), 1969માં મુક્ત સંઘનો ત્યાગ કરીને બહાર નીકળી ગયા હતા. વિશ્વ કામદાર સમવાય સંગઠને સ્ટૅલિનટીટો સંઘર્ષના સંદર્ભમાં, યુગોસ્લાવ કેન્દ્રને પોતાનામાંથી બહાર કાઢી મૂક્યું હતું. 1960 પછી ચીન-રશિયાના કથળતા સંબંધોનું પ્રતિબિંબ વિશ્વ કામદાર સમવાય સંગઠનની કારવાઈ ઉપર પડ્યું હતું. 1966માં ચીન અને આલ્બેનિયાને વિશ્વ સંગઠનમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. 1968માં ચેકોસ્લોવૅકિયા પર વૉર્સો કરારના દેશોએ આક્રમણ કર્યું હતું. આ આક્રમણને પરિણામે વિશ્વ સંઘમાં સોવિયેત સંઘ સામે લગભગ બળવાની પરિસ્થિતિ પેદા થઈ હતી. છેવટે, વિશ્વ સંઘ સોવિયત સંઘનાં દબાણોની સામે નમી પડ્યો હતો. 1976માં યુરોપમાં પોલૅન્ડના કામદારોએ જે જબરદસ્ત બળવો કર્યો તેને કારણે તથા ચેકોસ્લોવૅકિયાના બનાવોમાંથી બોધપાઠ લઈને વિશ્વ સંઘે પ્રવર્તમાન પરિસ્થિતિની ઉપેક્ષા કરી અને કોઈ પણ પ્રત્યાઘાત વ્યક્ત કર્યો નહિ. વધુ સ્વતંત્રતા, સ્વયંસંચાલન, વિકેન્દ્રીકરણ, પ્રાદેશિકીકરણ વગેરે મુદ્દાઓ પર વિશ્વસંઘમાં રુમાનિયા તથા ઇટાલી સંઘર્ષ કરતાં રહ્યાં, પણ તેઓ સોવિયેત સંઘના નેતૃત્વનો અસ્વીકાર કર્યા સિવાય સંઘમાં રહીને મુક્તિનાં ગીતો ગાતાં રહ્યાં. જોકે આ બધાંની અસરો વિશ્વસંઘ અને સામ્યવાદી નીતિ-રીતિઓ પર પડી નહિ એમ કહી શકાય નહિ.

1952માં આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી સમવાય સંઘમાં 20 સભ્યદેશો હતા. તેમાંના 12 યુરોપના, 6 લૅટિન અમેરિકાના, એક એશિયામાંથી અને એક કૅનેડામાંથી હતા. આ સંખ્યામાં સારા પ્રમાણમાં વધારો થયો છે. 1968માં 68 દેશોમાં સંઘનાં 74 કેન્દ્રો હતાં. તેની સભ્યસંખ્યા 1 કરોડ 27 લાખ હતી. ધીરે ધીરે ખ્રિસ્તી સંઘમાં પરિવર્તન આવ્યું. તે ધર્મનિરપેક્ષ થવાની પ્રક્રિયામાં હતો. સંઘનાં ઉચ્ચારણોમાં પ્રથમ ઈશ્વરનો સંદર્ભ અર્દશ્ય થયો અને તેનું નામાભિધાન બદલાઈને વિશ્વ કામદાર સંગઠન (WCL) થયું છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ-સંગઠન(ILO)ના ઠરાવો (conventions) દ્વારા કામદાર વર્ગના જે અધિકારો માન્ય રાખવામાં આવ્યા છે તેનો સાતત્યથી અમલ થાય તે માટે આ સંગઠન સતત પ્રયત્નશીલ હોય છે. કામદાર ચળવળમાં ભાગ લેવા માટે શ્રમ-સંગઠનોના જે નેતાઓ કે કાર્યકરો સામે માલિકો દ્વારા જ્યારે પગલાં લેવામાં આવે છે અને તે દ્વારા જ્યારે તેમનો ભોગ લેવાય છે, ત્યારે આઇ. સી. એફ. ટી. યુ. દ્વારા તેમને રક્ષણ આપવા માટે તથા તેમનો બચાવ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે. તેમ છતાં દર વર્ષે સો કરતાં પણ વધારે કામદાર નેતાઓ અને કામદાર-સંગઠનોના કાર્યકરોની હત્યા કરવામાં આવે છે, હજારો કાર્યકરો અને કામદારોને જેલમાં ધકેલવામાં આવે છે, ઘણાને કપરી શિક્ષા પણ કરવામાં આવે છે. ઉપરાંત, દર વર્ષે હજારોની સંખ્યામાં કામદારોને નોકરી પરથી કાઢી મૂકવામાં આવે છે, વિશ્વના જુદા જુદા વિસ્તારોમાં કામદારોને અને તેમાં પણ મુખ્યત્વે સ્ત્રી અને બાળ કામદારોને તેમની ઇચ્છા વિરુદ્ધ ફરજિયાતપણે પ્રતિકૂળ સંજોગોમાં કામે લગાડવામાં આવે છે. આની સામે શ્રમિકોનું આ આંતરરાષ્ટ્રીય સંગઠન સક્રિય લડત આપે છે અને અન્યાય સામે ઝુંબેશ ઉપાડે છે. વિશ્વમાં જે જે દેશોની સરકારો કે ઔદ્યોગિક એકમોના માલિકો કામદારો પ્રત્યે ભેદભાવનું વર્તન કરે છે તેની સામે પણ આ સંગઠન લડત આપે છે. ઉપરાંત, રાષ્ટ્રસંઘ, આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) કે વિશ્વબૅંકમાં જ્યારે પણ આર્થિક બાબતોની ચર્ચા થાય છે ત્યારે આ શ્રમ-સંગઠન કામદારોના પક્ષની રજૂઆત કરે છે અને આર્થિક વૃદ્ધિ અને સતત વિકાસની પ્રક્રિયા દ્વારા વિશ્વસ્તર પર રોજગારીની તકોમાં કેવી રીતે વધારો કરી શકાય છે તે માટેની વૈકલ્પિક યોજનાઓ રજૂ કરે છે.

પરેશ મજમુદાર