ઇડાહો : અમેરિકાના વાયવ્ય ભાગમાં 42oથી 49o ઉત્તર અક્ષાંશ તથા 111oથી 117o પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલું રાજ્ય. ઉત્તરમાં કૅનેડા, પૂર્વમાં મોન્ટાના તથા વ્યોમિંગ, દક્ષિણમાં ઉટાહ તથા નેવાડા અને પશ્ચિમમાં ઓરેગૉન તથા વૉશિંગ્ટન આવેલાં છે. ક્ષેત્રફળ આશરે 2,16,431 ચોરસ કિમી. છે. અમેરિકાનાં બધાં રાજ્યોમાં વિસ્તારની બાબતમાં તે તેરમા ક્રમે આવે છે. ઉત્તર-દક્ષિણ લંબાઈ 772 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 499 કિમી. છે. રાજ્યની એકંદર વસ્તી 15,67,582 (2010) છે.

ઇડાહો રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર ઊંચા પહાડો અને ઉચ્ચપ્રદેશમાં આવેલો છે. નૈસર્ગિક સૌંદર્ય માટે તે ખૂબ જાણીતું છે. અહીં રણવિસ્તારમાં વાર્ષિક સરેરાશ વરસાદ 303 મિમી. તથા પહાડી વિસ્તારોમાં આશરે 2,504 મિમી. પડે છે. જાન્યુઆરીમાં તાપમાન -2o સુધી અને જુલાઈમાં 23o સુધી હોય છે. રાજ્યના મેદાનપ્રદેશ અને ખીણપ્રદેશમાં ખેતી થાય છે. અમેરિકાના 25 % બટાટાનું ઉત્પાદન આ રાજ્ય કરે છે. અહીંના પહાડી વિસ્તારોમાં મબલક ખનિજ-સંપત્તિ ઉપલબ્ધ થાય છે. તેથી તે ‘જેમ સ્ટેટ’ નામથી ઓળખાય છે. ઘઉં, મકાઈ, સફરજન, સુગરબીટ વગેરે બીજા ખેતીપાકો થાય છે. પહાડો અને ઉચ્ચપ્રદેશો પર લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે.

ઊંચા પહાડો પર જંગલોનું પ્રમાણ વધુ છે. ત્યાં ડગ્લાસ ફર, વ્હાઇટ પાઇન, સ્પ્રૂસ, હૅમલોક વગેરે વૃક્ષો થાય છે. પરિણામે લાકડા-ઉદ્યોગ વિકાસ પામ્યો છે. અમેરિકાની ત્રીજા ભાગની ચાંદી આ રાજ્યમાં ઉત્પન્ન થાય છે. ઍન્ટિમની, જસત, ફૉસ્ફેટ, તાંબું વગેરે અન્ય મહત્વનાં ખનિજો પણ ત્યાં મળી આવે છે.

ક્લાર્ક ફૉર્ક, ક્લેરવૉટર, કૂટેનાઈ, પેટી, પેંડઓરેલી, સેન્ટ જો, સાલમન, લેમરી અને સ્નેક તેની મુખ્ય નદીઓ છે. ઇડાહો રાજ્યમાં તળાવો અને સરોવરોનું પ્રમાણ વધુ હોવાથી મત્સ્યઉદ્યોગ વિકસ્યો છે. પહાડો, જંગલો, નદીઓ, સરોવરો વગેરેના કારણે આનંદ-પ્રમોદનાં કેન્દ્રોનો વધુ વિકાસ થયો છે. યેલો સ્ટોન નૅશનલ પાર્કનો કેટલોક ભાગ ઇડાહો રાજ્યમાં હોવાથી ઘણાં પ્રવાસકેન્દ્રો અહીં વિકસ્યાં છે. 18 જેટલા સ્ટેટપાર્ક પણ તૈયાર થયા છે. 1805માં લેવિસ અને ક્લાર્કે આ રાજ્યના પ્રદેશની સૌપ્રથમ શોધ કરી. 1809માં ત્યાં વ્યાપારી મથક સ્થાપવામાં આવ્યું અને તે પછી અન્ય વસાહતોનો વિકાસ થયો. 1860માં ત્યાં સોનાની ખાણોની શોધ થતાં આ પ્રદેશમાં વસવાટ કરવા માટે મોટો ધસારો થયો. 1890માં તે અમેરિકાનું તેતાળીસમું સંલગ્ન રાજ્ય બન્યું હતું.

બૉઇસ ઇડાહો રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર છે. બૉઇસની વસ્તી 1,90,117 (2003) છે. પૉકેટેલો, ઇડાહો ફૉલ્સ, લિવિંસ્ટન, ટ્વિન ફૉલ્સ વગેરે બીજાં મહત્વનાં શહેરો છે. રાજ્યમાં ત્રણ મુખ્ય યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શિક્ષણની ઘણી સંસ્થાઓ આવેલી છે. આ યુનિવર્સિટીઓમાં મુખ્યત્વે કૃષિ, ઍન્જિનિયરિંગ, ભૂસ્તરશાસ્ત્ર તથા વનસંપત્તિના અભ્યાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ