ઇજિપ્તની કલા (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) : ઇજિપ્તની કલા ઈસુ પૂર્વે પાંચમી સહસ્રાબ્દીથી શરૂ થઈ હોવાનું મનાય છે અને તે ઈસુ પછી ત્રીજી શતાબ્દી સુધી, એમ કુલ 5,300 વરસના લાંબા ગાળાનો વિસ્તૃત ઇતિહાસ ધરાવે છે. અત્યંત મૌલિક હોવા ઉપરાંત ઇજિપ્તની કલાનો ગ્રીક કલા ઉપર પણ ઊંડો પ્રભાવ પડ્યો છે.

ચિત્રકલા : ઇજિપ્તની ચિત્રકલામાં ત્રીજા પરિમાણીય વાસ્તવનો આભાસ કરાવનારાં તત્વો જેવાં કે પ્રકાશ અને છાયા, પરિપ્રેક્ષ્ય (perspective) અને પાછળ ખસતી સમાંતર રેખાઓનું આભાસી મિલનબિંદુ (vanishing point) પ્રગટ્યાં નથી. આને આ કલાની એક આગવી લાક્ષણિકતા ગણી શકાય.

મનુષ્યની આકૃતિમાં ‘સન્મુખતાની નીતિ’(Law of Frontality)નો ઉપયોગ જોવા મળે છે. પ્રત્યેક અંગ અને ઉપાંગને દર્શક સરળતાથી જોઈ-જાણી શકે અને ચિત્રકાર સરળતાથી ચિત્રાંકન કરી શકે તેવી ચિત્રશૈલીની આ સન્મુખતાની નીતિમાં તરફેણ કરાય છે. આ રીતે ચિત્રિત મનુષ્ય-આકૃતિમાં મુખ અને મસ્તક તેમ જ હાથ અને પગ બાજુમાંથી દેખાય તેવા, તથા આંખ, છાતી અને પેટ સામેથી દેખાય તેવાં ચીતરવામાં આવે છે. આમ ખૂબ જ સરળતાથી અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ વગર દર્શક આકૃતિને સાચા સંદર્ભમાં ઓળખી શકે તે ધ્યેય અહીં છે. આમ, આજના સંદર્ભમાં સ્વાભાવિકતાથી વિમુખ રહેલી જણાતી આ ચિત્રકલા અમુક નિયમોના બંધન હેઠળ વિકસી છે.

ઇજિપ્તની લિપિ અને ચિત્રકલા પરસ્પર સંકળાયેલાં છે. વસ્તુત: ઇજિપ્તની લિપિ ચિત્રલિપિ (hieroglyph) તરીકે જ ઓળખાય છે. તેના સંકેત-ઘટકો (અક્ષરો) તરીકે હાથનો પંજો, આંખ, ગીધ, બાજ, હંસ, ખુરસી, મગર, ગોકળગાય ઇત્યાદિ ચિહનોનો ઉપયોગ થયો છે. બીજું એ કે ચિત્રો(અને અર્ધમૂર્ત શિલ્પો)માં ચિત્રની આકૃતિઓની વચ્ચે લિપિ વડે ભાષાકીય વાત પણ સાંકળેલી છે. આમ ઘણી કલાકૃતિઓ ર્દશ્ય અને શબ્દકલાનું મિશ્રરૂપ બને છે.

નિયમોનું ચુસ્ત બંધન હોવાને કારણે 5,300 વરસના વિશાળ ગાળામાં પણ કલામાં ઝાઝા ફેરફાર કે ઉત્ક્રાંતિ દેખાતાં નથી. મનુષ્ય-આકૃતિઓ બહુધા અક્કડ (rigid) જણાય છે. તેમાં પણ રાજવી અને દૈવી આકૃતિઓનું આલેખન વિશેષ અકડાઈભર્યું જણાય છે. તેનું એક કારણ એ છે કે રાજવી કે દૈવી જેવી વિશિષ્ટ મોભાવાળી વ્યક્તિઓના આલેખનમાં કલાકારે વિશિષ્ટ દરજ્જાને લગતા ગૌરવનું ખાસ ધ્યાન રાખવું પડતું. બીજી બાજુ ખેતમજૂર, કારીગરો કે નોકરોના આલેખનમાં મનુષ્ય-આકૃતિ કાર્યરત મુદ્રામાં હોવાને કારણે સ્વાભાવિક અને લચકીલી દેખાય છે. પુરુષની ચામડીનું આલેખન તપેલા તાંબા જેવા લાલ-તપખીરિયા રંગમાં તથા સ્ત્રીની ચામડીનું આલેખન આછા બદામી રંગમાં કરવાની પદ્ધતિ એ લગભગ નિયમ થઈ પડ્યો હોય તેવું જણાય છે. પુરુષોના પહેરવેશમાં સફેદ રંગનું ઘૂંટણ ખુલ્લા રહે એવા ધોતિયા-કછોટા જેવું માત્ર એક વસ્ત્ર હોય છે અને છાતીનો ભાગ હમેશાં ઉઘાડો હોય છે. ધનિક, રાજવી અને દૈવી પાત્રોની આકૃતિઓમાં ગળે, કાંડે અને માથે કીમતી આભૂષણો જોવા મળે છે. પુરુષોની છાતી પહોળી બતાવાય છે, પણ છાતી કે હાથ પર સ્નાયુઓનું કોઈ વિશેષ આલેખન થતું નથી. સ્ત્રીઓનાં વસ્ત્રોમાં થોડું વૈવિધ્ય હોય છે : તેમાં કેડથી શરૂ કરીને પાની સુધીનાં પણ સ્તનમંડળ વણઢંકાયેલ રહે એવાં ખભાથી પાની સુધીનાં વસ્ત્રો તેમજ પાયજામા કે પૅન્ટ પ્રકારનાં વસ્ત્રો હોય છે. સ્ત્રીઓ પશુઓની ખાલ પણ પહેરે છે. ચહેરા બધી જ વ્યક્તિઓના એકસરખા બીબાઢાળ દેખાય છે. વ્યક્તિગતતા (individuality) ઉપસાવવાનો કોઈ પ્રયત્ન જણાતો નથી. મનુષ્ય-આકૃતિઓની હારમાળાઓ જોવા મળે છે, પણ એક આકૃતિની પાછળ (અડધી ઢંકાયેલી – અડધી દેખાતી) બીજી આકૃતિ ક્યારેય જોવા મળતી નથી. ઇજિપ્તના ચિત્રકારે પશ્ચાદભૂને અમૂર્ત પશ્ચાદભૂ તરીકે જ છોડી દીધેલ છે. આ પશ્ચાદભૂ આકાશ હોય, પાણી હોય કે જમીન હોય; પણ તે મોટા ભાગના કિસ્સામાં સ્પષ્ટ થતી નથી. ઘણા પુરુષો દાઢી રાખતા પણ મૂછનો ચાલ હોય એવું લાગતું નથી. કબરો અને મંદિરોની ભીંતો પર (ભીંત)ચિત્રો જોવા મળે છે. ભીંત પર ચૂનાનું પ્લાસ્ટર કરી તે સુકાય એ પછી ચિત્રો કર્યાં હોવાનું મનાય છે. ખનિજો, લાકડું બાળીને બનાવેલ કોલસા તથા કેટલીક વનસ્પતિઓમાંથી રંગો બનાવવામાં આવતા.

આ ભીંતો પર ઉપરથી નીચે સુધી ચિત્રોના આડા (horizontal) પટ્ટા જોવા મળે છે. તેમાં ઘણી વાર વાર્તાનાં કથાનકો પણ આલેખાયેલાં છે. વાર્તાઓ ઉપરના પટ્ટાથી શરૂ કરીને નીચેના પટ્ટા તરફ ડાબેથી જમણે આગળ વધે છે. વાર્તાઓ ઉપરાંત ઇજિપ્તના ઇતિહાસના ઘણા મહત્વના પ્રસંગો તથા પુરાકથાઓ પણ આ રીતે આલેખાયેલ છે. ઇજિપ્તનાં પ્રાચીન ઉત્સવો, નૃત્યો, સંગીત, વાજિંત્રો; માછીમારી, ખેતી અને શિકારની તેમજ શિલ્પ અને ઓજારો બનાવવાની પદ્ધતિઓ ઇત્યાદિ વિશે આ ચિત્રોમાંથી જાણવા મળે છે. કેટલીક નૃત્યાંગનાઓ અને દાસીઓનું નગ્નાવસ્થામાં આલેખન છે. સ્ત્રીઓની કેશગુંફનની તત્કાલીન પ્રચલિત અનેક શૈલીઓનું આલેખન ઘણું જ વૈવિધ્યસભર છે. પુરાકથાઓનાં નાયકો અને નાયિકાઓનું આલેખન કલ્પનાપ્રચુર છે. શિયાળ, મગર, બિલાડા, બાજ, કીડા ઇત્યાદિના ચહેરા ધરાવતાં દેવદેવીઓ અહીં જોવા મળે છે.

નખ્તની કબરમાંનું ભીંતચિત્ર : ‘સંગીતવાદકો’

નખ્તની કબરમાંનું ભીંતચિત્ર : ‘સંગીતવાદકો’

મનુષ્ય-આકૃતિઓના આલેખનમાં અક્કડતા છે, પણ પશુપંખીઓનું આલેખન ખૂબ જ સ્વાભાવિક અને વાસ્તવિક જોવા મળે છે. એક જ ચિત્રમાં મનુષ્ય-આકૃતિઓ અક્કડ અને પશુપંખીઓ સાવ સ્વાભાવિક અને વાસ્તવિક જોવા મળે છે. વિવિધ બતકો, હંસ, લક્કડખોદ, ગીધ, ગરુડ, બાજ ઇત્યાદિ પંખીઓ અને ગાય, કૂતરાં, બિલાડાં, મગર, હિપોપૉટેમસ, સિંહ, ઘોડા ઇત્યાદિ પશુઓનું આલેખન આબેહૂબ જોવા મળે છે. તેમાં પીંછાં અને રૂંછાંની સ્વાભાવિકતા ઉપરાંત તેમની જાતિગત સ્વાભાવિક લાક્ષણિક અદાઓ જોવા મળે છે; દા.ત., નાળું ઓળંગતા ખેડૂતની ગાય ડોકું પાછું ફેરવી આંખોમાં માતાસહજ ચિંતા સાથે પાછળ આવતા વાછરડા તરફ નજર નાખે છે. અહીં ગાયના મુખ અને તેની આંખોનો ભાવ વાસ્તવિક છે. ગાયની શરીરરચના અને સ્નાયુ-હાડકાંનું આલેખન પણ વાસ્તવિક છે. વાછરડાના મુખ પર બાળસહજ નિર્દોષતા જોવા મળે છે.

એટલની કબરમાં મળેલું બતકોનું ચિત્ર

એટલની કબરમાં મળેલું બતકોનું ચિત્ર

ઇજિપ્તના પ્રાચીન ચિત્રકારે કુદરતનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું જણાય છે. ચિત્રકાર દરેક આકૃતિમાં તેની જાતિગત વિશેષતા પૂરતી સ્પષ્ટ કરે છે. આ ઉપરાંત કાલ્પનિક રંગરોગાનવાળાં પશુપંખીઓનું આલેખન પણ જોવા મળે છે. મનુષ્ય અને પશુપંખીઓની આકૃતિઓ વચ્ચે જરૂર ઊભી થતાં (ખેતી, શિકાર કે માછીમારીનાં ર્દશ્યોમાં) વનસ્પતિઓનું આલેખન પણ જોવા મળે છે. તેમાં ડાંગર, ઘઉં, કમળ, પેપિરસ, બરૂ ઇત્યાદિ વનસ્પતિઓનું બાહુલ્ય છે; પરંતુ નિસર્ગચિત્રણા જૂજ છે. જે થોડા નમૂના છે તે નકશા(plan)ની માફક ઉપરથી જોવાયેલા હોય એ રીતે (top view) ચીતરેલા છે. ભીંતો ઉપરાંત પેપિરસ વનસ્પતિના માવામાંથી બનાવેલ કાગળ ઉપર આલેખેલાં ચિત્રો જોવા મળે છે. ઈસુ પૂર્વે સોળમીથી ચૌદમી સદી દરમિયાનના શાસક અઢારમા રાજવંશના રાજા ઍમેન્હૉતેપ- (ઇખનાટન)ના રાજ્યકાળ દરમિયાન ચિત્રકલાએ અક્કડ પ્રણાલીઓ ત્યજી દઈને તાજગીસભર સ્વાભાવિકતા તરફ પ્રયાણ કર્યું. અગાઉ હંમેશાં બાજના મુખવાળી મનુષ્ય-આકૃતિ રૂપે આલેખાતા સૂર્યદેવ ‘રા’ હવે વર્તુળાકારે આલેખાતા થયા. રાજા ઍમેન્હૉતેપ અને રાણી નેફર્તીતીનું આલેખન અક્કડ આકૃતિ રૂપે નહિ, પણ લચકીલી સ્નાયુબદ્ધ આકૃતિ રૂપે થવા માંડ્યું. ડોક અક્કડ નહિ પણ આગળ ઝૂકેલી, છાતી થોડી સાંકડી, ખભા સાંકડા અને પેટ સહેજ ફૂલેલું એવું તદ્દન વ્યક્તિગત શારીરિક લાક્ષણિકતાવાળું આલેખન ઍમેન્હૉતેપ માટે જોવા મળે છે. ઍમેન્હૉતેપના સમયમાં જોવા મળતી આ અભિવ્યક્તિવાદી કલા તેના મૃત્યુ પછી તુતન્ખામેનના સમયમાં વીસરાઈ ગઈ અને ફરી વાર સહસ્રાબ્દીઓ પુરાણી અક્કડતા ચિત્રકલામાં પ્રવેશી.

શિલ્પ : (1) અર્ધમૂર્ત શિલ્પ (Sculpture in Relief) : ઇજિપ્તનાં મંદિરો અને કબરો પર અર્ધમૂર્ત શિલ્પ જોવા મળે છે. તે હંમેશાં બાહ્ય સપાટીથી થોડી ઊંડાઈએ કોતરેલાં એટલે કે દીવાલથી એકાદ-બે ઇંચ ઊંડાં કોતરેલાં છે. ઘણી વાર અર્ધમૂર્ત શિલ્પ પૂરેપૂરાં રંગેલાં જોવા મળે છે.

રાણી નેફર્તીતીનું પૂર્ણમૂર્ત શિલ્પ, ઉપરના રંગકામ સાથે

રાણી નેફર્તીતીનું પૂર્ણમૂર્ત શિલ્પ, ઉપરના રંગકામ સાથે

તેમાં મનુષ્ય-આકૃતિ, પશુ-આકૃતિ ઇત્યાદિનું આલેખન, ઇજિપ્તની ચિત્રશૈલી જેવું જ છે. ત્રીજા પરિમાણનો તેમજ સમાંતર રેખાના ગલન-બિંદુનો અભાવ છે. કલાની અક્કડતા ઈસુ પૂર્વે સોળમી સદીમાં ઍમેન્હૉતેપના સમયમાં ઓછી થઈ અને અભિવ્યક્તિ તરફ ઝોક વધ્યો. ઍમેન્હૉતેપ, નેફર્તીતી અને 3 દીકરીઓના સમૂહ-વ્યક્તિચિત્ર (group portrait) દર્શાવતું અર્ધમૂર્ત શિલ્પ કોઈ રાજવી પરિવારનું દબદબાપૂર્ણ ગર્વિષ્ઠ કુટુંબ નહિ, પણ આનંદ-કિલ્લોલ કરતું સામાન્ય કુટુંબ જણાય છે. આ ઉપરાંત વાછરડું જણતી ગાયનું શિલ્પ પણ નોંધપાત્ર છે. ચિત્રકલાની જેમ અર્ધમૂર્ત શિલ્પકલામાં પણ ઍમેન્હૉતેપના મૃત્યુ પછી ફરી વાર પ્રણાલીગત અક્કડતાવાળી શૈલી પ્રવેશી ચૂકી.

(2) પૂર્ણમૂર્ત શિલ્પ (sculpture in round) : પૂર્ણમૂર્ત શિલ્પમાં પણ માનવ-આકૃતિનું આલેખન પહેલેથી જ ખૂબ અક્કડ શૈલીમાં કંડારાયેલું જોવા મળે છે. જાહેર જગા માટેનાં વિરાટકાય સ્મારક શિલ્પોની પ્રથા પણ પહેલેથી જ પ્રચલિત જણાય છે. રાજવી જેવી વિશિષ્ટ મોભાની વ્યક્તિની બેસવાની, ઊભા રહેવાની કે ચાલવાની મુદ્રા આલેખતી આકૃતિઓ, જાણે કે થાકીને હમણાં ભાંગી પડશે તેવી અકડાયેલી અને તણાવગ્રસ્ત જણાય છે. સામાન્ય રીતે ધડ અને હાથની વચ્ચેની કે બે પગ વચ્ચેની ખાલી જગાઓને કોતરી કાઢવામાં આવતી નહિ. આ પદ્ધતિ વડે શિલ્પ તૂટી જવાની શક્યતાઓ ઘટે છે. રાણી આંખ્નેર-મૅરિયાનું ખોળામાં બેઠેલા બાળરાજકુમાર પેપી સાથેનું શિલ્પ જોતાં જણાય છે કે રાજકુમાર પેપી બાળક હોવા છતાં તેનું આલેખન પુખ્ત ઉંમરના પુરુષ તરીકે થયું છે. માત્ર તેના ટચૂકડા નાના કદ પરથી સ્પષ્ટ થાય છે કે રાજકુમાર હજી બાળક છે. પૂર્ણ શિલ્પકલાનું અક્કડતાભર્યું આલેખન ઈસુ પૂર્વે સોળમી સદીમાં ઍમેન્હૉતેપના સમયમાં ઓછું થયું. રાણી નેફર્તીતીનું ખભા સુધીનું વ્યક્તિચિત્ર રૂપે આલેખાયેલું શિલ્પ ખૂબ જ સ્વાભાવિક છે. તેની લાંબી અને ઝૂકેલી ડોક આ શિલ્પની સ્વાભાવિક શૈલીની પ્રતીતિ કરાવે છે. શિલ્પની સપાટી પૂરેપૂરી રંગેલી છે. ઍમેન્હૉતેપના મૃત્યુ પછી ફરી વાર પૂર્ણ શિલ્પમાં પણ પ્રણાલીગત અક્કડતાપૂર્ણ શૈલી પ્રવેશી. આંખોની કીકીઓ અને સ્તનાગ્રના સ્થાને ઘણી વાર કીમતી રત્નો કે પથ્થરો જડવામાં આવતાં.

સ્થાપત્ય : (1) પિરામિડ : એ નામની ભૌમિતિક આકૃતિ ધરાવતા પ્રાચીન ઇજિપ્ત અને પ્રાચીન અમેરિકાનાં વિશાળ સ્થાપત્યો.

ગિઝા ખાતે આવેલો ચેઓપ્સનો ભવ્ય પિરામિડ

ગિઝા ખાતે આવેલો ચેઓપ્સનો ભવ્ય પિરામિડ

પ્રાચીન ઇજિપ્ત : પ્રાચીન ઇજિપ્તમાં ચોરસ પ્લાન ઉપર પિરામિડની બાંધણી થતી. ચોરસ પ્લાનને કારણે ઊભી થતી ચાર ત્રિકોણાકાર બાજુઓ ઊંચી આવીને પ્લાનના કેન્દ્રબિંદુની સ્તંભરેખામાં એકબીજીને એક બિંદુએ મળી જઈ ટોચની રચના કરતી. ‘પિરામિડ’ શબ્દ સંભવત: ગ્રીક પ્રજાએ ઉપહાસજનક રીતે પ્રયોજ્યો હતો; જેનો અર્થ ‘ઘઉંની કેક’ થતો. પ્રાચીન ઇજિપ્તની લિપિમાં પિરામિડ માટે વપરાતા શબ્દ ‘મ’ અને ‘ર’ – એમ બે વ્યંજન હતા, પણ તેના સ્વરોની જાણકારી આપણી પાસે નથી. ઇજિપ્તમાં પિરામિડની બાંધણી રાજાની અને રાજવી કુટુંબના  સભ્યોની કબર માટે થતી. બાહ્ય ડિઝાઇનના આધારે પ્રાચીન ઇજિપ્તના પિરામિડના બે ભાગ પાડી શકાય : 4 બાજુઓ પગથિયાંના સ્વરૂપે હોય તેને ‘સ્ટેપ પિરામિડ’ કહે છે; 4 બાજુઓ સપાટ હોય તેને ‘ટ્રૂ પિરામિડ’ કહે છે.

સ્ટેપ પિરામિડ : સ્ટેપ પિરામિડ એ ટ્રૂ પિરામિડ કરતાં પણ વધુ પ્રાચીન છે. સૌથી પહેલો સ્ટેપ પિરામિડ સક્કરાહ ખાતે ઈ. પૂ. 2750ની આસપાસ ત્રીજા રાજવંશના રાજા ઝોસર માટે બંધાયો હતો. ઝોસરની રાજગાદીનો વારસ બનેલ રાજા સૅખૅમ્ખૅતનો સ્ટેપ પિરામિડ પણ સક્કરાહ ખાતે જ બંધાયો. આ બે ઉપરાંત બીજા 4 સ્ટેપ પિરામિડ છે : (1) મેમ્ફીસ પાસે આવેલ ઝાવિયેત અલ્-આર્યન ખાતે, (2) અલ્-ફઈયૂમ પાસે આવેલ સિલાહ ખાતે, (3) નાગડાહ ખાતે અને (4) અલ્-કુલા ખાતે. આ ચારમાંનો પ્રથમ સ્ટેપ પિરામિડ ખાબા નામના રાજાએ બંધાવ્યો હોવાની સંભાવના છે. અન્ય 3 પિરામિડ વિશેની ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ આ ચારેય પિરામિડ ઈ. સ. પૂ. 2600ની પહેલાં બંધાઈ ચૂક્યા હતા.

ઝોસરનો સ્ટેપ પિરામિડ : ઉપર વર્ણવેલા પાંચ સ્ટેપ પિરામિડોમાં ઝોસરનો પિરામિડ હાલમાં ખંડિત હાલતમાં હોવા છતાં સૌથી વધુ ભવ્ય છે. હૅલિયોપૉલિસના પંડિત ઇમ્હૉતેપ દ્વારા તેની ડિઝાઇન થયેલી. ‘મસ્તાબા’ નામે ઓળખાતા નાના ઘનાકાર મકાનની બાંધણી વડે આ પિરામિડની શરૂઆત થયેલી. આ મકાન ઉપર ચારેય બાજુથી 5 પડમાં બાંધકામ કરીને આખરે 5 પગથિયાંવાળો આ ઝોસરનો પિરામિડ સર્જાયો; તેની ઊંચાઈ 62 મીટર છે.

આ પિરામિડની નીચે ભૂગર્ભમાં, એટલે કે તેના ગ્રાઉન્ડ લેવલથી 27 મીટર નીચે રાજાનો દફનખંડ તેમજ તેનાં કુટુંબીજનોના અન્ય 11 દફનખંડ આવેલા છે. આ બધા જ એકમેક સાથે પથ્થરના ભૂગર્ભમાર્ગ વડે સંકળાયેલા છે. રાજાના દફનખંડની નજીક આવેલા 2 ઓરડામાં અને એક પ્રદર્શન-ગૅલરીમાં ભૂરા ગ્લેઝવાળા ટાઇલ્સ વડે સુશોભન કર્યું છે; જેમાં રાજાને ધાર્મિક ઉત્સવોમાં વ્યસ્ત દર્શાવ્યો છે.

જે સમયે ઝોસરનો પિરામિડ બંધાયો તે જ સમયે હકીકતમાં ઇજિપ્તના લોકોએ બાંધકામમાં પથ્થર વાપરવો શરૂ કર્યો હતો. આ અગાઉ તેઓ લાકડું, તડકે પકવેલી ઈંટો અને બરુ (એક જાતનું ઘાસ)  તથા કાથીનો બાંધકામમાં ઉપયોગ કરતા હતા. આથી આ જૂની બાંધણીની અસર પથ્થરની નવી બાંધણીમાં પણ જોવા મળે છે. પથ્થરની બાંધણીના નવા નુસખાઓ શોધાવા બાકી હતા અને અર્થ ન સરતો હોવા છતાં જૂની બાંધણીની ઘરેડની નકલ થયેલી જોવા મળે છે; દા.ત., સ્તંભ અને છત વચ્ચે મૂકવામાં આવતા બરુની પથ્થરમાં કરેલ નકલ.

ગિઝાના ગ્રેટ પિરામિડની આંતરિક રચના : પિરામિડની વચ્ચે રાજાનો દફનખંડ, 8 ઇંચ પહોળી, 2 સાંકડી સુરંગો વડે બહારની સપાટી સાથે જોડાયેલ છે. આ ખંડ પર 5 છત વડે બનેલાં 5 માળિયાં પિરામિડની ટોચને પોતાના ભારથી રાજાના દફનખંડમાં તૂટી પડતાં બચાવે છે. રાજાની દફનવિધિ પૂરી થયા બાદ સંલગ્ન રક્ષણાત્મક ખંડમાં ગ્રૅનાઇટ પથ્થરના 3 દ્વારને ઉપરથી નીચે બંધ કરી રાજાના દફનખંડને સીલ કરી દેવામાં આવતો. આ પછી ભવ્ય વીથિના માર્ગ આગળ રાખેલ ગ્રૅનાઇટના પથ્થરો વડે ભવ્ય વીથિને પણ બંધ કરી દેવાતી. છેલ્લો મજૂર આ રીતે બધું બંધ કરીને બહાર નીકળવાના નીચેના માર્ગ દ્વારા પ્રવેશદ્વારમાંથી બહાર નીકળ્યો હોવો જોઈએ. ભૂગર્ભ ખંડ લૂંટારાઓને ભ્રમમાં નાંખીને ગેરરસ્તે વાળવા સર્જાયો હોવો જોઈએ; જેથી તેઓ રાજા અને રાણીના ખંડ સુધી પહોંચી ન શકે. રાણીના ખંડમાં શબનું દફન થયેલું જોવા નથી મળતું; પણ તેમાં શબને અર્પણ કરાયેલી ભેટસોગાદોનો સંગ્રહ છે. પિરામિડની ચારે બાજુઓની બાહ્ય સપાટી ગ્રૅનાઇટના પથ્થરોથી બની હતી. ઈ. સ. 820માં ખલીફ અલ્ મામૂન રાજાના દફનખંડમાં ઘૂસ્યો, પણ  તેને માત્ર અપૂર્ણ હાલતમાં શબપેટી જ મળી. જેને માટે આ પિરામિડ બંધાયો તે રાજા ચેઓપ્સનું મમી (શબ) હાથ લાગ્યું નહિ.

ટ્રૂ પિરામિડ : ભૌમિતિક આકારની ર્દષ્ટિએ જેને ‘સાચા’ પિરામિડ કહી શકાય તેવા ટ્રૂ પિરામિડ બાંધવાની શરૂઆત ઈ. સ. પૂ. 2600માં ચોથા રાજવંશ દરમિયાન થઈ. ટ્રૂ પિરામિડના હયાત નમૂનાઓમાંથી કોઈ પણ બેનાં કદ કે સ્થાપત્યની ડિઝાઇનમાં એકવાક્યતા નથી, માત્ર તેમનો પ્લાન સરખો છે.

ટ્રૂ પિરામિડનો પ્લાન : રાજાના મૃત્યુ પછી નાઇલની પશ્ચિમે આવેલા રણમાંના મંદિરમાં શબને શુદ્ધીકરણ અને દ્રવ્યલેપન માટે લઈ જવામાં આવતું હતું. આ પ્રકારના મંદિરમાંનો શ્રેષ્ઠ હયાત નમૂનો ચેફ્રેન પિરામિડ સંકુલના મંદિરનો છે. પૉલિશ કરેલા ગ્રૅનાઇટ પથ્થરોની જાડી દીવાલો તદ્દન બિન-અલંકૃત છે; માત્ર બે દરવાજે રાજાનું નામ જ કોતર્યું છે. મંદિરમાંથી પશ્ચિમ દિશા તરફ જતી લાંબી પરસાળ આ મંદિરને શબ રાખવા માટેના મંદિર સાથે જોડે છે. તે ચિત્રોથી અલંકૃત છે. શબ રાખવા માટેના મંદિરનાં 5 અંગો છે : સ્વાગત ખંડ, ચારેય બાજુ પરસાળથી ઘેરાયેલો ખુલ્લો ચૉક, મૂર્તિ માટેના 5 ગોખલા, કોઠાર અને પિરામિડની પૂર્વ દિશાએ આવેલું ગર્ભગૃહ. મંદિરની અંદરની દીવાલો પર ધાર્મિક ઉત્સવો અને રાજાના જીવનના મહત્વના પ્રસંગો ઉપસાવીને કોતરેલા તેમજ ચીતરેલા છે. સ્વાગતખંડ અને ખુલ્લા ચોકમાં રાજાના દેવો તેમજ રાણી સાથેનાં પૂર્ણ શિલ્પ મૂક્યાં છે. પિરામિડ અને શબ રાખવાના મંદિર ફરતે કોટ છે. આ રીતે રચાતા પ્રાંગણમાં નાના પિરામિડો પણ છે, જે રાણીઓ માટેની કબર છે. સ્ટેપ પિરામિડથી વિપરીત અહીં ટ્રૂ પિરામિડમાં દફનખંડ જમીનની સપાટીથી નીચે ભૂગર્ભમાં નહિ, પણ જમીનની સપાટી પર કે ક્યારેક જમીનની સપાટીની પણ ઉપર મકાનની વચ્ચોવચ આવેલો હોય છે.

કેટલાક ટ્રૂ પિરામિડમાં એકથી વધુ દફનખંડ હોય છે. સ્નૉર્ફુ ખાતે આવેલા બેન્ટ પિરામિડમાં દ્વિતીય દફનખંડમાં જવા માટે જમીનની સપાટીની ઉપર જુદું પ્રવેશદ્વાર છે.

ગ્રેટ પિરામિડ : ટ્રૂ પિરામિડ શ્રેણીના ‘ધ ગ્રેટ પિરામિડ’માં રાજા ચેઓપ્સને દફનાવેલ છે. તેનો પ્લાન 755 x 755 ફૂટ (230 x 230 મીટર) છે, ઊંચાઈ 481.4 ફૂટ (146.7 મીટર) છે. ટોચના 31 ફૂટ(9.4 મીટર)નું બાંધકામ તૂટી ગયું છે; તેથી હાલમાં હયાત નથી. પાયો 13.1 એકર (5.3 હેક્ટર) જમીન રોકે છે. આ પિરામિડ બાંધતાં 2.5 ટનનો એક એવા અંદાજે 23,00,000 પથ્થરના ટુકડા વપરાયા હોવા જોઈએ. આ પિરામિડમાં 3 દફનખંડ છે, જેમાંથી એક ભૂગર્ભમાં છે.

પિરામિડના બાંધકામ(body)ની વચ્ચે આવેલા બે દફનખંડ અલગ અલગ ઊંચાઈએ છે; તેમાંથી એક રાજાનો અને એક રાણીનો છે.

આ બે દફનખંડ 153 ફૂટ (47 મીટર) લાંબી અને 28 ફૂટ (8.5 મીટર) ઊંચી ગૅલરી વડે જોડાયેલા છે. આથી ગૅલરીની છત કમાનાકાર છે. રાજાના દફનખંડમાં ગ્રૅનાઇટની બનાવેલી દફનપેટી છે, છતની ઉપર 5 અલગ અલગ ખંડ છે, જેમાંથી ચારમાં સીધી અને એકમાં કોણાકાર છત છે. છતની આવી સંકુલ બાંધણીનો હેતુ એ જણાય છે કે રાજાના દફનખંડની છત પર લાખો ટનનું વજન સીધું ન આવી પડે. રાજાના દફનખંડની ઉત્તર અને દક્ષિણ દિશાએથી લંબચોરસ આકારની 8 ઇંચ પહોળી નાની સુરંગો નીકળી પિરામિડની બહારની ત્રિકોણાકાર દીવાલો સુધી પહોંચે છે. આ સુરંગ માર્ગોનો હેતુ હજુ સુધી સમજાયો નથી.

પિરામિડની બાંધણી : અસંખ્ય મજૂરોની સહાય લેવા છતાં પિરામિડની બાંધણીમાં વર્ષો લાગ્યાં હોવાં જોઈએ. પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર હિરોડૉટ્સ ઈ. પૂ. 450ની સાલમાં તેના પુસ્તક ‘હિસ્ટરી’માં લખે છે : સેંકડોના જૂથમાં મજૂરો કામ કરતા. પથ્થર ઘસડીને બાંધકામના સ્થળે લઈ જવા માટેના રસ્તા અને ભૂગર્ભખંડો તૈયાર કરવામાં જ 10 વરસ લાગતાં. આ પછી પિરામિડની બાંધણી પાછળ બીજાં 20 વરસ લાગતાં. જમીનને ચોકસાઈપૂર્વક સમતલ કરવામાં આવતી અને ચોરસ પ્લાનના ચારેય ખૂણા એક વર્તુળમાં હોય તેની ચોકસાઈપૂર્વક ચકાસણી થતી.

બાંધણીની તૈયારી થતાં પહેલાં જ ખાણમાંથી પથ્થર ખોદવાની પ્રવૃત્તિ હાથ ધરાતી. પિરામિડની બાહ્ય સપાટીમાં વપરાતો ઊંચી કક્ષાનો ચૂના-પથ્થર (lime stone) ગિઝા અને સક્કારાહથી દૂર આવેલ તુરાની  ખાણોમાંથી મળતો. 800 કિમી. દૂર આસ્વાન ખાતેથી મળતો ગ્રૅનાઇટ નાઇલ નદીમાં નૌકાઓ મારફત લવાતો. પિરામિડ બાંધવાના સ્થાનિક સ્થળેથી મળતો પથ્થર પિરામિડ માટેના પથ્થર ખસેડવાના રસ્તા બાંધવા વપરાતો.

પિરામિડના પ્લાનના કેન્દ્રથી શરૂ કરીને ચોતરફ વિસ્તરીને પિરામિડનું બાંધકામ થતું. આ રીતે પિરામિડનો નીચેનો પટ્ટો બાંધ્યા પછી જ વિશાળ કદના પથ્થરોને વધુ ને વધુ ઉપર ચડાવવાની ખરી મુશ્કેલી શરૂ થતી. આ મુશ્કેલી ઈંટો વડે બનાવેલ કામચલાઉ ઢોળાવ વડે દૂર થતી. જેમ જેમ પિરામિડ ઊંચો થતો જતો તેમ તેમ આ ઢોળાવ લંબાવવામાં આવતો. લાકડાનાં નળાકાર સાધનો કે સ્લેજગાડી વડે પથ્થરો ઢોળાવ પર ઉપર ચડાવાતા. બાંધકામ પૂરું થતાં 4 ત્રાંસી બાહ્ય દીવાલો (બાજુઓ) પર પગને ટેકો મળે તે માટે પગથિયાં સ્વરૂપે પાતળી પાળો રખાતી. ટોચને સુવર્ણના પડથી સજાવ્યા બાદ ઢોળાવ અને પાળાઓનો ઉપરથી શરૂ કરીને નીચે તરફ નાશ કરવામાં આવતો.

પિરામિડની સાર્થકતા : પ્રાચીન ઇજિપ્તની દફનવિધિ ધાર્મિક અને જાદુ-ટોણાંથી પ્રેરિત હતી. રાજવંશની અગાઉના સમયમાં શબને રણમાં છીછરી ઊંડાઈએ દાટી દેવાતું. ઈ. પૂ. 3100 અગાઉ રાજવંશના સમયમાં ધનિકોએ શબ ઉપર ‘મસ્તાબા’ (ઈંટોની બનેલી ઘનાકાર બાંધણી) બાંધવા શરૂ કર્યા. સ્થાપત્યના ર્દષ્ટિબિંદુથી આ બાંધણીનો કોઈ હેતુ કે ઉપયોગિતા હોય એવું જણાતું નથી, તેથી તેનો માત્ર ધાર્મિક વિધિનો હેતુ હશે એવું અનુમાન છે.

રાજા અને રાજવી કુટુંબના સભ્યો મૃત્યુ પછી સૂર્યદેવ અને અન્ય દેવો સાથે પણ પુનર્જીવન પ્રાપ્ત કરે છે તેવી પ્રાચીન ઇજિપ્તની માન્યતા હતી, તેથી મૃત શરીરને મમી બનાવી પિરામિડમાં પુનર્જીવનની આશા સાથે સંભાળપૂર્વક મૂકી રાખવામાં આવતું.

(2) મંદિરો : વિરાટકાય પિરામિડો ઉપરાંત ઇજિપ્તમાં વિરાટકાય પ્રાચીન મંદિરો પણ બંધાયાં. ઇજિપ્તમાં કમાન અને ઘુમ્મટનો ઉપયોગ કર્યા વગર જ વિરાટ અને અતિ ઊંચાં સ્થાપત્યો સર્જાયાં. કર્નાક ખાતે રાણી હાત્શેપ્સુતે બંધાવેલ અમુન મંદિરના સ્તંભોનો વ્યાસ તળિયા આગળ 3 મી.થી પણ વધુ અને સ્તંભોની ઊંચાઈ લગભગ 15 મી.થી પણ વધુ છે.

ઈસુ પૂર્વે ત્રીજી સહસ્રાબ્દીમાં પાંચમા રાજવંશ દરમિયાન સૂર્ય-મંદિરો બંધાવવાની પ્રણાલિકા અસ્તિત્વમાં આવી. આમાંથી આજે નાઇલને પશ્ચિમ કિનારે ઉસેર્કાફ અને નુસેરા ખાતે એમ માત્ર 2 જ મંદિરો ભગ્ન સ્વરૂપે બચ્યાં છે. આ સૂર્યમંદિરોનો આકાર પિરામિડોને મળતો આવે છે. સૂર્ય-મંદિરો વધુ સીધાં અને ઊંચાં છે અને પિરામિડની નજીકમાં જ આવેલાં છે. મંદિરની બહાર ખુલ્લા પ્રાંગણમાં સૂર્યની પૂજા થતી. પ્રાંગણમાં ઑબાલિસ્ક(ત્રિકોણાકાર નક્કર મિનાર)ની રચના થતી. આ સિવાય બચેલાં મંદિરોમાંથી મોટા ભાગનાં થીબ્ઝ નગરમાં આવેલ છે. સ્તંભના આકારમાં પેપિરસ છોડના થડનું અનુકરણ જણાય છે. સ્તંભના શીર્ષ ભાગે છોડનાં ડાળી-ડાળખાં અને પર્ણોના જૂથનું અનુકરણ જોવા મળે છે. ઇજિપ્તના આ પ્રકારના સ્તંભોની શૈલીનો ગ્રીસના ડૉરિક શૈલીના સ્થાપત્ય પર પ્રભાવ પડ્યો હતો.  ઈસુ પૂર્વેની પાંચમીથી ત્રીજી સહસ્રાબ્દી દરમિયાન બંધાયેલ મંદિરોમાંથી માત્ર થોડા ટુકડા જ બચ્યા છે. એ ભગ્નાવશેષો નવનિર્માણમાં વપરાયા. ઈસુ પૂર્વે પહેલી સહસ્રાબ્દીથી મેસોપોટેમિયા, રોમ અને ગ્રીસની અસર ઇજિપ્તના સ્થાપત્ય પર પ્રભાવક રીતે ઝિલાઈ. ડેન્ડેરા ખાતે આવેલ હાથોરના મંદિરમાં નવા પ્રકારનું સ્તંભ-શીર્ષ પ્રયોજાયું છે, જે ‘હાથોર’ નામે વિખ્યાત બન્યું. તેમાં 4 દિશાઓમાં માથે બાંધેલ વસ્ત્ર-આવરણ સાથેનાં 4 અર્ધમૂર્ત માનવમસ્તિષ્કો કોતરાયાં છે. સ્તંભો પરના આલેખનમાં Ptolemyh અને Neroનાં નામ પણ કોતરાયેલાં મળી આવ્યાં છે. ઈસુ પૂર્વે એકત્રીસમાં સામ્રાજ્ઞી ક્લિયોપેટ્રાની યુદ્ધમાં હાર થઈ અને તેણે આત્મઘાત કર્યો. તે પછી સ્થાપત્યમાં રોમન શૈલીનો પ્રભાવ વધી જવા પામ્યો. એડ્ફુ ખાતે આવેલ હોરુસના મંદિરનાં સ્તંભશીર્ષના સુશોભનમાં કમળપત્રોનું અને કળીઓના ચિત્ર-ઘટકોનું અનુકરણ જોવા મળે છે. સ્તંભો વચ્ચે સ્તંભોથી અડધી ઊંચાઈની દીવાલો છે. ફિલાઈ ખાતે આવેલ આઇસિસના મંદિરનાં સ્તંભ-શીર્ષની શૈલીમાં ગ્રીસની કૉરિન્થિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે.

અમિતાભ મડિયા