આશ્રમશાળા : શ્રમ, સેવા અને સ્વાધ્યાય પર આધારિત કેળવણી આપતી નિવાસી શાળા. ભારતવર્ષમાં આર્યોના સમયથી શિક્ષણમાં ‘આશ્રમશાળા’ વિશેના ઉલ્લેખો મળે છે. કૃષ્ણ અને સુદામા સાંદીપનિની આશ્રમશાળામાં જ ભણેલા.

કાળાંતરે, વિશેષે કરીને અંગ્રેજકાળમાં આ પ્રથા ઘસાઈ ગઈ. આમ છતાં આર્યસમાજી ‘ગુરુકુળ’ અને રવીન્દ્રનાથ ટાગોરના ‘શાંતિનિકેતન’ રૂપે આ આશ્રમશાળાઓના નમૂના અંગ્રેજોના સમય દરમિયાન પણ અસ્તિત્વ ધરાવતા હતા.

પણ આજે ‘આશ્રમશાળા’ રૂપે જે શિક્ષણવ્યવસ્થા પાંગરી છે તેનું શ્રેય તો મહાત્મા ગાંધીજીને ફાળે જાય છે. તેમણે તેમના દ. આફ્રિકાના વસવાટ દરમિયાન તથા ભારત આવ્યા પછી પોતાના આશ્રમમાં આશ્રમવાસીઓનાં બાળકો માટે જે શિક્ષણના પ્રયોગો કર્યા તેમાંથી ‘આશ્રમશાળા’ રૂપે રાષ્ટ્રીય શિક્ષણનું નવસંસ્કરણ થયું.

Kaprada

આશ્રમશાળા, કપરાડા – ગુજરાત

સૌ. "Kaprada" | CC BY-SA 4.0

આ ‘આશ્રમશાળા’માં બુનિયાદી શિક્ષણને મહત્વ અપાય છે. બુનિયાદી શિક્ષણનું આ સ્વરૂપ ખીલવવામાં કાકાસાહેબ, કિશોરલાલભાઈ અને વિનોબાજીનું પ્રદાન ઘણું મોટું છે. ગુજરાતમાં ગૂજરાત વિદ્યાપીઠ, નાનાભાઈ ભટ્ટ અને જુગતરામ દવેએ ‘આશ્રમશાળા’ શિક્ષણમાં છેક પૂર્વબુનિયાદી(બાલવાડી)થી માંડી ગ્રામવિદ્યાપીઠ સુધીનું આશ્રમી કેળવણીનું શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સ્વરૂપ ખીલવ્યું છે. તેના પ્રતાપે આજે ગુજરાતમાં પ્રાથમિક કક્ષાએ 250, માધ્યમિક કક્ષાએ 300, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ 50 અને ઉચ્ચ શિક્ષણમાં 10 ‘આશ્રમશાળા’ઓ કામ કરી રહી છે.

આશ્રમશાળા પાછળની મૂળ વિભાવના એ છે કે ભારતવર્ષની સંસ્કૃતિને અનુરૂપ અને આજના સમાજની જરૂરિયાતને પોષક એવી નિવાસી શાળાઓ દ્વારા ઉદ્યોગ, સમૂહજીવન અને સમાજસેવાના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્વાશ્રયી, સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવી તેમના ભાવિ જીવન માટે તૈયાર કરવા. ટેવઘડતર અને ગુણવિકાસ પર આવી શાળાઓમાં ખાસ ભાર મુકાય છે.

આજનો સમાજ શ્રમજીવી અને બુદ્ધિજીવી એવા બે વિભાગમાં વહેંચાઈ ગયો છે. આશ્રમશાળા આ બંનેનો સમન્વય કરી જેના હાથ-પગ કેળવાયેલા છે, બુદ્ધિ તેજસ્વી છે અને હૃદય સંવેદનશીલ છે એવો સર્વાંગીણ કેળવણી પામેલો નાગરિક ઘડવાની ઉમેદ ધરાવે છે. જીવનનાં શાશ્વત મૂલ્યોને સાચવીને જમાનાની જરૂરિયાતને અનુરૂપ પરિવર્તનો પચાવવાની આશ્રમશાળાની કેળવણીમાં પૂરી ક્ષમતા અને ગતિશીલતા છે. ભારત માટે ‘રાષ્ટ્રીય કેળવણી’નો આ એક ઉત્તમ નમૂનો છે.

ગોવિંદભાઈ રાવલ