આવાં ગાર્દ

January, 2002

આવાં ગાર્દ (Avant Garde) : કલા અને સાહિત્યના ઇતિહાસમાં વપરાતી સંજ્ઞા. મૂળે આ સંજ્ઞા યુદ્ધક્ષેત્રમાંથી આવેલી છે. ઇટાલિયનમાં ‘અવાન્તિ’ અને ફ્રેન્ચમાં ‘આવાં’નો અર્થ છે ‘મોખરે’. ‘મોખરે રહેતા સૈનિક’ સંદર્ભે પ્રયોજાતી આ સંજ્ઞા ઓગણીસમી સદીની છેલ્લી પચ્ચીસીમાં યુદ્ધક્ષેત્રમાંથી ખસીને સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે પ્રવેશીને, ક્રમશ: કલા અને સાહિત્યના ક્ષેત્રમાં સ્થિર થયેલી છે.

કોઈ પણ સાહિત્ય અને કલાની પરંપરા એમાં આવતાં નૂતન પ્રસ્થાનો, કશાંક નવાં ક્રાંતિકારી તત્વોને કારણે જીવિત રહે છે. પરંપરા કોઈ નિર્જીવ વસ્તુ નથી, પરંતુ નવીન પ્રક્રિયાથી અને નવાં પ્રચલનોથી સતત પરિવર્તિત થતી રહેતી અને સાતત્ય જાળવતી ચેતના છે. પ્રસ્થાપિત રૂઢિઓને તોડી, દૃઢ થયેલાં મૂલ્યોનો ઉચ્છેદ કરી, રીત્યંતર લાવનાર અને પોતાના સમયથી ખૂબ આગળ વધી જનાર નવા માર્ગના પ્રવર્તકો ‘આવાં ગાર્દ’ તરીકે ઓળખાય છે. ‘આવાં ગાર્દ’ સાથે નૂતન કાર્યપદ્ધતિ અને વિચારસરણી સંકળાયેલી છે.

વાસ્તવવાદી અને પ્રતિનિધાનવાદી યુરોપીય સાહિત્યચેતનામાં પ્રતીક, સંદિગ્ધતા અને સૂચનાત્મકતાથી આમૂલ પરિવર્તન લાવનાર બૉદલેર, કે રૅમ્બો જેવા પ્રતીકવાદી સર્જકોને આજે પણ ‘આવાં ગાર્દ’ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન પરંપરાનો વિચ્છેદ કરી અર્વાચીન તત્વોનો ઉન્મેષ દાખવનાર નર્મદ કે અર્વાચીન પરંપરાનો વિચ્છેદ કરી આધુનિક તત્વોનો પ્રવેશ કરાવનાર સુરેશ જોષી, લાભશંકર ઠાકર કે સિતાંશુ યશશ્ચન્દ્ર આ અર્થમાં ‘આવાં ગાર્દ’ સર્જકો છે.

ચન્દ્રકાન્ત ટોપીવાલા