આલ્વેન, હાનેસ (જ. 30 મે 1908, નૉરકૂપિંગ સ્વીડન; અ. 2 એપ્રિલ 1995 ડેનડરયાડ, સ્વીડન) : ભૌતિક ખગોળશાસ્ત્રી. પ્લાઝ્મા ભૌતિકશાસ્ત્રની આગવી શાખાની સ્થાપના માટે પાયાનું પ્રદાન કરવા માટે ફ્રાન્સના લુઈ નીલ સાથે 1970ના નોબેલ પુરસ્કાર વિજેતા. 1934માં અપ્સલા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. 1940માં સ્ટૉકહોમની ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી’માં પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. 1967થી કૅલિફૉર્નિયા યુનિવર્સિટી તેમજ ઑસ્લોની રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણકાર્ય કર્યું હતુ.

હાનેસ આલ્વેન

હાનેસ આલ્વેન

ચુંબકીય ઝંઝાવાત અને ધ્રુવીય જ્યોતિ (aurora) અંગેના તેમના સંશોધને પૃથ્વીના ચુંબકમંડળ (magnetosphere) અંગેના આધુનિક સિદ્ધાંત ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. પ્લાઝ્મા(ઊંચા તાપમાને વાયુસ્વરૂપમાં આવેલાં પરમાણુકેન્દ્રો અને ઇલેક્ટ્રૉનનો સંચય)ની ચુંબકક્ષેત્રમાંની સ્થિતિ અંગેનું આલ્વેનનું સંશોધન પથદર્શક (pioneering) હતું. ન્યુક્લિયર સંલયન(fusion)ની પ્રક્રિયાને અંકુશમાં રાખવા માટે તે અગત્યનું ગણાયું છે. અંતરીક્ષ ભૌતિકશાસ્ત્રમાંનું પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની પ્રક્રિયા અંગેનું ‘ફ્રોઝન-ઇન-ફ્લક્સ’ પ્રમેય તેમનું અગત્યનું પ્રદાન હતુ. આનો ઉપયોગ તેમણે કૉસ્મિક કિરણોની ઉત્પત્તિ સમજાવવા માટે કર્યો હતો.

એરચ મા. બલસારા