આર્યભટ (ઉપગ્રહ)

January, 2002

આર્યભટ : ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ. ‘આર્યભટ’ સોવિયેત રશિયાના ટૅકનિકલ સહકારથી ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન (ISRO) દ્વારા બૅંગાલુરુમાં તૈયાર કરવામાં આવ્યો હતો. સોવિયેત રશિયાના અંતરીક્ષમથકેથી, સોવિયેત રૉકેટ ઇન્ટરકૉસ્મૉસની મદદથી 19 એપ્રિલ, 1975ના રોજ ‘આર્યભટ’ 600 કિમી.ની લગભગ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ‘આર્યભટ’ લગભગ 96 મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરતો હતો અને એ રીતે દિવસમાં તે લગભગ 15 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરતો હતો.

આર્યભટ

‘આર્યભટ’નો આકાર 26 પાસાંવાળા હીરા જેવો હતો, જ્યારે તેનું વજન લગભગ 360 કિગ્રા. હતું. ‘આર્યભટ’નાં અમુક મહત્ત્વનાં ઉપ-તંત્રો જેવાં કે રાસાયણિક બૅટરી, સૌર કોષ, ટેપરેકૉર્ડર અને ચાક-તંત્ર સોવિયેત રશિયા તરફથી મળ્યાં હતાં, જ્યારે અન્ય ઉપતંત્રો ભારતમાં તૈયાર કરવામાં આવ્યાં હતાં.

‘આર્યભટ’માં અંતરીક્ષ ભૌતિકવિજ્ઞાન અંગેના નીચેના ત્રણ જુદા જુદા પ્રયોગો માટેનાં વૈજ્ઞાનિક ઉપકરણો રાખવામાં આવ્યાં હતાં :

* આયનમંડળ સંબંધિત

* સૌર ભૌતિકવિજ્ઞાનસંબંધિત

* X-કિરણ ખગોળવિજ્ઞાન સંબંધિત

પ્રક્ષેપિત થયા પછી આર્યભટના વિદ્યુતશક્તિ ઉપતંત્રમાં અણધારી મુશ્કેલી ઊભી થવાથી આ પ્રયોગો બંધ રાખવા પડ્યા હતા, તેમ છતાં ઉપગ્રહનાં અન્ય ઉપતંત્રો અપેક્ષા પ્રમાણે કાર્ય કરતાં હતાં.

પરંતપ પાઠક