આર્પ, ઝાં હાન્સ

January, 2002

આર્પ, ઝાં હાન્સ (જ. 16 સપ્ટેમ્બર 1887; અ. 7 જૂન 1966, બેઝલ સ્વિટ્ઝર્લૅન્ડ) : ફ્રેન્ચ શિલ્પી, ચિત્રકાર અને કવિ. હાન્સ આર્પ યુરોપના કલાક્ષેત્રે વીસમી સદીના પૂર્વાર્ધમાં ‘આવાં ગાર્દ’ યાને નવોદિત યુવા કલાકારોના નેતા હતા. તેમણે વતન સ્ટ્રાસબૉર્ગમાં કલાની તાલીમ મેળવી હતી. પછી જર્મનીના વૈમરમાં અભ્યાસ કર્યો અને પૅરિસમાં અકાદમી જુલિયનમાં કલાનો અભ્યાસ કર્યો 1915માં તેમણે સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિક શહેરમાં રંગીન કાગળ પર કેટલાંક અમૂર્ત (abstract) ભૌમિતિક ‘કૉલાજો’ તૈયાર કર્યાં હતાં. 1916થી 1919 સુધી ઝુરિચમાં ‘દાદા’ આંદોલનમાં ભાગ લીધો હતો. તે ‘દાદા’ આંદોલનના એક સ્થાપક ગણાયેલ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તે 1924 સુધી જર્મનીમાં રહ્યા હતા. 1921માં તેમનું લગ્ન કલાકાર સોફી ભઉલર સાથે થયું હતું. વીસમી સદીના ત્રીજા દાયકામાં તે પરાવાસ્તવવાદી (surrealist) જૂથના સંપર્કમાં હતા. 1930માં સર્કલ એત કારે મંડળીના સભ્ય બન્યા. એ જ વર્ષે તેમણે ફાડેલા કાગળોમાંથી કલાકૃતિઓ રચી. 1931માં અમૂર્તસર્જન આંદોલનમાં ભાગ લીધો હતો. 1943માં ચોળાયેલા કાગળોમાંથી કલાકૃતિઓ સર્જી. બીજા વિશ્વયુદ્ધ પછી મેઉદોનમાં વસીને અમૂર્ત રૂપ, રંગના પ્રયોગો કર્યા અને કવિતા લખી. 1930 પછી પથ્થર, કાંસાં અને કાષ્ઠમાં શિલ્પો તૈયાર કરેલાં.

DenHaag23

ઝાં આર્પ દ્વારા બનાવેલ શિલ્પ, હેગ (નેધરલેન્ડ)

સૌ. "DenHaag23" | CC BY-SA 3.0

કૃષ્ણવદન જેટલી