આર્નલ્ડ, એડવિન (સર)

January, 2002

આર્નલ્ડ, એડવિન (સર) (જ. 10 જૂન 1832, ગ્રેવ્ઝેન્ડ, અ. 24 માર્ચ 1904 લંડન) : અંગ્રેજ કવિ અને પત્રકાર. સસેક્સના ગ્રેવ્ઝેન્ડમાં મૅજિસ્ટ્રેટ કુટુંબમાં જન્મ. ઉચ્ચ શિક્ષણ કિંગ્ઝ કૉલેજ, લંડન અને ઑક્સફર્ડમાં. 1852માં ‘બેલ્શઝાર ફીસ્ટ’ – એ શ્રેષ્ઠ કાવ્યકૃતિ માટે તેમને ‘ન્યૂડિગેટ’ પારિતોષિક મળ્યું હતું. તેમના પ્રથમ કાવ્યસંગ્રહનું પ્રકાશન ‘પોએમ્સ નૅરેટિવ ઍન્ડ લિરિકલ’ એ નામથી 1853માં થયું. થોડો સમય કિંગ એડવર્ડ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે કામ કર્યું. 1856થી 1861 સુધી પુણેની સરકારી ડેક્કન કૉલેજના આચાર્ય તરીકે રહ્યા. ત્યાં તેમણે ભારતીય ભાષાઓ ઉપરાંત તુર્કી અને ફારસી ભાષાનો અભ્યાસ કર્યો. 1860માં ‘એજ્યુકેશન ઇન ઇન્ડિયા : અ લેટર’ અને 1861માં સંસ્કૃત સુભાષિતોનું અંગ્રેજી ભાષાંતર પ્રકાશિત થયું. તે જ વર્ષે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ‘ધ ડેલી ટેલિગ્રાફ ઑવ્ લંડન’ના તંત્રી પદે વીસ વર્ષ સુધી કામ કર્યું.

આર્નલ્ડની શ્રેષ્ઠ કૃતિ ‘ધ લાઇટ ઑવ્ એશિયા’(1879)માં મહાકાવ્યના વ્યાપ અને બ્લક વર્સની મુક્ત નિરૂપણરીતિ દ્વારા ગૌતમ બુદ્ધનાં જીવન અને ઉપદેશનું વિસ્તૃત આલેખન થયેલું છે. ગુજરાતીમાં એનું રસવાહી પદ્ય ભાષાંતર કવિ-વિવેચક નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ ‘બુદ્ધચરિત’ (1934) નામે કરેલું છે.

‘ઇન્ડિયા રિવિઝિટેડ’ (1886) અને સત્યઘટના પર આધારિત નવલકથા ‘ધ ક્વીન્સ જસ્ટિસ’ (1899) જેવી કૃતિઓમાં ભારત, જાપાન અને પૂર્વના દેશોના વિશાળ પ્રવાસનો તેમનો અનુભવ ગૂંથાયેલો છે.

1888માં બ્રિટિશ સરકારે તેમને કે.સી.આઇ.ઇ.(નાઇટ કમાન્ડર ઑવ્ ઇન્ડિયન એમ્પાયર)નો ખિતાબ આપ્યો હતો. ખ્રિસ્તી ધર્મ અંગેની એમની કૃતિ ‘ધ લાઇટ ઑવ્ ધ વર્લ્ડ’ 1891માં પ્રગટ થઈ હતી.

સુરેશ શુક્લ