આર્થિક ભૂસ્તરશાસ્ત્ર

January, 2002

આર્થિક ભૂસ્તરશાસ્ત્ર (Economic Geology) : ભૂસ્તરશાસ્ત્રની એક શાખા. આ શાખા વિશેષે કરીને રાષ્ટ્રના આર્થિક માળખાના સંદર્ભમાં એક અતિ મહત્વની શાખા છે. પૃથ્વીના પોપડાના આર્થિક અને વ્યાવહારિક દૃષ્ટિએ ઉપયોગી બની શકે એવા ખડકો અને ખનિજોના સમુદાય સાથે તે ગાઢ સંબંધ ધરાવે છે. આર્થિક ભૂસ્તરશાસ્ત્રની કાર્યક્ષેત્રસીમામાં માત્ર ધાતુખનિજનિક્ષેપો જ નહિ, પરંતુ જેનું મૂલ્ય ધાતુખનિજો કરતાં ત્રણથી ચારગણું આકારી શકાય એવા અધાતુખનિજનિક્ષેપો તેમજ ઔદ્યોગિક-ખનિજ દ્રવ્યોનાં વિશાળ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. ખાણવિષયક ભૂસ્તરશાસ્ત્ર અને પેટ્રોલિયમ ભૂસ્તરશાસ્ત્ર પણ આર્થિક ભૂસ્તરશાસ્ત્રની જ મહત્વની ઉપશાખાઓ ગણાય. વિવિધ પ્રકારનાં બાંધકામ માટે યોગ્ય ખડકોનો ઉપયોગ કરવાની બાબતમાં ઇજનેરી ભૂસ્તરશાસ્ત્ર પણ આર્થિક ભૂસ્તરશાસ્ત્રના એક ઉપાંગ તરીકે મહત્ત્વનું પ્રદાન કરે છે. આ શાખાને જરા વિસ્તારપૂર્વક જોતાં આર્થિક ખનિજોમાં ઉમદા (noble) ધાતુઓ, કીમતી અર્ધકીમતી રત્નો-ઉપરત્નો, ઇંધનયોગ્ય ખનિજો, કિરણોત્સારી ખનિજો, લોહ-બિનલોહ ખનિજો, અગ્નિરોધક અને ઘર્ષક ખનિજો, કૃત્રિમ ખાતરયોગ્ય ખનિજ દ્રવ્યો, સિમેન્ટ અને કાચ માટેનાં ખનિજદ્રવ્યો તેમજ વિવિધ હેતુઓ માટેનાં અન્ય ઔદ્યોગિક ખનિજદ્રવ્યોનો સમાવેશ કરી શકાય. આ તમામ, આર્થિક ભૂસ્તરશાસ્ત્રના સીમા-ક્ષેત્રમાં જ આવે છે. તે પૈકીનાં મોટા ભાગનાં ખનિજો મૅગ્મા કે લાવાજન્ય પ્રક્રિયાથી, જળકૃત કે વિકૃતિ-પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલી પેદાશો છે. ભૂગર્ભજળ પણ આ સંદર્ભમાં ઘણો અગત્યનો ફાળો આપે છે. પૃથ્વીના પોપડાના ભિન્ન ભિન્ન વિભાગોમાં એક યા બીજા સ્વરૂપે રહેલાં આ મૂલ્યવાન દ્રવ્યો આજ સુધીના બે અબજ (2,000 મિલિયન) વર્ષ કે તેથી વધુ સમયના જુદા જુદા કાળગાળામાં કુદરતની વિવિધ પ્રવિધિઓ દ્વારા ઉત્પન્ન થતાં રહેલાં છે.

રાષ્ટ્રવિકાસ માટે જરૂરી નિક્ષેપોની ઉપલબ્ધિ માટે પોપડાના ખડકોનું ઉત્ખનન આવશ્યક બની રહે છે; જે મેળવીને તેમને શુદ્ધીકરણની ક્રિયાવિધિઓમાંથી જરૂરિયાત મુજબ પસાર કરીને, ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાય છે. આ રીતે રાષ્ટ્રીય સંપત્તિને સમૃદ્ધ કરવામાં આર્થિક ભૂસ્તરશાસ્ત્રનું પ્રદાન નાનુંસૂનું નથી. ખનિજ કે ખડકજથ્થાનાં પ્રમાણ અને ગુણવત્તા તેમનાં ઉત્પત્તિકાળના સંજોગો, સ્થાનીકરણ, માતૃદ્રવ્યો, પ્રાપ્તિઅવસ્થા, બંધારણ, કદ, આકાર તેમજ અન્ય સંબંધક પરિબળો પર અવલંબે છે. વળી તેમનાં સરળ પ્રાપ્તિ અને વ્યવસ્થિત ઉપયોગ માટેનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા નિષ્ણાત, અનુભવી આર્થિક ભૂસ્તરશાસ્ત્રીનું કૌશલ્ય માગી લે છે; ઉપરાંત, તૈયાર થયેલા માલનો મહત્તમ, શ્રેષ્ઠતમ અને વ્યાવહારિક ઉપયોગ કેવી રીતે કરવો-કરાવવો તે પણ તેની આવડત પર આધાર રાખે છે. વ્યક્તિગત રીતે પ્રત્યેક મનુષ્યની, પરંતુ સમગ્ર રીતે સમસ્ત રાષ્ટ્રની રોજબરોજની જરૂરિયાતો પૃથ્વીમાંથી મેળવવામાં આવતાં ખનિજદ્રવ્યો પર આધારિત હોય છે. ખનિજદ્રવ્યો એ રાષ્ટ્રની સંપત્તિ છે અને રાષ્ટ્રને સમૃદ્ધ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ રાષ્ટ્રનું આંતરદેશીય કે આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહત્વ, તેનો વિકાસ, તેની સંરક્ષણશક્તિ તથા તેનાં ઔદ્યોગિક કે સ્થાપિત હિતોના પાયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આર્થિક ભૂસ્તરશાસ્ત્રનું યોગદાન રહેલું દેખાઈ આવે છે. ખનિજસંપત્તિ જ્યાં, જેટલા પ્રમાણમાં જોઈએ ત્યાં, તેટલા પ્રમાણમાં મળી રહેવાની પરિસ્થિતિ કુદરતાધીન હોઈ, જે રાષ્ટ્ર પાસે જેટલી વધુ ખનિજસંપત્તિ હોય, તે રાષ્ટ્ર, વધુ શક્તિશાળી, વિકસિત અને સમૃદ્ધ ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ