આર્ટિકલ્સ ઑવ્ ઍસોસિયેશન

January, 2002

આર્ટિકલ્સ ઑવ્ ઍસોસિયેશન (Articles of Association) : જૉઇન્ટ સ્ટૉક કંપનીના આંતરિક વહીવટી અને વ્યવસ્થાના નિયમો તથા તેનાં ધારાધોરણોનો રજિસ્ટર્ડ દસ્તાવેજ.

આર્ટિકલ્સ ઑવ્ એસોસિયેશનમાં સામાન્યત: નીચેની બાબતો અંગેના નિયમોનો સમાવેશ થાય છે :

(ક) કંપનીની શૅરમૂડી : વિવિધ પ્રકારના શૅરમાં તેની ફાળવણી, મૂડીમાં પરિવર્તન કે તેની પુનર્રચના વગેરે;

(ખ) કંપનીના શૅર : વિવિધ પ્રકારના શૅર ધરાવનાર સભ્યોના અધિકારો તથા તેમની જવાબદારીઓ, શૅરફાળવણી તથા શૅરમૂડીના હપતાની વસૂલાત, શૅર સર્ટિફિકેટ, સ્ટૉક સર્ટિફિકેટ, શૅર વૉરંટ, સ્ટૉક વૉરંટ વગેરેની તબદીલી, શૅરમૂડી સંબંધી લિયન, જપ્તી, સોંપણી, પુન:ફાળવણી વગેરે;

(ગ) કંપનીના ડિરેક્ટરો : સંખ્યા, નિમણૂક, લાયકાત-ગેરલાયકાત, સત્તાઓ-અધિકારો, ફરજો-જવાબદારીઓ, મહેનતાણાં, નિવૃત્તિ, વળતર વગેરે;

(ઘ) કંપનીની વિવિધ સભાઓ : પ્રકાર, કાર્યવાહીઓ, નોટિસ, કાર્યસૂચિ, સભાસંચાલન, મતાધિકાર અને પ્રૉક્સી, સભાનોંધ વગેરે;

(ચ) કંપનીની હિસાબી વ્યવસ્થા : હિસાબી ચોપડા, હિસાબી પત્રકો, દસ્તાવેજો, અન્વેષકની નિમણૂક, અન્વેષણ, અન્વેષકના અહેવાલ, નફો, ડિવિડન્ડ, વગેરે;

(છ) કંપનીની વિત્તવ્યવસ્થા : નાણાકીય વહીવટ, નાણાકીય ભંડોળો, અનામતો, ફંડો વગેરે; કરજપ્રાપ્તિ સંબંધી સત્તાઓ તથા સત્તાની મર્યાદાઓ તેમજ તેને લગતી વિધિઓ વગેરે;

(જ) કંપનીનું વિસર્જન : કંપની સમેટી લેવા સંબંધી વિધિ, લિક્વિડેટરોની નિમણૂક તથા તેમની સત્તાઓ અને જવાબદારીઓ વગેરે.

કંપનીના આર્ટિકલ્સ એ કંપનીના ઉદ્દેશો પરિપૂર્ણ કરવા સંબંધી નિયમાવલી હોવાથી એ અપરિવર્તનક્ષમ અને જડ હોય એવી અપેક્ષા રાખવામાં આવતી નથી; એટલે આર્ટિકલ્સના સ્વરૂપ અંગેની કેટલીક ધારાકીય મર્યાદાઓમાં રહીને, સંયોગો પ્રમાણે કંપનીની સામાન્ય સભામાં જરૂરી ઠરાવો પસાર કરીને આર્ટિકલ્સમાં ઉચિત ફેરફાર કરી શકાય છે, પરંતુ કંપનીના બંધારણની તથા કંપની સંબંધી ધારાકીય વ્યવસ્થાઓની મર્યાદામાં રહીને જ આર્ટિકલ્સમાંની જોગવાઈઓનો અમલ થઈ શકે છે.

મર્યાદિત શૅરમૂડીવાળી પ્રત્યેક જાહેર કંપની તેના પોતાના અલગ સ્વતંત્ર આર્ટિકલ્સ ઘડી શકે છે, પરંતુ તેમ કરવું ફરજિયાત નથી; કેમ કે આવી કંપનીઓ કંપનીધારાની જોગવાઈઓમાં આપેલા નમૂના પ્રમાણેના આર્ટિકલ્સ અપનાવી શકે છે.

બાંયધરીથી મર્યાદિત અગર અમર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીઓ તથા ખાનગી કંપનીઓએ, તેમને લગતા વિશિષ્ટ આર્ટિકલ્સની જોગવાઈ રાખવી જોઈએ.

કંપનીના સભ્યોએ આર્ટિકલ્સ ઉપર સહીસિક્કા કરેલા હોતા નથી, તેમ છતાં તેમણે કે તેમના વાલીવારસોએ કે તેમના ધારાકીય અભિકર્તાઓએ જાણે કે તે પર સહીસિક્કા કરીને તે નિયમોનું પરિપાલન કરવાની ફરજનો સ્વીકાર કરેલો હોય એ રીતે, આર્ટિકલ્સમાંના નિયમો તેમને બંધનકર્તા રહે છે.

કંપનીના આર્ટિકલ્સ એ કંપની તથા તેના સભ્યો વચ્ચે કરારરૂપ હોય છે.

ધીરુભાઈ વેલવન