આર્ગૉસ : દક્ષિણ ગ્રીસમાં પેલોપોનેસસના નામથી ઓળખાતા પ્રદેશમાં આવેલું નગર. ગ્રીસના જૂનામાં જૂના શહેર તરીકે તે જાણીતું છે. હોમરના ઇલિયડમાં આર્ગીવ્ઝના મેદાનમાં આવેલી બધી વસાહતો આર્ગૉસના નામથી ઓળખાતી બતાવી છે. આ નગરને મુખ્ય મથક તરીકે રાખી, ડોરિયનોએ પેલોપોનેસસના પ્રદેશ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું. ઈ. પૂ. સાતમી સદીમાં આર્ગૉસના રાજા ફેઇડનના સમયમાં ગ્રીસનો પ્રથમ સિક્કો બહાર પાડવામાં આવ્યો. સ્પાર્ટાના ઉદય સાથે ઈ. પૂ. સાતમી સદીના અંતમાં તેની પડતીની શરૂઆત થઈ. તેમણે સ્પાર્ટા વિરુદ્ધ ઍથેન્સ સાથે સંધિનો આશ્રય લીધો. તે ઈ. પૂ. 229માં એકિયન લીગનું સભ્ય હતું. ઈ. પૂ. 146માં રોમે પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું. મધ્ય યુગમાં તે ઑટોમન સામ્રાજ્યનો ભાગ હતું. ગ્રીસના મુક્તિસંગ્રામ સમયે ઈ. સ. 1821માં ઇબ્રાહીમ પાશાએ તેને લૂંટીને બાળ્યું હતું. યુરોપમાં તેનું ઐતિહાસિક મહત્વ છે.

Ancient Argos - Theatre 2

પ્રાચીન આર્ગૉસનું એમ્ફિથિયેટર (રંગભૂમિ)

સૌ. "Ancient Argos - Theatre 2" | CC BY 3.0

જ. જ. જોશી