આમોણકર, કિશોરી

January, 2002

આમોણકર, કિશોરી (જ. 10 એપ્રિલ 1931, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાની વિખ્યાત ગાયિકા. ખયાલ-ગાયકીનાં સિદ્ધહસ્ત કલાકારોમાં તેમની ગણના કરવામાં આવે છે. તેમણે સંગીતની શિક્ષા નાનપણથી પોતાની માતા મોગુબાઈ કુર્ડીકર પાસેથી લીધી હતી. મોગુબાઈ ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અલ્લાદિયાખાં સાહેબનાં અગ્રણી શિષ્યા હતાં. મોગુબાઈ (1904-2001) ઉપરાંત પંડિત બાળકૃષ્ણબુવા પર્વતકર તથા મોહનરાવ પાલેકર પાસેથી પણ તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. કિશોરી માત્ર છ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થતાં તેમની કારકિર્દી પર મુખ્યત્વે માતાની જ અસર વરતાતી રહી છે.

કિશોરી આમોણકર

કિશોરી આમોણકર

કિશોરીનો કંઠ અત્યંત મધુર છે; એટલું જ નહિ, પરંતુ તેમના ગાયનમાં અટપટી, બિનપ્રણાલીગત છતાં ખૂબસૂરત તાનોનો સતત આવિષ્કાર થયાં કરે છે; જેના કારણે તેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે એક ‘વિદ્રોહી કલાકાર’ (rebel artist) તરીકે ઓળખાય છે. પ્રયોગશીલતા તેમની કારકિર્દીની લાક્ષણિકતા રહી છે. તેઓ જયપુર ઘરાનાનાં ગાયિકા તરીકે જાણીતાં હોવા છતાં અન્ય ઘરાનાની ખૂબીઓ આત્મસાત્ કરવામાં તેમણે કોઈ કસર કરેલ નથી. કોઈ વિશિષ્ટ રાગની રજૂઆત કરતી વેળાએ તેને વધુ સંવેદનશીલ બનાવવાના આશયથી તેઓ ઘણી વાર સંબંધિત રાગના મૂળ સ્વરૂપ સાથે તથા તેની સૂરાવલી સાથે અણધારી છૂટછાટ લેતાં હોય છે. તેના કારણે એક વિશિષ્ટ શૈલી વિકસાવવામાં તેમણે સફળતા મેળવી છે. આના કારણે જ તેમનું ગાયન ખૂબ લોકપ્રિય પણ બન્યું છે.

1952થી તેઓ આકાશવાણીનાં જુદાં જુદાં કેન્દ્રો પરથી ગાતાં રહ્યાં છે. 1957માં અમૃતસરમાં તેમનો પ્રથમ એકલ (solo) જાહેર કાર્યક્રમ થયો ત્યારથી દેશવિદેશનાં અનેક નગરોમાં તેમણે પોતાનું ગાયન પ્રસ્તુત કર્યું છે અને ખૂબ લોકચાહના મેળવી છે. શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉપશાસ્ત્રીય સંગીત અને મરાઠી ભક્તિસંગીતની તેમની રેકર્ડો અને કૅસેટો બહાર પડી છે.

1985-86માં તેમને સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ તથા ડિસેમ્બર, 1997માં તેમને સમ્રાટ સંગીત અકાદમી દ્વારા ‘સંગીતસમ્રાજ્ઞી’ ઍવૉર્ડ એનાયત કરાયા હતા. ‘સંગીતસમ્રાજ્ઞી’ ઍવૉર્ડ મેળવનાર તેઓ સૌપ્રથમ કલાકાર છે.

શાસ્ત્રીય સંગીત આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે એવી તેમની દૃઢ શ્રદ્ધા છે. તેઓ પોતાના વતન ગોવામાં ગુરુશિષ્યપરંપરાને આધીન ગુરુકુળની સ્થાપના કરવા પ્રયત્નશીલ છે.

તેમને નવેમ્બર, 2001માં છત્તીસગઢ રાજ્યનો ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે