આપટે, શાન્તા

January, 2002

આપટે, શાન્તા (જ. 17 જાન્યુઆરી 1920, Dudhni, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1964) : મરાઠી રંગભૂમિ તથા ફિલ્મની પ્રસિદ્ધ અભિનેત્રી. માતા પ્રસિદ્ધ સંગીતકાર હોવાથી, નાનપણથી જ સંગીતની તાલીમ મેળવેલી. નવ વર્ષની વયે માતાના ગુરુ ભાલ પેંઢારકરે સંગીત-સભામાં નવોદિત કલાકાર તરીકે તેનો પરિચય કરાવી, એની પાસે ગવડાવેલું અને પ્રથમ પ્રસ્તુતિએ જ એણે સંગીતકારોની પ્રશંસા પ્રાપ્ત કરેલી. તે પછી મરાઠી સંગીતનાટક ‘શ્યામસુંદર’માં તથા ‘સંગીતકાદંબરી’માં ભૂમિકા ભજવીને શાન્તા આપટેએ અભિનેત્રી તરીકે નામના પ્રાપ્ત કરેલી. પ્રભાત ફિલ્મના સ્થાપક શાંતારામે એને ફિલ્મના ક્ષેત્રમાં પ્રવેશ કરાવ્યો. મરાઠી ફિલ્મ ‘ગોપાળકૃષ્ણ’માં એણે રાધાની ભૂમિકા સફળતાથી ભજવી. તે પછી પ્રભાતની ફિલ્મ ‘કાદંબરી’માં એણે કામ કર્યું. મરાઠી અને હિન્દી ‘અમૃતમંથન’માં એણે મહત્વની ભૂમિકાઓ ભજવેલી. પરંતુ 1938માં ‘દુનિયા ન માને’ ફિલ્મમાં એક સામાજિક ક્રાંતિકારી સ્ત્રીની ભૂમિકા ભજવી, વૃદ્ધ પતિની સામે સફળતાપૂર્વક બંડ જગાવી, એણે ભારતની અભિનેત્રીઓમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું. એણે તે પછી પણ હિન્દી ‘દુહાઈ’ તથા ‘કુમકુમ’માં કામ કરેલું. એ પછી પંચોલી ફિલ્મની ‘જમીનદાર’ ફિલ્મમાં કામ કરવા એ લાહોર ગઈ હતી અને ‘સ્વયંસિદ્ધા’માં પણ ભૂમિકા ભજવવા ફરી લાહોર ગયેલી. એનો અભિનેત્રી તરીકેનો કીર્તિકાળ 1925થી 1940 સુધીનો ગણી શકાય.

શાન્તા આપટે

ચન્દ્રકાન્ત મહેતા