આપટે, ગોવિંદ સદાશિવ

January, 2002

આપટે, ગોવિંદ સદાશિવ (1866-1937) : વિખ્યાત ખગોળશાસ્ત્રી તથા બહુશ્રુત વિદ્વાન. મહારાષ્ટ્રના કર્હાડ તાલુકાના ખંડોબાચી પાલ ગામમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ત્યાં અને મૅટ્રિક સુધીનું માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધેલું. કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લશ્કર(ગ્વાલિયર)ની શિંદે સરકારની માસિક રૂપિયા ત્રણની શિષ્યવૃત્તિ પર ઉજ્જૈન ખાતે ઉચ્ચ શિક્ષણ લઈને ગણિત તથા ખગોળશાસ્ત્રમાં પારંગત થયા. શરૂઆતમાં શિક્ષક તરીકે અને તે પછી ઉજ્જૈન તથા ગ્વાલિયરની કૉલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી. તેમના પરિશ્રમ અને પ્રયત્નોથી ઉજ્જૈનની સરકારી માધ્યમિક શાળા કૉલેજ બની. 1920માં તેઓ એ કૉલેજના આચાર્ય બન્યા. સાથોસાથ ત્યાંની વેધશાળાના કાર્યમાં સક્રિય રસ લેતા હતા. 1930માં આચાર્યપદેથી નિવૃત્ત થયા પછી વેધશાળાના નિયામક તરીકે સરકારી સેવામાં તેમની પુન: નિયુક્તિ થઈ હતી. મૃત્યુ પર્યંત તેમણે આ પદ સંભાળ્યું હતું. તેમની વિનંતીથી 1936માં એ વેધશાળાને ‘જીવાજી વેધશાળા’ નામ આપવામાં આવેલું.

ટિળક પંચાંગ (જે શુદ્ધ પંચાંગ તરીકે ઓળખાય છે) પ્રથમ તૈયાર કરવામાં પ્રો. આપટેનો ફાળો નોંધપાત્ર હતો. તેમણે લખેલા ગ્રંથોમાં ‘સાયન્સ ડિક્શનરી’, ‘સર્વાનંદકરણ’, ‘સર્વાનંદલાઘવ’, ‘મૂહર્ત-ચિંતામણિ’, ‘પંચાંગ-ચિંતામણિ’, ‘ગૃહચિંતામણિ’, તથા ‘The Initial Point of Our Fixed Zodiac and Its Supplement’ નોંધપાત્ર છે. ઉપરાંત, ધોરણ 8થી 10 સુધીના વર્ગો માટે તેમણે વિજ્ઞાનને લગતાં પાઠ્યપુસ્તકો પણ લખ્યાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે