આદિત્યરામ વૈકુંઠરામ

February, 2001

આદિત્યરામ વૈકુંઠરામ (જ. 1763, જૂનાગઢ; અ. 1824) : પ્રસિદ્ધ સંગીતકાર. પિતા વૈંકુઠરામ સંસ્કૃતના વિદ્વાન અને કવિતા રચે, સંગીતના પણ શોખીન. પિતાએ આદિત્યરામને સંગીતનું શિક્ષણ આપ્યું. કિશોર આદિત્યરામે જૂનાગઢના નવાબ બહાદુરખાન સમક્ષ ગાઈને તેમની પાસેથી ઇનામ મેળવ્યું હતું. ગીરના કોઈ સિદ્ધ યોગીએ તેમને મૃદંગવાદન શીખવ્યું હતું. તેમણે ખયાલ તથા ગાયનની તાલીમ લખનૌના ગાયક ખાનસાહેબ નન્નુમિયાં પાસે લીધી હતી. 1841માં જામનગરના ગોસ્વામી શ્રી વ્રજલાલજીના સંસર્ગને કારણે તે જામનગરવાસી બન્યા. આદિત્યરામે ખુલ્લા દરબારમાં મહારાજા પાસે ગાવાની પરવાનગી માગી જેનાથી ગુસ્સે થયેલા જામસાહેબે યુવાનને કેદમાં પૂરવા હુકમ કર્યો. પણ યુવાને ફરીથી હિંમત કરી ગાવા માટે ફરી મહારાજાસાહેબની પરવાનગી

આદિત્યરામ વૈકુંઠરામ

માગી જે સાંભળી મહારાજા સાહેબે તેની ગાવાની માંગણી મંજૂર કરી. તેનું પ્રેમવિજોગણ રાધાની વ્યથાનું ગીત સાંભળી જામસાહેબ પ્રસન્ન થયા. જામસાહેબે આદિત્યરામને દરબારમાં ગાયક નીમ્યા અને તેમને યુવરાજ વિભાજીને સંગીત શીખવવાનું સોંપ્યું. 1846માં આદિત્યરામના લગ્નનો ખર્ચ જામસાહેબે આપ્યો. 1852માં વિભાજી ગાદીએ આવ્યા અને આદિત્યરામને વાર્ષિક 4 હજાર કોરી (1 કોરી = 25 નયા પૈસા) આપવા આજ્ઞા કરી. આદિત્યરામે જામનગરમાં સંગીતશાળા કાઢી હતી. શ્રી વ્રજલાલજી મહારાજ સાથે તેમણે ભારતની યાત્રા કરી હતી. તેમણે ‘સંગીતાદિત્ય’ નામનો ગ્રંથ રચી વિદ્વાનોનું ધ્યાન દોર્યું હતું. તેમણે અનેક ધ્રુવપદ અને ધમારોની રચના કરી હતી. તે સંસ્કૃત, હિંદી, ફારસી ભાષાઓ પણ જાણતા હતા. તેમની ગાયનકલા સાદી પણ શાંત ને સમતોલ હતી. તાલશાસ્ત્રમાં તેમની પૂરી નિપુણતા હતી.

કૃષ્ણવદન જેટલી