આત્મકથા : જીવન અથવા જીવનચરિત્ર સાથે ગોત્રસંબંધ ધરાવતો સાહિત્યપ્રકાર. જીવનચરિત્ર તથા આત્મચરિત્રને ઇતિહાસ સાથે પણ સંબંધ છે. જીવનકથાનો લેખક કોઈ બીજી વ્યક્તિના જીવન વિશે લખતો હોય છે ત્યારે આત્મકથાનો લેખક પોતાના જીવન વિશે લખતો હોય છે. આત્મકથાનો લેખક પોતે જ પોતાની કથાનો નાયક હોય છે. પોતાના જીવન વિશે તેને પ્રત્યક્ષ જ્ઞાન હોય છે; જ્યારે જીવનકથાના લેખકને તે માટે બહુધા પરોક્ષ પ્રમાણ પર આધાર રાખવાનો હોય છે. આત્મકથાના લેખકના પોતાના પૂર્વગ્રહો તથા સ્વબચાવની જાણ્યેઅજાણ્યે થતી કોશિશ અવરોધરૂપ બની શકે. વ્યક્તિને પોતાના જન્મસમયનું જ્ઞાન હોતું નથી. બાળપણનાં અમુક વર્ષો સુધીનાં સ્મરણો જળવાઈ રહે તે સંભવિત નથી. એમાં મોટેરાંની સ્મૃતિની મદદ લેવી પડે છે. વળી, આત્મકથા લેખકના મૃત્યુના પ્રસંગનું આલેખન કરી શકતી નથી. એ રીતે જીવનના બે છેડા પરત્વે આત્મકથા અપૂર્ણ ગણાય.

આત્મકથા અમુક જ વ્યક્તિ લખી શકે એવી કોઈ મર્યાદા નથી. અલબત્ત, સમાજમાં જેમની બહુ પ્રતિષ્ઠા હોય અથવા કલા કે અન્ય ક્ષેત્રે જેમની વધુ સિદ્ધિ હોય તેમની આત્મકથા લોકો વધુ આવકારે તેવો સંભવ છે. પરંતુ જીવન જોતાં-સમજતાં આવડતું હોય અને કથનકલા સાધ્ય હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની આત્મકથા રસપ્રદ બનાવી શકે. અનુભવની સમૃદ્ધિ અને લેખનકલા એ બંનેનો સંયોગ હોય તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય. લોકો જેમના વ્યક્તિત્વથી અંજાયા હોય તેમની આત્મકથા પ્રત્યે વાચકો વધુ અભિમુખ થાય છે.

સત્યનિષ્ઠા એ આત્મકથાનું પ્રાણભૂત તત્વ છે. ટૉલ્સ્ટૉયે કહ્યું હતું : ‘સત્ય એ જ મારી કથાનો નાયક છે.’ એ રીતે આત્મકથાનો લેખક કહી શકે તો આત્મકથાની સાર્થકતા છે. ‘મારા જેવા અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો’ એ ગાંધીજીની ઉક્તિ આત્મકથાના આ પ્રાણભૂત તત્વનો નિર્દેશ કરે છે. પોતે જેમાં તુચ્છ દેખાય તેવા પ્રસંગો આલેખતાં આત્મકથાના લેખકે સંકોચ ન અનુભવવો જોઈએ. ગાંધીજીએ ‘હિમાલય જેવડી ભૂલ’ કહીને પોતાની ભૂલો કબૂલ કરી છે તેમ જ નાનપણની તથા બીજી કોઈ ક્ષતિઓ છુપાવી નથી. આત્મકથાના શક્તિશાળી લેખક રૂસોએ પોતાની ભૂલો નિખાલસતાથી કબૂલ કરી છે. કેટલીક વાર માણસ દુષ્ટ કે પાપી દેખાવામાં ક્ષોભ અનુભવતો નથી, પણ ક્ષુદ્ર દેખાવામાં શરમ અનુભવે છે. આત્મકથામાં લેખક બીજી વ્યક્તિઓ વિશે લખે ત્યારે સાવધ રહેવાની જરૂર ખરી. પોતાની કોઈ ભૂતપૂર્વ પ્રેમિકા સાથેની પ્રણયકથા લેખક રજૂ કરે ત્યારે આ પ્રેમિકાના જીવનમાં તે કારણે વિક્ષેપ કે ઝંઝાવાત ન સર્જાય તે જોવું પડે છે. નર્મદે આત્મકથા લખતી વખતે આ તકેદારી રાખેલી. ગટેએ પોતાની આત્મકથાના એક પ્રકરણને કારણે એવી મુશ્કેલી ઊભી કરી હતી. અમુક વારાંગનાઓની આત્મકથાઓ પશ્ચિમમાં પ્રગટ થાય છે, ત્યારે કેટલાક મહાનુભાવોનાં હૈયાંમાં ફફડાટ જાગે છે. સમકાલીન મહાનુભાવો વિશેની અમુક વાતો પ્રગટ કરવાથી એમને માટે મુશ્કેલી ઊભી થાય કે એમની છાપ સમાજમાં બગડે તેવા ખ્યાલથી પોતાની આત્મકથાનાં અમુક પ્રકરણો હાલમાં પ્રગટ ન કરવાં અને અમુક વર્ષ પછી પ્રગટ કરવાં એવી સૂચના મૌલાના અબુલ કલામ આઝાદે આપી હતી.

માણસ મોટેભાગે મોટી ઉંમરે આત્મકથા લખે છે. આ ઉંમરે સ્મૃતિ ઓછી સતેજ હોય છે. આથી યથાતથ નિરૂપણ થવાનો સંભવ ઓછો થાય છે. જોકે માણસ બાલ્યકાળનાં અને કિશોરવયનાં કેટલાંક સ્મરણો કદી ભૂલતો નથી. એટલા માટે કાકા કાલેલકર કે કવિવર ટાગોરનાં બાલ્યાવસ્થાનાં સ્મરણોની કથામાં તાજગી અનુભવાય છે. આત્મકથામાં બધો આધાર સ્મૃતિ પર રહે છે. આ સ્મૃતિ અમુક અંશે સર્જનાત્મક એટલે કે છેતરામણી બની શકે છે. લેખક આવું સભાનતાથી જ કરતો હોય તેમ માનવાની જરૂર નથી. જે બનાવો અમુક રીતે બન્યા હોય તે બીજી રીતે બન્યા હોય તેમ સર્જનાત્મક સ્મૃતિ ગોઠવી કાઢે છે. માણસ યૌવનકાળમાં જે પ્રસંગ આલેખે તે જ પ્રસંગ જીવનસંધ્યાએ આલેખે તેમાં ઘણી વાર ભિન્નતા આવી જાય છે. આત્મકથા નવલકથા જેટલી રસપ્રદ બને, તેમાં સર્જકતા ખીલી ઊઠે તેની હરકત નથી, પરંતુ તેમાં સત્યને વિકૃત કરે તે રીતે કલ્પના ઉમેરાઈ જાય નહિ તેની તકેદારી રખાવી જોઈએ.

આત્મકથા જીવનલીલાના અનેક રંગો દર્શાવી શકે છે. દરેક વ્યક્તિનું અનુભવજગત અલગ અલગ હોવાથી આત્મકથામાં તેની એક આગવી સૃષ્ટિ ખડી થાય છે. તેમાં તે નિખાલસતાથી પોતાના જીવન વિશે વાત માંડે છે. આત્મકથા મૂળ તો કબૂલાત કે એકરારની વૃત્તિમાંથી ઉદભવી છે. ખ્રિસ્તી ધર્મમાં પોતાના પાપની કબૂલાત કરવાનો એક રિવાજ પરંપરાથી ચાલ્યો આવે છે. તેમાંથી ‘કન્ફેશન્સ’ (કબૂલાત-એકરાર) શરૂ થયાં અને ધીમે ધીમે આત્મકથાનો ઉદભવ એમાંથી થયો. પાંચમી સદીમાં સૅન્ટ ઑગસ્ટાઇને ‘કન્ફેશન્સ’ આ રીતે આલેખ્યાં હતાં, ત્યારથી આત્મકથાનો આરંભ થયો. ફ્રેંચ સાહિત્યકાર અને ક્રાંતિકાર રૂસો (1798-1837)નાં ‘કન્ફેશન્સ’માં પણ નિખાલસ એકરારો અને આત્મનિરીક્ષણ છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમની આત્મકથામાં આત્મગૌરવ અને પ્રતિષ્ઠાને એક બાજુએ મૂકીને પોતાનાં દુષ્કૃત્યોની કબૂલાત કરી છે, તે એમની સત્યનિષ્ઠા અને નિખાલસતા બતાવે છે.

આત્મકથાનો લેખક કેટલીક વાર દેશના કે સમાજના અમુક યુગનો અગ્રવર્તી કાર્યકર હોય છે. તેથી તે પોતાની આત્મકથા સાથે યુગની તવારીખ આલેખે છે. દરેક આત્મકથામાં યુગનું આલેખન પશ્ચાદભૂ તરીકે થવું ઘટે. પોતાના સમયનું રાજકીય, સામાજિક ને સાંસ્કૃતિક વાતાવરણ આત્મકથામાં આલેખાય તેમાં પ્રમાણ જળવાવું જોઈએ. પંડિત જવાહરલાલ નહેરુ કે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથામાં પોતાના યુગના અનેક બનાવો આલેખાયા છે, પણ એમાં આત્મકથા કરતાં જમાનાનો ઇતિહાસ વધી જાય છે. એને શુદ્ધ આત્મકથાને બદલે મિશ્ર આત્મકથા કહેવી પડે. આ ઇતિહાસમાં પોતે કેન્દ્રવર્તી હતા એવી સમજ પણ આવા આલેખન માટે પ્રેરતી હોય.

પોતાના બાલ્યકાળથી માંડીને જે સમયે આત્મકથા લખેલ હોય ત્યાં સુધીના જીવનપ્રસંગો ક્રમશ:  જે ક્રમમાં બન્યા હોય તે ક્રમમાં ઘણુંખરું આલેખાય છે. જો ક્રમ ન જળવાય તો તે પ્રકીર્ણ સંસ્મરણો બની જાય. વળી નાયકનું વ્યક્તિત્વ તેમજ પોતાની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિઓનું ચિત્રણ એમાં બરાબર ઊપસી આવવાં જોઈએ. આત્મકથા નવલકથા જેટલી રસપ્રદ બની શકે, એક સુદીર્ઘ ઊર્મિકાવ્યની છટા દર્શાવી શકે. કોઈ મહાકાવ્ય જેવું ગૌરવ ધારણ કરી શકે. પરંતુ તાટસ્થ્ય વિના સારી આત્મકથા સંભવી શકે નહિ. આ બધું જોતાં આત્મકથાને દુ:સાધ્ય સાહિત્યસ્વરૂપ કહેવામાં આવ્યું છે, તે યથાર્થ છે.

લેખકનું પોતાનું જીવન મહાન હોય તેથી આપોઆપ તેની આત્મકથા મહાન કલાકૃતિ બની જતી નથી. જીવનફલક મર્યાદિત હોવા છતાં પંજાબી લેખિકા અમૃતા પ્રીતમ તેમની આત્મકથા(‘રેવન્યુ સ્ટૅમ્પ’)ને તથા કૃષ્ણા હઠીસિંગ તેમની આત્મકથા(‘વિથ નો રિગ્રેટ્સ’)ને રસાવહ બનાવી શક્યાં છે. કેટલીક વાર દુષ્ટ માણસો પણ પોતાની દુષ્ટતાની ન્યાયપુર:સરતા પ્રતિપાદિત કરવા કે પોતાનો કક્કો ખરો છે, એમ સાબિત કરવા આત્મકથા લખી જાય છે. જર્મનીના એક વખતના સરમુખત્યાર હિટલરની આત્મકથા ‘માઇન કામ્ફ’ એનો એક વિશિષ્ટ અને રસપ્રદ નમૂનો છે; એની આત્મકથા માનસશાસ્ત્રીઓને અન્વેષણ માટે મોટી સામગ્રી પૂરી પાડે તેમ છે.

ગુજરાતી સાહિત્યમાં આત્મકથા પશ્ચિમના સંપર્ક પછી આવી છે. ભર્તૃહરિએ નિજગુણકથનને ઘોર પાપ કહ્યું છે. ભારતીય સંસ્કૃતિનો આ દૃષ્ટિકોણ ગણીએ તો પ્રાચીન ભારતીય સાહિત્યમાં આત્મકથાનો અભાવ સમજી શકાય તેમ છે. ગુજરાતી સાહિત્યમાં આદિકવિ નરસિંહ મહેતાએ પોતાના જીવનની ઘટનાઓને ‘હારમાળા’ (સં. 1512) વગેરેમાં નિરૂપી છે. તેમાં એનું કાવ્યકૌશલ છે. આ કાવ્યો આત્મકથાત્મક હોવા છતાં તે સળંગ આત્મકથાનું સર્જન નથી.

ગુજરાતી સાહિત્યમાં આત્મકથાનો સૌથી પહેલો પ્રયત્ન સુધારક યુગના અગ્રેસર દુર્ગારામ મહેતાજીનો ગણી શકાય. એમણે પોતાની જાહેર પ્રવૃત્તિઓની દૈનંદિની નોંધ (1845) લખી હતી, તેમાં આત્મચરિત્રના ઘણા અંશો છે. દુર્ગારામનો જમાનો કેવો હતો તેનો ખ્યાલ તેના પરથી આવે છે. આત્મકથાનો કોઈ નવીન પ્રકાર ખેડવાના આશયથી એમણે આ આત્મચરિત્રાત્મક અહેવાલ લખ્યો નથી, તેમ છતાં એમની કૃતિમાં સ્વભાવની નિખાલસતા તથા ગદ્યની સાહિત્યિક છટા ઉપસાવતું તેમનું વ્યક્તિત્વ જોવા મળે છે. ગુજરાતી આત્મકથાની ખરી શરૂઆત નર્મદની ‘મારી હકીકત’(1866)થી થાય છે. પોતે નવું પ્રસ્થાન કરે છે તેવા ભાન સાથે ગુજરાતીમાં સૌપ્રથમ આત્મકથા નર્મદે રચી છે. સત્યનિષ્ઠા આત્મકથા માટે અનિવાર્ય છે એવો એનો ખ્યાલ છે. પરંતુ એનું વ્યક્તિત્વ અહંપ્રધાન હોઈ, અમુક અંશે તાટસ્થ્ય જોખમાતું લાગે. છતાં તેની આત્મકથા ઘણી રોચક બની છે. એણે સત્ય માટે કરેલી પ્રતિજ્ઞા કોઈ પણ આત્મકથાકાર માટે ધડો લેવા જેવી છે : ‘જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ. પછી તે સારું હો કે નરસું, લોકોને પસંદ પડો કે ન પડો.’ એની આત્મકથામાં સુરુચિનો ભંગ થાય એવું કેટલુંક છે, પણ તેમાં સચ્ચાઈ છે. એ નમ્ર બની શકે છે તેમ બડાઈખોર પણ બની શકે છે. કેટલાંક વ્યક્તિચિત્રો ભાવાર્દ્ર કલમે આલેખાયાં છે, પણ કૃતિ સુગ્રથિત રૂપ ધારણ કરતી નથી. અલબત્ત જીવનવસ્તુ વૈવિધ્યસભર છે, સત્યનિષ્ઠા છે અને અમાપ નિખાલસતા છે, તે એનું જમા પાસું છે.

નર્મદ પછી પંડિતયુગના સાક્ષર મણિલાલ નભુભાઈએ 1895માં તેમની આત્મકથા લખી. આ કૃતિનો થોડો ભાગ અગાઉ આનંદશંકર ધ્રુવે, અમુક અંશો કાઢીને તેમના માસિક ‘વસંત’માં 1930માં પ્રગટ કરવાનો પ્રારંભ કર્યો હતો, પરંતુ તે પછી આગળ પ્રકાશન કર્યું નહિ. મણિલાલ નભુભાઈએ પોતાનાં જાતીય સ્ખલનો વિશે એમાં નિખાલસ એકરારો કર્યા છે. તેથી સમાજ પર તેની વિપરીત અસર થાય તેવા ખ્યાલથી ધ્રુવે તેમ કર્યું હશે. આવા એકરારોથી કેટલીક સંબંધિત વ્યક્તિઓને છાંટા ઊડે તથા એક મહાન પંડિતની પ્રતિષ્ઠાનું અવમૂલ્યન થાય એવી દહેશત પણ ખરી. ડૉ. ધીરુભાઈ ઠાકરે મણિલાલ નભુભાઈની આત્મકથા ‘મણિલાલ નભુભાઈનું આત્મવૃત્તાંત’ એ નામે 1979માં તેના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ કરી. તેથી સમાજમાં થોડી હલચલ મચી ગઈ હતી. મણિલાલે તેમાં સત્યનિષ્ઠા જાળવીને રૂસોની જેમ પોતાની બધી ક્ષતિઓ નિ:સંકોચ ખુલ્લી કરી છે. મહાન પંડિત અને વેદવિશારદ તથા યોગવિશારદ તરીકેની પોતાની છાપ આથી ધૂળમાં મળશે એવો ડર એમણે રાખ્યો નથી. માનવમનની જટિલતા તથા માનવવૃત્તિઓની વિચિત્રતા કેવી હોય છે તે અહીં જોઈ શકાય છે. પ્રેમની બાજુએ વિકૃતિ છે તો ધર્મની બાજુએ દૃઢતા છે, એવા વિરોધોવાળું મણિલાલનું વ્યક્તિત્વ તેમાં ઊપસી આવે છે. પોતાના દોષના નિરૂપણમાં તેઓ નર્મદથી પણ આગળ જાય છે. એ દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યના આત્મકથાના વિકાસમાં મણિલાલની આત્મકથા એક સીમાચિહન બની રહે છે.

મણિલાલ પછી નારાયણ હેમચંદ્રે લખેલી આત્મકથા ‘હું પોતે’- (1900)માં જન્મથી માંડીને વિલાયતના પ્રવાસ સુધીના પ્રસંગો નોંધાયા છે. તેઓ પ્રવાસના શોખીન હતા, તેથી એમની આત્મકથા પ્રવાસવર્ણન જેવી વધારે બની છે. ભાઈશંકર નાનાભાઈની આત્મકથા ‘મારા અનુભવની નોંધ’ (1912) બોધપ્રધાન વિશેષ છે. જૈન ધર્મચિંતક વાડીલાલ મો. શાહની ‘આત્મકથા’(1921)માં અધ્યાત્મજીવન તરફ વિશેષ ઝોક છે.

સત્યનિષ્ઠા જાળવવા સાથે કથનકલા જાળવીને આધ્યાત્મિક વિકાસનો પંથ સુઝાડતી ગાંધીજીની ‘આત્મકથા’ (‘સત્યના પ્રયોગો’) (1926) ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ આત્મકથા છે. ગાંધીજી મહાત્મા તરીકે પ્રસિદ્ધ થયા તે પહેલાંની પોતાના ઘડતરની કથા એમાં છે. સત્યભક્તિમાંથી તેઓ જરા પણ વિચલિત થતા નથી. અંગ્રેજ વિવેચક ડબ્લ્યૂ. એચ. ડન વ્યાખ્યા આપતાં ‘‘સત્યપૂર્ણ આત્મનિરીક્ષણ’’ને આત્મકથાનું મુખ્ય લક્ષણ ગણાવે છે. ગાંધીજીની આત્મકથા આ લક્ષણને ચરિતાર્થ કરે છે. પોતાની ક્ષતિઓનું આલેખન તેઓ અનુતાપની તીવ્ર લાગણીથી કરે છે. પ્રતિપક્ષીના દૃષ્ટિબિંદુને મહત્વ આપવાનો ગુણ એમની પ્રકૃતિમાં રહેલો છે, સરળ છતાં સચોટ શૈલીમાં લખાયેલી આ કૃતિ સુઘડ કલાવિધાન પામી છે. રાયચંદભાઈ, નારાયણ હેમચન્દ્ર આદિનાં વ્યક્તિચિત્રો આકર્ષક બન્યાં છે. ‘સત્યના પ્રયોગો’ દ્વારા એમને અભીષ્ટ તો છે આત્મદર્શન. આ આત્મકથામાં પોતે જ કરેલું પોતાનું દર્શન મુખ્ય છે. સંયમ અને સહિષ્ણુતાના ગુણોથી કૃતિ સાદ્યંત વિભૂષિત છે. સત્યના અવલંબન દ્વારા સામાન્ય માણસ આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે સાધી શકે તેનું માર્ગદર્શન આમાંથી સાંપડે છે. એક પ્રકારની પવિત્રતા અને શુચિતા સમગ્ર કૃતિ પર છવાયેલી છે. સુરુચિનો ભંગ કર્યા વિના તેઓ સત્યનું ઉચ્ચારણ કરે છે. આ આત્મકથા કશાક ઉદાત્ત તત્વનો સ્પર્શ વાચકને કરાવી જાય છે. ગુજરાતી સાહિત્યના ગૌરવરૂપ આ આત્મકથાએ જગતના આત્મકથાસાહિત્યમાં પણ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગટે, રૂસો અને ટૉલ્સ્ટૉય આદિ જગત-સાહિત્યકારોની આત્મકથાઓ સાથે આ કૃતિને નિ:સંકોચ મૂકી શકાય તેમ છે.

ગાંધીજી પછી કવિ ન્હાનાલાલના ‘અર્ધ શતાબ્દીના અનુભવબોલ’(1927)માં સ્વજીવનની કેટલીક વિગતો તથા સ્વકીય સાહિત્યિક માન્યતાઓ નિરૂપાયેલી છે. પણ એમાં આત્મકથાનું સ્વરૂપ બંધાતું નથી. ન્હાનાલાલ પછી કાકા કાલેલકરની ‘સ્મરણયાત્રા’(1934)માં બાલ્યવયનાં નિર્દોષ, વિનોદમય અને તાજગીભર્યાં સ્મરણો છે. કોઈ આત્મકથાકારે એમના જેવો વિનોદનો ફુવારો ઉડાડ્યો નથી. ફલક પ્રમાણમાં નાનું હોવા છતાં કૃતિ રસલક્ષી બની છે. શારદાબહેન મહેતાની આત્મકથા ‘જીવનસંભારણાં’(1939)માં સ્ત્રીજીવનની ઉન્નતિના પ્રયાસોનું એક વિશિષ્ટ દૃષ્ટિબિંદુ છે. લેખિકાના સમયના ગુજરાતની સામાજિક સ્થિતિનું ચિત્રણ પણ તેમાં છે.

પ્રમાણમાં દીર્ઘ છતાં રસિક આત્મકથા કનૈયાલાલ મુનશીની છે. આ આત્મકથા ‘અડધે રસ્તે’ (1942), ‘સીધાં ચઢાણ’ (1943), ‘મધ્વરણ્ય’ (1943) અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (1953) એમ જુદા જુદા ભાગરૂપે પ્રકાશિત થઈ છે. ‘શિશુ અને સખી’ આત્મકથાત્મક છે, પણ લયવાહી ગદ્યમાં થયેલી તેની રચના વિશિષ્ટ રૂપની છે. ‘અડધે રસ્તે’થી માંડીને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ સુધીની કૃતિઓમાં વાર્તારસ જમાવવાની લેખકની શક્તિ દેખાય છે. સત્ય કરતાં કલ્પના અહીં આગળ વધી જાય છે. લેખકના અહંભાવને લીધે તાટસ્થ્યને હાનિ પહોંચતી લાગે છે. પોતાના ભૃગુકુળના ગૌરવને રંગીન શૈલીમાં આલેખ્યું છે. તેમાં સ્વકુળમહિમાને પ્રાધાન્ય મળતું દેખાય છે. અસ્મિતાવાદને નામે અહંનો વિસ્તાર વધારે છે. પોતાનાં અમુક કાર્યોને વાજબી ઠરાવવાની કલામય વકીલાત કરવાની તેમનામાં ફાવટ છે. સત્ય કરતાં પ્રતિષ્ઠાને વધારે મહત્વ મળ્યું છે, તોપણ સરસતા અને કલામયતા એનું જમા પાસું છે. મુનશી-યુગના ધનસુખલાલ મહેતાની આત્મકથા ‘આથમતે અજવાળે’(1944)માં નિખાલસતા છે, પણ ઊંડાણ નથી. ગયા જમાનાના લહેરી સૂરતી જીવનની તાસીર એમાં બરાબર ઊપસી છે. કવિ બ. ક. ઠાકોરના ગ્રંથ ‘પંચોતેરમે’(1946)માં તેમની આત્મચરિત્રાત્મક નોંધ છે. ઝવેરચંદ મેઘાણીકૃત ‘પરકમ્મા’ (1946) અને ‘છેલ્લું પ્રયાણ’(1947)માં આત્મકથાત્મક અંશો છે; લોકસાહિત્યની સંશોધનયાત્રાનું રસમય વર્ણન એને ગણી શકાય.

‘ધૂમકેતુ’(ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી)ની આત્મકથા ‘જીવનપંથ’ (1949) અને ‘જીવનરંગ’ (1956) એમ બે ભાગમાં પ્રસિદ્ધ થઈ છે. ભૂતકાળમાં ખોવાઈ જઈને સંવેદનશીલતા તથા નિખાલસતાથી તેઓ પ્રસંગો વર્ણવે છે. કિશોરવયનાં સંસ્મરણો અહીં સજીવ બની રહે છે. મોંઘીભાભી, ખતીજાબીબી આદિનાં વ્યક્તિચિત્રો ઘણાં આકર્ષક બન્યાં છે. લેખકની પ્રેરણાનો સ્રોત કિશોરવયમાં જોયેલા જગતમાંથી ચાલ્યો આવે છે તેનો ખ્યાલ આત્મકથામાંથી મળે છે. સ્વજીવનના પ્રસંગો લેખકે કોઈ પણ આડંબર વિના રજૂ કર્યા છે. રસાળ શૈલીમાં વહેતી આ આત્મકથા ભાવકને તેના રસપ્રવાહમાં ખેંચી જાય છે.

રમણલાલ વસંતલાલ દેસાઈની આત્મકથા ‘ગઈ કાલ’ (1950) અને ‘મધ્યાહ્નનાં મૃગજળ’ (1957) નામે બે ગ્રંથોમાં પ્રગટ થઈ છે તેમાં લેખકની ઘડતરકથા છે, પરંતુ આત્મચરિત્ર તરીકેનો સુષ્ઠુ આકાર કૃતિને પ્રાપ્ત થતો નથી. લેખકના આભિજાત્યનો તથા નાગરી મીઠાશનો સ્પર્શ સર્વત્ર અનુભવાય છે.

નાનાભાઈ ભટ્ટની આત્મકથા ‘ઘડતર અને ચણતર’ (1954) સત્યનિષ્ઠા સાથે રોચક કથનનો સુમેળ સાધે છે. પોતાનું ઘડતર અને સંસ્થાનું ચણતર કેવી રીતે થતું ગયું તેનો આલેખ એમાં છે. ગુજરાતના શૈક્ષણિક નવપ્રસ્થાનરૂપ દક્ષિણામૂર્તિ અને લોકભારતીના સર્જકની આ કૃતિ શિક્ષણક્ષેત્રે પણ આગવું પ્રદાન છે. સંસ્થાના સર્જકને કેવી કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે તેનું દિગ્દર્શન એમાં છે. ગાંધીયુગના આ લેખક બધી દાસ્તાન ખુલ્લા દિલે કહી જાય છે. ગાંધીયુગના કવિ ‘સ્નેહરશ્મિ’(ઝીણાભાઈ રતનજી દેસાઈ)ની આત્મકથા ‘મારી દુનિયા’ (1971), ‘સાફલ્યટાણું’, ‘ઊઘડે નવી ક્ષિતિજ’ અને વળી ‘નવાં શૃંગ’ એમ ચાર પુસ્તકોમાં સમાવિષ્ટ છે. શિક્ષક અને સાહિત્યસર્જક ઉપરાંત સ્વાતંત્ર્યસૈનિક અને સ્વદેશવત્સલ જુવાનનું દૃષ્ટિબિંદુ એમાં ધ્યાન ખેંચે છે. સંવેદનશીલ કવિજીવનનું સર્જન હોવા સાથે સત્યાગ્રહયુગનું તાદૃશ ચિત્ર તેમાં આલેખાયું છે. તેમાં પોતાનાં સ્ખલનો નિખાલસ ભાવે રજૂ થયાં છે. પોતાનાં સર્જનોનાં મૂળ સ્વાનુભવમાં ક્યાં રહ્યાં છે તે પણ એમણે તેમાં દર્શાવ્યું છે. કમળાશંકર પંડ્યાની આત્મકથા ‘વેરાન જીવન’ સ્વાતંત્ર્ય માટેના આપણા મંથનકાળનો એક આલેખ બની જાય છે.

ચન્દ્રવદન મહેતાએ ‘બાંધ ગઠરિયાં’(1954)થી માંડીને ‘ગાંઠ બંધનિયાં’ (1976) સુધીમાં આપવીતીના 13 ભાગ આપ્યા છે. તેમાં બાળપણથી માંડીને મોટી ઉંમરે વિવિધ દેશોની લીધેલી વિભિન્ન મુલાકાતો-પ્રવાસો વગેરેનું રસમય કથનવર્ણન છે. તેમાં સ્પષ્ટવક્તૃત્વ અને ખુલ્લા દિલે કરેલા એકરારો ખાસ ધ્યાન ખેંચે છે. પોતાના સંપર્કમાં આવેલી વ્યક્તિઓનાં રેખાચિત્રો તેનું મુખ્ય આકર્ષણ છે. મજેદાર વિનોદ, નાટ્યકારની છટા, રંગીન મિજાજ અને વિપુલ જીવન-અનુભવથી આ સુદીર્ઘ આત્મકથા તેના રસપ્રવાહમાં વાચકને ખેંચી જાય છે. લેખકની વિનોદવૃત્તિ અને અનેક રસાળ ઉન્મેષો દર્શાવતું ભાતીગળ ગદ્ય ગુજરાતી આત્મકથાસાહિત્યમાં ‘ગઠરિયાં’ને ઊંચું સ્થાન અપાવે છે. પન્નાલાલ પટેલની આત્મકથાત્મક કૃતિ ‘અલપઝલપ’માં સર્જક તરીકેના તેમના વિકાસની દાસ્તાન મુગ્ધ અને હળવી કલમે આલેખાઈ છે. ભોળા ભાવે અનૌપચારિક રીતે હળવી પળોમાં કોઈ આત્મીયતાથી વાત કરતું હોય તેવી આ કૃતિની લાક્ષણિકતા છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ‘આત્મકથા’માં લેખકના જીવનપ્રસંગો સાથે તે સમયના ગુજરાતના રાજકીય-સામાજિક બનાવો ગૂંથાઈ ગયા છે. એમની સત્યનિષ્ઠા સાથે કથનકળાનો સુયોગ થયો છે. પોતાની ક્ષતિઓ દર્શાવવામાં એમણે સંકોચ રાખ્યો નથી. પત્ની અંગેના પ્રસંગના કથનમાં છે તેમ ક્યાંક પશ્ચાત્તાપ તીવ્રતાથી વ્યક્ત થયો છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોનો વિપુલ અનુભવ અને સબળ અભિવ્યક્તિ – એ બંનેનો આ સુદીર્ઘ આત્મકથામાં સુયોગ સધાયો છે.

આ ઉપરાંત ચંદ્રકાંત બક્ષીનું ‘બક્ષીનામા’, દર્શકનું ‘સદભિ: સંગ’, સ્વામીસચ્ચિદાનંદના ‘મારા અનુભવો’ ચી. ના. પટેલની ‘મારી વિસ્મયકથા’ નવનિધ શુક્લની ‘ચ્યુઈંગગમ’, ચંદ્રકાન્ત શેઠની ‘ધૂળમાં પગલી’, ધીરુભાઈ ઠાકરની ‘સ્મરણમાધુરી’ વગેરે રચનાઓ આ ક્ષેત્રમાં ધ્યાન ખેંચતી રહી છે.

ઇતર ભાષાઓના આત્મકથાસાહિત્યમાં ‘ધ મેડિટેશન્સ ઑવ્ માર્કસ ઑરેલિયસ’, ‘ધી ઑટોબાયૉગ્રાફી ઑવ્ બેન્વેન્યુટો ચેલિની’ (1558-66), જૉન એવલિન, સૅમ્યુઅલ પેપિસ અને જેમ્સ બૉઝવેલની નોંધપોથીઓ, રૂસોના ‘કન્ફેશન્સ’ (1781-1788); અંગ્રેજ ઇતિહાસકાર એડવર્ડ ગિબનની આત્મકથા (1796); અમેરિકન લેખિકા ગટર્રુડ સ્ટોને પોતાની આત્મકથા પોતાના જીવનસાથી ‘એલિસ બી. ટોકલાસની આત્મકથા’ (1933) એ શીર્ષકથી લખી છે, તે રસ પડે તેવી કૃતિઓ છે.

કવિ ડબ્લ્યુ. એચ. ડેવિસની ‘ધી ઑટોબાયોગ્રાફી ઑવ્ અ સુપર ટ્રૅમ્પ’ (1906), રૉબર્ટ ગ્રેવ્ઝની ‘ગુડ બાય ટુ ઑલ ધૅટ’ (1929), વિન્સ્ટન ચર્ચિલની ‘માય અર્લી લાઇફ’ (1930), આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ‘ધ વર્લ્ડ ઍઝ આઈ સી ઇટ’ (1934), સ્ટીફન સ્પેન્ડરની ‘વર્લ્ડ વિધિન વર્લ્ડ’ (1951), આર્થર કૉસ્લરની ‘ઍરો ઇન ધ બ્લૂ’ (1952), બર્ટ્રાન્ડ રસેલની ‘ઑટોબાયોગ્રાફી’ (1967), અમેરિકાના રાજપુરુષ માલ્કમની હત્યા બાદ ઍલૅક્સી હેલીએ માલ્કમના શબ્દોમાં લખેલ ‘ધી ઑટોબાયોગ્રાફી ઑવ્ એક્સ’ (1965), બેન્જામિન ફ્રાન્કલિન, જી. પી. હૉર અને લા ફૉલેતે લખેલ પોતપોતાની આત્મકથાઓ, ઍન ફ્રૅન્કની ‘ધ ડાયરી ઑવ્ ઍન ફ્રૅન્ક’, ગ્રૅહામ ગ્રીનની ‘અ સૉર્ટ ઑવ્ લાઇફ’ (1971) વગેરે આત્મકથાલેખનમાં ઉલ્લેખનીય છે. વીસમી સદીમાં ભાગ્યે જ એવી સુવિખ્યાત વ્યક્તિ હશે, જેણે આત્મકથા નહિ લખી હોય. કેટલીક કથાઓ એકથી વધુ ગ્રંથોમાં પ્રસરી છે. સીન ઓકેસીએ પોતાની આત્મકથા છ ભાગમાં લખી છે. ‘આઇ નૉક ઍટ ધ ડોર’ (1939) અને ‘સનસેટ ઍન્ડ ઈવનિંગ સ્ટાર’ (1954) તેના નોંધપાત્ર ભાગ છે. સર ઑસ્બર્ટ સિટવેલ અને સીગફ્રિડ સાસૂને આત્મકથાઓ લખી છે. સર કૉમ્પ્ટન મેકૅન્ઝીએ સુદીર્ઘ આત્મકથાઓ લખી છે. જ્યાઁ પૉલ સાર્ત્રની આત્મકથા ‘લૅ મૉત્સ’ (વર્ડઝ) (1964) ખૂબ જાણીતી છે. માર્ગારેટ થૅચરની ‘ધ ડાઉનિંગ સ્ટ્રીટ યર્સ’ (1993) તેમના રાજકીય-સામાજિક અનુભવોની સાંભરણો છે.

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની આત્મકથા મૂળ અંગ્રેજીમાં લખાઈ હોવા છતાં તેના અનુવાદ ભારતની મુખ્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે. ફારસીમાં ‘બાબરનામા’ (1483-1530) મુઘલ બાદશાહ બાબરની ઐતિહાસિક આત્મકથા છે. હિંદીની પ્રથમ ક્રમબદ્ધ આત્મકથા જૈન કવિ બનારસીદાસે ‘અર્ધકથા’ નામે પદ્યમાં લખેલી છે. મહાવીરપ્રસાદ દ્વિવેદી, ગુલાબરાય, શ્યામસુંદરદાસ તથા કવિ બચ્ચનની આત્મકથાઓ પણ પ્રેરક વાચન પૂરું પાડે તેવી છે. બંગાળીમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ‘જીવનસ્મૃતિ’ એક મહત્વની કૃતિ છે.

મરાઠીમાં વિનાયક દામોદર સાવરકરની ‘માઝી જન્મઠેપ’, ધોંડો કેશવ કર્વેની ‘આત્મકથા’; રમાબાઈ રાનડેકૃત ‘આમચ્યા આયુષ્યાંતીલ કાહી આઠવણી’; લક્ષ્મીબાઈ ટિળકની ‘સ્મૃતિચિત્ર’ (1934-36), ધર્માનંદ કૌસંબીકૃત ‘નિવેદન’ અને ‘એક ઝાડ આણિ દોન પક્ષી’ (1985), મરાઠી સાહિત્યકાર બેડેકરની આત્મકથા જાણીતી કૃતિઓ છે.

વિશ્વનાથ ખજૂરિયાની ‘પાગા દાન દીવાન’ (1985) કાશ્મીરી ડોગરી ભાષાની પ્રથમ આત્મકથા છે. મૈથિલીમાં સાહિત્યકાર હરિમોહન ઝાની ‘જીવનયાત્રા’ (1985) છે. પંજાબી લેખિકા અમૃતા પ્રીતમની ‘રસીદી ટિકિટ’નો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે.

કન્નડમાં સાહિત્યકાર શિવરામ કારંતની હિંદીમાં અનુવાદ પામેલી આત્મકથા ‘પગલેપન કે દસ ચહરે’, મલયાળમમાં સરદાર પણિક્કરની આત્મકથા તથા પી. કે. નારાયણ પિલ્લાઈની ‘સ્મરણમંડલમ્’ જાણીતી કૃતિઓ છે. ઉર્દૂમાં મૌલાના આઝાદની ‘આઝાદી કી કહાની, ઉન કી જબાની’ વગેરે મુખ્ય છે. નિખાલસ આત્મકથાના સાંપ્રત સમયમાં આ સાહિત્યનું વિપુલ ખેડાણ થયેલું છે.

ઈશ્વરલાલ ર. દવે