આઇ. એસ. . . (ISEE) (International Sun-Earth Explorer) : ‘ઇન્ટરનૅશનલ સન-અર્થ એક્સપ્લૉરર’ અથવા ISEE શ્રેણીના ત્રણ ઉપગ્રહો ‘ઇન્ટરનૅશનલ મૅગ્નેટોસ્ફિયર સ્ટડી’ના એક ભાગ રૂપે તૈયાર કરવામાં આવ્યા હતા. ISEE-1 અને -3 ‘નાસા’ દ્વારા અને ISEE-2 ‘ESA’ (European Space Agency) દ્વારા બનાવવામાં આવ્યા હતા. 1977-78 દરમિયાન આ ત્રણે ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. આમાંનો ‘આઇસી-3’ ઉપગ્રહ સૂર્ય, પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણબળના ‘સંતુલનબિંદુ’(libration point-L, 1)ની આસપાસ ‘પ્રભામંડળ ભ્રમણકક્ષા’(halo orbit)માં સ્થાપિત કરવામાં આવ્યો હતો. (આ સંતુલનબિંદુ પૃથ્વીથી 16 લાખ કિમી. દૂર સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખા ઉપર છે.)

આઇસી-1 અને આઇસી-2 પૃથ્વીની આજુબાજુ અતિ લંબવર્તુળાકાર ભ્રમણકક્ષામાં રાખવામાં આવ્યા હતા. આ ઉપગ્રહોમાં મૂકવામાં આવેલાં ઉપકરણોની મદદથી પૃથ્વીના ચુંબકાવરણ(magnetosphere)ના પ્લાઝ્મા સંબંધિત ઘણી મહત્વની માહિતી મળી હતી.

1985માં ‘આઇસી-3’ની ભ્રમણકક્ષામાં પરિવર્તન કરવામાં આવ્યું હતું, જેથી તે 11 સપ્ટે. 1985ના રોજ ‘જીયાકોબિની-ઝીનર’ નામના ધૂમકેતુના મસ્તકથી 3,000 કિમી. દૂર રહીને તેની પૂંછડીની આસપાસ પસાર થઈ ગયું હતું અને પૂંછડીમાં અસ્તિત્વ ધરાવતા પ્લાઝ્માનાં વેગ, ઘનતા અને તાપમાન અંગે અવલોકનો મેળવી શકાયાં હતાં. આ નવતર પ્રયોગ દરમિયાન તેનું નામ યોગ્ય રીતે ‘ઇન્ટરનૅશનલ કૉમેટરી એક્સપ્લૉરર (ICE)’ રાખવામાં આવ્યું હતું.

પરંતપ પાઠક