આઇબુપ્રોફેન

February, 2001

આઇબુપ્રોફેન (ibuprofen) : દુખાવો અને શોથ (inflammation) ઘટાડતું અને તાવ ઉતારતું ઔષધ, C13H18O2 = 206.2. ઈજા, ચેપ કે અન્ય કારણોસર શરીરની પેશીઓમાં પીડાકારક સોજો આવે અને તેમાં લોહીનું પરિભ્રમણ વધવાથી તે ગરમ થાય તેને શોથનો વિકાર કહે છે. મુખમાર્ગે અપાતી આ દવાની અસરો એસ્પિરિન જેવી અને જેટલી છે. તે પ્રૉસ્ટાગ્લૅન્ડિન દ્રવ્યોના સંશ્લેષણ(synthesis)નો અવરોધ (inhibit) કરે છે. તેનો મુખ્ય ઉપયોગ હાડકાંના સાંધાનાં દર્દો તથા સ્નાયુ અને મૃદુપેશીના શોથમાં થતા દુખાવા અને સોજાને ઘટાડવા માટે થાય છે. મચકોડ કે અન્ય ઈજાઓમાં પણ તે આ જ કાર્ય માટે ઉપયોગી છે. તેની સામાન્યપણે જોવા મળતી આડઅસરોમાં ઊબકા, ઊલટી અને પેટનો દુખાવો મુખ્ય છે. જોકે જઠરમાં ચાંદાં પડવાં કે જઠરમાંથી લોહીની ઊલટી થવી – જેવી ગંભીર આડઅસરો ઍસ્પિરિન કરતાં આ ઔષધમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ક્યારેક એનાથી વિષજન્ય અંધાપો (toxic amblyopia) થઈ આવે છે, જે દવા લેવાનું બંધ કરતાં મટી જાય છે. આ જ વર્ગનાં અન્ય ઔષધોમાં કીટોપ્રોફેન, નેપ્રૉક્સેન અને ફીનોપ્રોફેન મુખ્ય છે.

ભરત કાં. શાહ