આઇન્સ્ટાઇન વેધશાળા

February, 2001

આઇન્સ્ટાઇન વેધશાળા (Einstein Observatory) : આ નામનો વેધશાળાથી સજ્જ ઉપગ્રહ. તેનો મુખ્ય હેતુ સૂર્ય સિવાયના બીજા (nonsolar) સ્રોતોમાંથી આવતાં X-કિરણોનો અભ્યાસ કરવાનો હતો. 1962માં સ્કૉર્પિયસ(Scorpius)ના તારામંડળમાં એક ઝાંખો તારો, જે દૃશ્ય વર્ણપટમાંની કુલ ઊર્જા કરતાં એક હજારગણી ઊર્જાનું ઉત્સર્જન કરે છે, તેની શોધ થઈ ત્યારથી ખગોળીય X-કિરણોના સઘન અભ્યાસનો પ્રારંભ થયો છે. એના અનુસંધાનમાં, સૂર્યથી અલગ અને X-કિરણોની પ્રસૃત (diffused) પાર્શ્વભૂમિકામાં અંત:સ્થિત એવા 400 સ્રોતો શોધાયા. આ કિરણો ઓછી ઊર્જાવાળાં હોય છે અને તે પૃથ્વીના આયનમંડળમાં શોષાઈ જાય છે. નવેમ્બર 1978 સુધીમાં છોડાયેલા ઉપગ્રહોમાં મોકલેલાં દૂરબીન પૈકી આઇન્સ્ટાઇન વેધશાળામાંનું દૂરબીન સૌથી મોટું હતું અને તેની સંવેદિતા હજારગણી વધુ હતી. આ પ્રયોગ હાર્વર્ડ સ્મિથ્સોનિયન ખગોળવિજ્ઞાન કેન્દ્ર, મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી અને કોલંબિયા યુનિવર્સિટીના સહયોગમાં થયો હતો. X-કિરણી આકાશનું ચિત્રણ કરવા માટેના વિશિષ્ટ પ્રકારના દૂરબીનમાંથી મળતા પ્રતિબિંબને એક સંસૂચક (detector) અથવા વર્ણપટમાપી (spectrometer) પર કેન્દ્રિત કરાતું હતું. એમાં બે બાબતોમાં ધ્યાનપાત્ર પ્રગતિ સધાઈ હતી. એક તો, બહુ ઝાંખા સ્રોતોનું સ્થાન ચોકસાઈથી શોધી શકાતું અને તેને કોઈ એક ખાસ પ્રકાશિત વસ્તુ સાથે જોડી શકાતું. બીજું, જે પ્રસૃત સ્રોતોમાંથી X-કિરણો ઉત્સર્જિત થતાં હોય તેમને રેડિયો તેમજ પ્રકાશિત સ્રોતોનાં ચિત્રો સાથે સરખાવી શકાતાં અને નકશામાં આલેખી શકાતાં હતાં.

આઇન્સ્ટાઇન વેધશાળા – ઉપગ્રહને 13 નવેમ્બર 1978ના રોજ છોડાયો હતો. તેની અપેક્ષિત કાર્યાવધિ અઢી વરસની; પ્રતિદિન સરેરાશ 10 નવા સ્રોતોનું અંકન, પરિણામે તેમની કાર્યક્ષમતા પૂરી થતા સુધીમાં 10,000 નવા સ્રોતોની જાણકારી થવાની એટલે કે તેમાં 25ગણો વધારો થવાની ધારણા હતી.

આઇન્સ્ટાઇન વેધશાળા

ઉપગ્રહ 7 મી. લાંબો, સાધનો સાથે તેનું વજન 2,700 કિગ્રા., અગ્રભાગે સૌર કોશોની ગોઠવણી, પૃથ્વીના આયનમંડળથી ઊંચે ભ્રમણ, મોટા સમચોરસ મુખવાળા એક દૂરબીનનો ઉપયોગ અન્વીક્ષી-સંસૂચક (monitor detector) તરીકે, અને ત્રણ દૂરબીનો કૅમેરાઓ માટે. તારકલક્ષી કૅમેરાઓનો ઉપયોગ દૂરબીનોની દૃષ્ટિ-દિશાને ચોકસાઈપૂર્વક માપવા માટે થતો. તેનું અનપેક્ષિત પરિણામ એ પ્રાપ્ત થયું કે X-કિરણોના સમગ્ર વર્ણપટમાં વિસ્તરિત તરંગ-લંબાઈવાળા વિવિધ 200 તારાઓનું પરિચયન થયું અને તેમની તેજસ્વિતા તથા વય જાણી શકાઈ. ફલશ્રુતિનું એક ખાસ ઉદાહરણ – સૂર્યની સૌથી નજીકના (આશરે 4 x 1013 કિમી. અંતરે) પડોશી ત્રિસંખ્ય તારક-પદ્ધતિનો કિસ્સો : દ્વિસંખ્ય જોડકા તારકો α – સેન્ટૉરી A (ટાઇપ-G) અને સેન્ટૉરી B(ટાઇપ-K)નો બનેલો છે અને આ સમૂહનો ત્રીજો સાથી પ્રૉક્સિમા સેન્ટૉરી (ટાઇપ-M) છે. આ ત્રણ પૈકી પ્રૉક્સિમા સેન્ટૉરી સૂર્યની સૌથી વધુ નજીક છે અને આ સમૂહનો ત્રીજો સાથી પ્રૉક્સીમા સેન્ટૉરી (ટાઇપ-M) છે. આ ત્રણ પૈકી પ્રૉક્સિમા સેન્ટૉરી સૂર્યની સૌથી વધુ નજીક છે. ત્રણેય તારકોને 106 k જેટલા તાપમાને આયનિત વાયુનું તેજોવલય (corona) હોય છે. આ સમૂહમાંથી ઉત્સર્જિત થતાં X-કિરણોનો જથ્થો સૌર તેજોવલયમાંથી ઉત્સર્જિત થતા જથ્થા જેટલો હતો એમ જાણવા મળ્યું. α-સેન્ટૉરી Aનો X-કિરણ વર્ણપટ સૂર્યના જેવો જ છે, સેન્ટૉરી – B તેના કરતાં ઠંડો છે. પણ તેમાંથી નીકળતું વિકિરણ-ગુચ્છ ધાર્યા કરતાં વધારે છે. પ્રૉક્સિમા સેન્ટૉરી લાલ રંગનો ઠિંગુજી (dwarf) છે અને ઉપર ઉલ્લેખેલા બે જોડિયા કરતાં દસ હજારમા ભાગ જેટલો ઝાંખો છે.

કાંતિલાલ મોતીલાલ કોટડિયા