આંદ્ર આન્તવાં (જ. 31 જાન્યુઆરી 1858 લિમોજેસ, ફ્રાંસ; અ. 23 ઑક્ટોબર 1943 ફ્રાંસ) : ફ્રેન્ચ નટ, દિગ્દર્શક અને નિર્માતા. 19મી સદીના ઉત્તરાર્ધમાં રંગમંચીય પરિવર્તન કરનારાઓમાં એ અગ્રેસર ગણાય છે. અવેતન રંગભૂમિની પ્રવૃત્તિને ગૌરવભર્યું સ્થાન અપાવનાર અને અનેક નવા લેખકોને તખ્તાનાં પગથિયાંનો પ્રકાશ દેખાડનાર આ દિગ્દર્શક પૅરિસ ગૅસ કંપનીમાં ક્લાર્ક તરીકે પેટિયું રળતો હતો. થોડા નટ સાથીદારોને ભેગા કરીને 1887માં એણે એક નટમંડળી ઊભી કરી અને સાડાત્રણસો બેઠકોવાળા એક વિશાળ ખંડમાં નવતર એકાંકીકારોની મંડળીનું લવાજમ ભરતા પ્રેક્ષકોને એ પ્રયોગો બતાવતો. આ ‘થિયેટર લિબ્ર’ એક રીતે એવા નાટ્યલેખકોની પ્રયોગભૂમિ હતું, જેમને ક્યાંય ભજવણી કરવા મળે તેમ ન હોય. જે નાટકો ‘થિયેટર લિબ્ર’માં રજૂ થતાં તે ફ્રાન્સનાં બધાં થિયેટરોમાં આવકારદાયક બનતાં. એકાવન લેખકોની કૃતિઓ આંદ્ર આન્તવાંની પ્રયોગ-પરીક્ષામાંથી પસાર થઈ હતી. એમાંથી એંશી ટકા લેખકોએ ચાળીસી પણ વટાવી નહોતી. ઇબ્સન, હોપમાન, સ્ટ્રીન્બર્ગ વર્ગા વગેરે અનેક લેખકોનો ફ્રેન્ચ પ્રેક્ષકોને એણે પરિચય કરાવ્યો હતો. 1894માં એને એ થિયેટર બંધ કરવું પડ્યું; પરંતુ એ પછીથી પોતાના નામ સાથે સાંકળીને ‘થિયેટર આન્તવાં’ 1897માં સ્થાપ્યું. એમાં પણ એણે નવતર લેખકોની કૃતિઓને પ્રાધાન્ય આપ્યું. આન્તવાં આંદ્રની રંગભૂમિપ્રવૃત્તિએ અનેક નટદિગ્દર્શકોને પણ નિસર્ગવાદી પ્રણાલીની તાલીમ આપી. એને પગલે બર્લિનમાં ઑટૉ બ્રહ્મે ‘ફ્રેઈ બ્રુહને’ અને લંડનમાં ગ્રીને ‘ઇન્ડિપેન્ડન્ટ થિયેટર’ સ્થાપ્યાં. યુરોપ-અમેરિકાની નાટ્યપ્રણાલી ઉપર જબરી અસર કરનાર આ નટદિગ્દર્શકે ‘સુગ્રથિત’ નાટકની પકડમાંથી યુરોપીય થિયેટરને મુક્ત કર્યું. એનાં નાટકોની કુલ રજૂઆતોના કરતાં એના વિશે વધુ સંખ્યામાં લેખો લખાયા છે. પોતાની નવી નાટ્યસૂઝ વિશે અનેક વ્યાખ્યાન-શ્રેણીઓ એ યોજતો. કોપો જેવા શકવર્તી ફ્રેન્ચ દિગ્દર્શકોએ એમના હાથ નીચે તાલીમ લીધી હતી.

હસમુખ બારાડી