આંતરરાજ્ય માર્ગપરિવહન

January, 2002

આંતરરાજ્ય માર્ગપરિવહન : ભૂમિમાર્ગે યાત્રીઓ તથા માલસામાનની સુગમ ઝડપી અને સુરક્ષિત હેરફેર માટેની વ્યવસ્થા. ભારતમાં માર્ગપરિવહન વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે 1939માં મોટરવાહનધારો ઘડવામાં આવ્યો હતો. આ ધારાનો ગર્ભિત હેતુ માર્ગપરિવહનના ભોગે રેલપરિવહનને ઉત્તેજન આપવાનો હતો. પરિણામે ભારતનાં રેલમથકોને સાંકળી લેતી, સામાન્ય રીતે ટૂંકા અંતરની મોટરપરિવહન-સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવતું. દેશ સ્વતંત્ર થયા બાદ આ ધારામાં કરવામાં આવેલા મહત્વના ફેરફારોમાં કલમ 63 (એ) હેઠળ આંતરરાજ્ય પરિવહન નિગમની સ્થાપનાની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ નિગમને આંતરરાજ્ય પરિવહનના વિકાસ, સંકલન અને નિયંત્રણ માટેની સત્તાઓ આપવામાં આવી. તેના અનુસંધાનમાં દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં માર્ગપરિવહનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. સમય જતાં મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં રાજ્યપરિવહન અને ખાનગી પરિવહન બંને વચ્ચે હરીફાઈ થાય તેવી પરિસ્થિતિ પેદા કરવામાં આવી. કેટલીક રાજ્યસરકારોએ તેમના રાજ્યનાં પરિવહન નિગમોને સાથે રાખી આંતરરાજ્ય પરિવહન-સેવાઓ દાખલ કરવા માટે રીતસરના કરારો કર્યા અને તેની મારફત મુખ્યત્વે મોટાં શહેરો વચ્ચેના પરિવહન-માર્ગો (routes) નક્કી કર્યા. આવી આંતરપરિવહન સેવાઓની વ્યવસ્થા રાજ્યો-રાજ્યો વચ્ચેની પરસ્પર સમજૂતીથી નિયંત્રિત કરવામાં આવે છે.

સ્વાધીનતા પછી કેન્દ્રસરકાર અને રાજ્યસરકારોએ માર્ગબાંધકામ તથા માર્ગપરિવહન પર ખાસ ધ્યાન આપવાની નીતિ અખત્યાર કરી, જેને લીધે દેશમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્યમાર્ગો અને જિલ્લામાર્ગોના વિકાસને ગતિ મળી. ગુજરાતમાંથી ત્રણ રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે : (1) 1,428 કિમી. લંબાઈ ધરાવતો નંબર 8 માર્ગ, જે દિલ્હી – જયપુર – અજમેર – ઉદેપુર – અમદાવાદ – વડોદરા – મુંબઈ સુધીનો છે. ગુજરાત રાજ્યમાં તેની લંબાઈ 576 કિમી. જેટલી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 A અમદાવાદ-કંડલાને જોડે છે; જેની લંબાઈ 372 કિમી. જેટલી છે. તેવી જ રીતે 8 B રાષ્ટ્રીય ધોરી માર્ગ બામણબોર-પોરબંદરને સાંકળે છે, જેની લંબાઈ 219 કિમી. છે. (2) બ્યાવર-સિરોહી-રાધનપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 14 કુલ 45૦ કિમી. લાંબો છે. (3) કંડલાથી રાજસ્થાન થઈને પઠાણકોટને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 15 ગુજરાત પ્રદેશમાં કુલ 272 કિમી. લંબાઈ ધરાવે છે. માર્ચ 2૦2૦ના અંતે રાજ્યમાં આશરે 6,635 કિમીના રાષ્ટ્રીય માર્ગો અસ્તિત્વમાં હતા. માર્ચ 2૦2૦ના વર્ષની ઉપલબ્ધ વિગતો મુજબ ગુજરાતમાં 19,814 કિમી. લંબાઈ ધરાવતા રાજ્ય ધોરી માર્ગો છે, જે તે જિલ્લાનાં મુખ્ય નગરોને સાંકળે છે તથા ગુજરાતની નજીકનાં ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને રાષ્ટ્રીય ધોરી માર્ગો દ્વારા જોડે છે. અમદાવાદથી પોરબંદર, રાજકોટ, ભાવનગર, બીલીમોરા, નાશિક, હિંમતનગર-આબુ રોડ વગેરે કુલ 8૦ જેટલા આવા માર્ગો છે. આ ઉપરાંત ક્રમ આપ્યા સિવાયના 47 જેટલા રાજ્ય ધોરી માર્ગો છે. જિલ્લા સ્તરના મુખ્ય માર્ગો રાજ્યનાં વેપાર-વાણિજ્ય-કેન્દ્રોને રેલવેનાં મહત્વનાં મથકો, બંદરો અને રાષ્ટ્રીય તથા રાજ્ય ધોરી માર્ગોને સાંકળી લે છે. આ માર્ગોની કુલ લંબાઈ 2૦,564 કિમી. છે. માર્ચ 2૦૦8ના અંતે જિલ્લાના અન્ય માર્ગોની લંબાઈ 1૦,352 કિમી હતી. ગ્રામીણ માર્ગોની લંબાઈ 30,019 કિમી હતી રાજ્યના માર્ગોની કુલ લંબાઈ 74,112 કિમી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારે જૂના માર્ગો સુધાર્યા તથા નવાનું બાંધકામ પણ કર્યું. તેને લીધે તથા લાંબા અંતરની માર્ગસેવાઓ પરત્વે મુસાફરો અને વાહનચાલકોના બદલાયેલા અભિગમને કારણે આંતરરાજ્ય પરિવહન-સેવાઓને આઝાદી પછી પ્રોત્સાહન મળ્યું છે. પરિણામે ગુજરાત-રાજસ્થાન, ગુજરાત-મધ્યપ્રદેશ તથા ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે થયેલા કરારો મુજબ હાલ આ ત્રણ રાજ્યો અને ગુજરાત વચ્ચે પરિવહન-સેવાઓ દાખલ કરવામાં આવી છે; દા.ત., ગુજરાતનાં મહાનગરોથી આ ત્રણેય રાજ્યોનાં મહાનગરોને સાંકળી લેતી નિયમિત બસ-સેવાઓ ચાલે છે. કેટલાક કિસ્સાઓમાં મુસાફરીની માંગ જોઈને પણ કેટલીક આંતરરાજ્ય બસસેવાઓ દાખલ કરવામાં આવી છે; દા.ત., આબુ, ઉદેપુર, જયપુર, ઉજ્જૈન, મુંબઈ, પુણે, શિરડી, ઔરંગાબાદ, નાસિક, દ્વારકા, પાલિતાણા જેવાં ધાર્મિક કે ઐતિહાસિક પર્યટનની ર્દષ્ટિએ મહત્વનાં સ્થળો આંતરરાજ્ય પરિવહન-સેવાઓ દ્વારા એકબીજાં સાથે જોડવામાં આવ્યાં છે. લાંબા અંતરની આવી આંતરરાજ્ય સેવાઓને લીધે રાજ્ય, મુસાફરો તથા વ્યાપાર-વાણિજ્યનાં ક્ષેત્રોને નોંધપાત્ર લાભ અને સુગમતા પ્રાપ્ત થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જિગીશ દેરાસરી