આંગડિયો : ઘરેણાં જેવી કીમતી ચીજવસ્તુઓ, રોકડ નાણાં, દસ્તાવેજો વગેરેની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેરની સેવા પૂરી પાડનાર વિશ્વાસુ વ્યક્તિ. વાસ્તવમાં હેરફેરની સેવાઓ કેટલાક સંસ્થાકીય એકમો દ્વારા પણ પૂરી પાડવામાં આવે છે; દા.ત., તાર-ટપાલ વિભાગ નાના જથ્થામાં કીમતી ચીજવસ્તુઓ, દસ્તાવેજો, કાગળિયાં ઇત્યાદિની હેરફેરની સેવા પૂરી પાડે છે અને તે માટે નોંધાયેલાં પત્રો (registered letters), પાર્સલ તથા વીમો ઉતરાવેલ દાગીનાઓ(insured articles)ની વ્યવસ્થા ઉપલબ્ધ થાય છે. વ્યાપારી બૅંકો તેમની શાખાઓ મારફતે પોતાના ગ્રાહકોનાં રોકડ નાણાંની હેરફેર એક સ્થળેથી બીજા સ્થળે કરે છે. માલસામાનની હેરફેર મોટા જથ્થામાં કરવી હોય તો તે રેલવે દ્વારા કરાવી શકાય; પરંતુ સંસ્થાકીય એકમો દ્વારા થતી હેરફેર વધુ ખર્ચાળ તથા વધુ સમય માગી લે તેવા પ્રકારની હોય છે. તેની સરખામણીમાં આંગડિયા દ્વારા કરાતી હેરફેર ખર્ચ તથા સમય બંને રીતે વધુ અનુકૂળ હોય છે. સામી વ્યક્તિને ચીજવસ્તુ કે નાણાં હાથોહાથ પહોંચાડવાનાં હોય અને તેની પહોંચ તરત જ મેળવી લેવાની હોય ત્યારે આંગડિયાની સેવાઓનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

દાગીના, રોકડ, જર-ઝવેરાત, દસ્તાવેજો જેવી કીમતી તથા જોખમી ચીજવસ્તુઓને આંગડ તરીકે ઓળખવામાં આવે છે અને અવેજના બદલામાં આવી ચીજવસ્તુઓને એક ઠેકાણેથી બીજે ઠેકાણે લાવવા-લઈ જવાનું કામ કરનાર વિશ્વાસપાત્ર ધંધાદારી માણસને આંગડિયો કહે છે. ખાનગી ક્ષેત્રની પેઢીઓ તથા કેટલીક બૅંકો પણ કીમતી તથા જોખમી ચીજવસ્તુઓની હેરફેર માટે આંગડિયાની સેવાનો ઉપયોગ કરે છે.

ઝડપી સંદેશાવ્યવહાર તથા વાહનવ્યવહારના આધુનિક સમયમાં આંગડિયાની સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ અદ્યતન ‘કુરિયર સેવાઓ’ (courier services) તરીકે વિશ્વવ્યાપી બની ગઈ છે; તે મારફતે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે ચીજવસ્તુઓની ઝડપી હેરફેર થઈ શકે છે. કુરિયર સેવાઓ પૂરી પાડવા માટે આંતરરાષ્ટ્રીય કાર્ય-વિસ્તાર ધરાવતી પેઢીઓ-કંપનીઓ અસ્તિત્વમાં આવેલી છે.

ધીરુભાઈ વેલવન