અહમદનગર (જિલ્લો) : સ્થાન-સીમા-વિસ્તાર : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : તે આશરે 180 2૦´થી 190 55´ ઉ. અ. અને 730 4૦´થી 750 4૦´ પૂ. રે. વચ્ચેનો 17,૦48 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં નાસિક, ઉત્તર અને ઈશાનમાં ઔરંગાબાદ, પૂર્વમાં જાલના અને બીડ, અગ્નિ તરફ ઓસ્માનાબાદ અને સોલાપુર, દક્ષિણમાં સોલાપુર અને પૂણે તથા પશ્ચિમમાં પુણે અને થાણે જિલ્લાઓ આવેલા છે.

ભૃપુષ્ઠ : આ જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ ઉપલી ગોદાવરી અને ભીમા નદીનાં થાળાંઓમાં બે ભાગમાં વહેંચાયેલું છે. સહ્યાદ્રિ અને તેની શાખાઓ અહીં ટેકરીઓ રૂપે જોવા મળે છે. સહ્યાદ્રિમાંથી કલસુબાઈ, બાલેશ્વર અને હરિશ્ચન્દ્રગઢ શાખાઓ પૂર્વ તરફ વિસ્તરે છે. 1646 મીટર ઊંચાઈ ધરાવતું કલસુબાઈ શિખર અહીંનું તેમજ સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યનું સર્વોચ્ચ શિખર છે. કલસુબાઈ અને હરિશ્ચન્દ્રગઢ શાખાઓ અનુક્રમે ડરણા અને પ્રવરા નદીઓ વચ્ચેના તથા પ્રવરા અને મૂળા નદીઓ વચ્ચેના જળવિભાજકો રચે છે. જિલ્લાનો 1૦ % ભાગ જંગલોથી છવાયેલો છે, જંગલો અયનવૃત્તીય સૂકાં પર્ણપાતી પ્રકારનાં છે. જંગલો ટેકરીઓ અને ખીણો વચ્ચે આવેલાં છે. અહીં મુખ્યત્વે સાગ, લીમડો, બાવળ, ચંદન, ખેર, બોરનાં વૃક્ષો છે. વાંસ, ઘાસ, ટીમરૂપાન, વાવડીંગ, સીતાફળ અને ગુંદર તેમાંથી મળતી ગૌણ પેદાશો છે.

જળપરિવાહ : ઈશાન સરહદ રચતી ગોદાવરી અને દક્ષિણ સરહદ રચતી ભીમા તથા જિલ્લાની વચ્ચે વહેતી પ્રવરા અહીંની મુખ્ય નદીઓ છે. સીના, કૂકડી, ઘોડ, ડરણા, મૂળા, અડુલા અને મહાલાંગી તેમની શાખા નદીઓ છે. જિલ્લાનો ઘણોખરો ભાગ વર્ષાછાયાના પ્રદેશમાં આવી જતો હોવાથી અહીં વરસાદની અછત વરતાય છે. પ્રવરા નદીના મૂળ પાસે આર્થર હિલ સરોવર આવેલું છે. પ્રવરા અને મૂળા નદીઓ પર બંધ બાંધેલા હોવાથી તેમજ ગોદાવરીનાં જળ મળી રહેતાં હોવાથી નજીકના તાલુકાઓમાં ખેતીની ઊપજ લઈ શકાય છે.

ખેતી : જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જુવાર અને બાજરી છે. જિલ્લાનો 8૦ % ગ્રામીણ વિસ્તાર ખેડાણયોગ્ય જમીનો ધરાવે છે, તે પૈકીની 16.5૦ % જમીનોને સિંચાઈનો લાભ મળે છે. આ ઉપરાંત કૂવા અને તળાવો સિંચાઈ માટેના અન્ય સ્રોત છે. નદીઓ અને તળાવોમાં કેટલાક લોકો માછલી ઉછેરે છે.

ઉદ્યોગો : આ જિલ્લો ખનિજક્ષેત્રે સમૃદ્ધ નથી, વળી ખેતીની કે જંગલની પેદાશો પણ ઉદ્યોગોમાં ઉપયોગમાં લઈ શકાય એવી નથી. તાજેતરમાં રાજ્ય સરકારે 275 હેકટર જેટલી ભૂમિ ઉદ્યોગોના વિકાસ માટે ફાળવી છે, ત્યાં 12૦ જેટલાં કારખાનાંનું આયોજન કર્યું છે, તે પૈકી 104 એકમો શરૂ થયા છે અને તેમાં 3૦૦૦ જેટલા લોકો કામ કરે છે. જૂના વખતથી ચાલ્યા આવતા વાસણો બનાવવાના, ઈંટોના, માટીકામના, સુથારીકામના, ચામડાં કમાવવાના તેમજ તેલની ઘાણીઓના ગૃહઉદ્યોગમાં પણ હવે યંત્રીકરણ આવ્યું છે. નવા શરૂ થયેલા ઉદ્યોગો પૈકી ખાંડ, ગોળ, જિનિંગ-પ્રેસિંગ, કાંતણ-વણાટકામ, તેલમિલો દારૂ ગાળવાના તેમજ ઇજનેરી કામના એકમો મુખ્ય છે. આ જિલ્લો ખાંડના ઉત્પાદનમાં મોખરે છે.

વેપાર : આ જિલ્લામાં ત્રીજી સદીથી અમુક લોકોમાં વેપારી પરંપરા ચાલી આવે છે. જિલ્લાનાં મોટા ભાગનાં મથકો રેલમાર્ગો અને સડકમાર્ગોથી સંકળાયેલાં હોવાથી વેપારની અનુકૂળતા વધુ રહે છે. અહીંથી હાથવણાટની સાડીઓ, ખાંડ ખાંડસરી, ગોળ, બીડીઓ, ઑઇલ એંજિનો, લ્યુના મોપેડ, આયુર્વેદિક ઔષધો, ચામડાં અને થોડા પ્રમાણમાં ખાદ્યાન્નની નિકાસ થાય છે; જ્યારે કાપડ, ખાદ્યતેલ, રૂ, દવાઓ લોખંડનો સરસામાન, કરિયાણું, વાહનો, સ્ટેશનરી, વીજળીનો સામાન અને જરૂરી ખાદ્યાન્નની આયાત કરવામાં આવે છે. નગર, કોપરગાંવ, શ્રીરામપુર, સંગમનેર, પાથર્ડી, જામખંડ અને નેવાસા અહીંનાં મુખ્ય વેપારી મથકો છે.

પરિવહન-પ્રવાસન : આ જિલ્લો રાજ્યનાં તેમજ ભારતનાં મહત્વનાં સ્થળો સાથે રેલ તથા સડકમાર્ગોથી સંકળાયેલો છે. મન્માડ જતા રેલમાર્ગ પર કોપરગાંવ મહત્વનું રેલમથક છે, ત્યાંથી મુંબઈ, પુણે, ઔરંગાબાદ, શીરડી વગેરે સ્થળોએ જઈ શકાય છે.

અહમદનગર જિલ્લો પ્રાચીન કાળથી ‘સંતોની ભૂમિ’ તરીકે જાણીતો બનેલો છે. શીરડી ખાતેનું સાંઈબાબાનું મંદિર, ઉપાસની બાબાનું મંદિર, ગોદાવરી કાંઠે સંત ચાંગદેવનું સ્થાનક, મહેરબાબાનું મંદિર, કેડગાંવ દેવીનું મંદિર, જોગાઈ મંદિર અને જોગેશ્વરી અખાડો, સખારામ મહારાજની સમાધિ, કેશવ મહારાજનું સ્થાનક, જ્ઞાનેશ્વર અને મોહિનીરાજનાં મંદિરો, પ્રવચનો સંગમ, શનિદેવનું સ્થાનક, અષ્ટવિનાયક ગણેશમંદિર, મહમ્મદ મહારાજનું સ્થાનક, નીલોબા સંતનું સ્થાનક, ભૈરવનાથ મંદિર, તેમજ કોતુલેશ્વર અહીંના જાણીતાં ધાર્મિક સ્થળો છે, આ પૈકીનાં કેટલાંક સ્થળોએ મેળા પણ ભરાય છે. અહમદનગર, ખારડા અને પેડગાંવ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનાં સ્થળો ગણાય છે. નગર, હરિશ્ચંદ્રગઢ અને ખારડા ખાતે જૂના કિલ્લાઓ આવેલા છે. શ્રીરામપુર તાલુકાના દાયમાબાદ ખાતે સર્વે ઑવ ઇન્ડિયાએ 35૦૦ વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષો ઉપલબ્ધ કરી આપેલા છે. આ ઉપરાંત અહીંના અકોલા તાલુકામાં આવેલો ભંડારા બંધ પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 45,43,159 જેટલી છે. જિલ્લામાં મરાઠી, હિન્દી, તેલુગુ અને ઉર્દૂ  ભાષાઓ બોલાય છે. જિલ્લામાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના જુદા જુદા તબક્કાઓની સંસ્થાઓની સગવડ છે.  આ જિલ્લામાં કૉલેજો તથા અન્ય ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. જિલ્લા મથક અને તાલુકા મથકો ઉપરાંત, જિલ્લાનાં ગામડાંઓમાં તબીબી સેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 13 તાલુકાઓમાં અને 13 સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે.

ગિરીશભાઈ પંડ્યા