અસીર, ઇબ્નુલ (જ. 12 મે 116૦, અલજઝીરા, અ. 1233, ઇરાક) : અરબી ઇતિહાસકાર. પૂરું નામ ઇરુદ્દીન અબુલ હસનઅલી ઇબ્નુલ અસીર. મવસલ અને બગદાદમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સીરિયાના પ્રવાસ પછી બાકીનું જીવન મવસલનાં ગામોમાં જ પસાર કરેલું. આરબ ઇતિહાસકારોમાં તેનું સ્થાન ઘણું ઊંચું છે. તેના ચાર ગ્રંથો સુપ્રસિદ્ધ છે : (1) પયગંબરસાહેબના સાથીઓનું જીવનચરિત્ર ‘ઉસ્દુલ ગાબા-ફી માઅરિફતુસ સબાહા’, (2) સમ્આનીની કૃતિ ‘કિતાબુલ અન્સાબ’નું સંક્ષિપ્ત ‘અલ લુબાબ’, (3) મવસલના જંગી અતાબક વંશ વિશેનું પુસ્તક ‘તારીખે દૌલતુલ અતાબકીયા’, (4) તેની મહાન કૃતિ ‘અલ કામિલ ફિલ તારીખ’, જેમાં જગતના આદિકાળથી ઈ. સ. 1231 સુધીનો ઇતિહાસ છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ