અસત્ય-નિર્દેશક યંત્ર

January, 2001

અસત્યનિર્દેશક યંત્ર (lie detector) : અસત્યનો નિર્દેશ કરતું યંત્ર – પૉલિગ્રાફ. સામાન્ય માન્યતા એવી છે કે વ્યક્તિ અસત્ય બોલે તો આ યંત્ર ઘંટડીનો અવાજ કે લાલબત્તી જેવા સૂચક નિર્દેશો કરતું હશે, પણ હકીકતમાં તેમ નથી.

એમાં હવાના દબાણથી સ્વયંસંચાલિત યંત્રો દ્વારા રુધિરદબાણ, નાડીના ધબકારા અને શ્વાસોચ્છવાસની નોંધણી થાય છે. સાથે સાથે તેમાં ત્વચાની વિદ્યુત-પ્રતિરોધશક્તિમાં થતા ફેરફાર (psychogalvanic skin reflex) અને સ્નાયુ-પ્રતિક્રિયા નોંધવા માટેની પણ વ્યવસ્થા હોય છે.

Lie detector

અસત્ય-નિર્દેશક યંત્ર

સૌ. "Lie detector" | CC BY 2.0

આ સાધનનો ઉપયોગ ગુનાશોધનના કાર્યમાં થાય છે. શરીરમાં થતા અનૈચ્છિક ફેરફારોને રોકી શકાય નહિ તે સિદ્ધાંત પર આ સાધન રચાયેલું છે. જે વ્યક્તિ પર આ સાધનનો ઉપયોગ કરવાનો હોય તેનાં વિવિધ અંગો પર આ સાધનના વિવિધ ભાગો જોડવામાં આવે છે.

શ્વાસોચ્છવાસ અને નાડીના ધબકારા નોંધવા માટે હવાના દબાણથી ફૂલે અને સંકોચાય તેવી રબરની નળી વ્યક્તિની છાતી અથવા પેટ ઉપર બાંધવામાં આવે છે. રુધિર-દબાણ માપવા માટેનો પટો ડૉક્ટરોના રક્તચાપયંત્રની જેમ હાથ ઉપર બાંધવામાં આવે છે. ઇલેક્ટ્રોડના એક સેટને હાથની ઉપર અને નીચેની બાજુએ વિદ્યુત્-પ્રતિરોધક શક્તિમાં થતા ફેરફારો નોંધવા અને બીજાને સ્નાયુ-પ્રતિક્રિયા નોંધવા માટે કોઈ એક સ્નાયુના બંને છેડે જોડવામાં આવે છે.

જોડાણ થયા પછી યંત્ર દ્વારા તૈયાર થયેલી યાદીમાંથી તટસ્થ અને ગુના સાથે સંબંધિત પ્રશ્નો વ્યક્તિને પૂછવામાં આવે છે. પૉલિગ્રાફ સ્વયંસંચાલિત હોવાથી આંતરિક પ્રક્રિયાઓ ગ્રાફપેપર ઉપર સતત નોંધાતી રહે છે. આમ સંબંધિત અને અસંબંધિત પ્રશ્નોથી ઉપસ્થિત ફેરફારોની સરખામણી દ્વારા અસત્ય અંગે નિર્દેશ મેળવી શકાય છે.

બુરહાનુદ્દીન બહાઉદ્દીન સિદ્દીકી